SURAT

સુરત રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ, કુંભ મેળામાંથી પરત આવેલા આટલા લોકો પોઝિટિવ

સુરત: (Surat) સુરત સહિત રાજ્યમાં કોરોનાનો કહેર ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે ગતરોજ સુરત રેલવે સ્ટેશન (Railway Station) ખાતે આવેલા મુસાફરો પૈકીના 63 લોકો પોઝિટિવ આવ્યા હતા અને તે પૈકીના 8 લોકો કુંભ મેળામાંથી આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. કુંભમેળામાં શાહીસ્નાનમાં બે શાહી સ્નાન બાદ ઘણા લોકો પોઝિટિવ આવતાં આ કુંભ મેળો રદ કરવામાં આવ્યો હતો. પરંતુ કુંભ મેળામાં (Kumbh Mela) ભાગ લેનારા પરત ફરતા આ લોકો પોઝિટિવ છે કે નહીં તેની તપાસવાની કામગીરી સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરતમાંથી અંદાજે કેટલા લોકો આ મેળામાં ગયા હતા તેનો ચોક્કસ આંકડો કોઇને ખબર નથી. પરંતુ સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ ટીમો બનાવી કુંભ મેળામાંથી પરત આવતાં લોકોનું ટેસ્ટિંગ (Testing) કરવાની કામગીરી શરૂ કરી હતી.

સુરત મહાનગરપાલિકાએ ઓફિસમાં ક્લાર્કની ડ્યૂટી કરતી મહિલા તથા શિક્ષકોને સુરત રેલવે સ્ટેશન, એરપોર્ટ અને ટોલનાકા ઉપર બહારથી આવતા લોકોનાં ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. રવિવારે રેલવે સ્ટેશન ખાતે આવેલા મુસાફરો પૈકીના 63 લોકો પોઝિટિવ આવ્યા હતા. તેમાંથી આઠ લોકો કુંભ મેળામાંથી પરત ફરેલા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકોને પાલિકા દ્વારા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. કુંભ મેળાને કારણે ખૂબ મોટી માત્રામાં લોકો પોઝિટિવ આવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ સુરત રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના કોવિડ-19નું ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે.

સોમવારે સુરત સ્ટેશન પર ટેસ્ટિંગ કિટ ખૂટી પડતાં ધન્વંતરી રથની સેવા લેવાઈ
સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન વ્યવહાર ફરી ધમધમતો થઇ રહ્યો છે. ત્યારે લોકો પણ ટ્રેનો મારફત સુરતમાં આવી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશને દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો સુરતમાં આવી રહ્યા છે. જેના કારણે રેલવે સ્ટેશન પર મનપા દ્વારા ચેકિંગ કરવામાં આવતી કિટ ખૂટી પડી હતી. આથી સોમવારે સવારથી સુરત રેલવે સ્ટેશન પર ધન્વંતરી રથની સેવા લેવાઈ હતી.

45થી વધુ ઉંમરના દર્દીઓને સ્ટેશન પર વેક્સિન આપવાનું શરૂ કરાયું
સુરત રેલવે સ્ટેશન પર સુરત મહાનગર પાલિકા દ્વારા કોવિડ પોઝિટિવના કેસ ઓછા કરવા માટે વેક્સિન પૂરજોશમાં આપવાનું શરૂ કરાયું છે. શહેરમાં અલગ હેલ્થ સેન્ટરો, સ્કૂલો તથા સ્મીમેર હોસ્પિટલમાં 45થી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. હવે આ વેક્સિનની સુવિધા સુરત રેલવે સ્ટેશન પર જ શરૂ કરવામાં આવી છે. બહારગામથી આવતા 45 વધુ ઉંમરના લોકો માટે સુરત રેલવે સ્ટેશન પર વાહન ઊભું કરી દઇ સ્થળ પર વેક્સિન આપવાનું શરૂ કરાયું છે. સોમવારે સુરત રેલવે સ્ટેશન પર કુલ 45થી વધુ ઉંમરના 150 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી છે.

Most Popular

To Top