National

મોદી સરકારે પૈસાના અભાવે 162 ઓક્સિજન પ્લાન્ટની મંજૂરી લટકાવી રાખી હતી?

મનુષ્યનો જન્મ થાય ત્યારથી લઈને મરણ સુધી તેને ઓક્સિજનની જરૂર પડતી હોય છે. કુદરત આપણને આખી જિંદગી મફતમાં ઓક્સિજન પૂરો પાડે છે, માટે આપણને તેની કિંમત સમજાતી નથી. જે માણસને શ્વાસની તકલીફ માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડે અને ઓક્સિજનના બાટલા ચડાવવા પડે તેને જ ઓક્સિજનની ખરી કિંમત સમજાય છે. વૃક્ષો દ્વારા રોજનો કરોડો મેટ્રિક ટન શુદ્ધ ઓક્સિજન પેદા કરીને હવામાં છોડવામાં આવે છે, પણ તેની કિંમત સમજ્યા વિના માનવ જાત વૃક્ષોનો સંહાર કર્યા કરે છે. હમણાં કોવિડ-૧૯ ને કારણે લોકો ગભરાટમાં આવીને હોસ્પિટલમાં દાખલ થઈ જવા લાગ્યાં હોવાથી દેશમાં ઓક્સિજનની તંગી પેદા થઈ છે. મધ્ય પ્રદેશની એક હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે નવ દર્દીનાં મોત થતાં રહી ગયાં હતાં. દિલ્હીની સરકારે આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકાર તેમના ભાગનો ઓક્સિજન બીજાં રાજ્યોને ફાળવી રહી છે. સરકારે ઓક્સિજનની તંગી નિવારવા સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું છે. સવાલ એ થાય છે કે લોકડાઉનના એક વર્ષ દરમિયાન સરકારે ઓક્સિજનના પુરવઠા માટે શું પગલાં ભર્યાં?

સરકારના આંકડાઓનો અભ્યાસ કરીએ તો પણ કોરોના કટોકટીના કાળમાં પણ ભારતમાં ઓક્સિજનની કોઈ તંગી નથી. જો કોઈ સમસ્યા હોય તો તે વિતરણની છે. જે ફેક્ટરીમાં કે રાજ્યમાં પ્રવાહી ઓક્સિજન પેદા થાય છે, તે સમયસર હોસ્પિટલ સુધી પહોંચતો નથી. બીજી સમસ્યા જરૂરિયાતની છે. હોસ્પિટલમાં કોરોનાનાં જેટલાં દર્દીઓ દાખલ થાય છે તે દરેકને ઓક્સિજનની જરૂર હોતી નથી. એક અંદાજ મુજબ હોસ્પિટલમાં દાખલ થનારા ૬ ટકા કોરોના દર્દીઓને જ ઓક્સિજનની જરૂર હોય છે. તેમ છતાં ડોક્ટરો બિનજરૂરી રીતે ઓક્સિજન આપવાનું કહે છે. દર્દીઓ પણ ગભરાટમાં આવીને ઓક્સિજન ઉપરાંત વેન્ટિલેટર અને રેમડેસિવિર જેવી નકામી દવાનો આગ્રહ રાખે છે, જેને કારણે આ બધી ચીજોની કૃત્રિમ તંગી પેદા થઈ છે.

ભારતનું ઓક્સિજનનું ઉત્પાદન જોઈએ તો તબીબી ઉપયોગ માટે રોજના ૭,૧૨૭ મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે છે. આટલો ઓક્સિજન લગભગ બે લાખ દર્દીઓ માટે પર્યાપ્ત ગણાય છે. તા. ૧ એપ્રિલના રોજ ભારતમાં કોરોનાના આશરે એકાદ લાખ એક્ટિવ કેસો હતા. તેમાંના લગભગ ૬ હજારને જ ઓક્સિજનની જરૂર હતી. દેશમાં ઓક્સિજનની કોઈ તંગી નહોતી. તા. ૧૨ એપ્રિલના રોજ ભારતમાં કોરોનાના કેસો વધી ગયા. તો પણ તેમને ૩,૮૪૨ મેટ્રિક ટન ઓક્સિજનની જ જરૂર હતી, જે કુલ ઉત્પાદનના ૫૪ ટકા જેટલી જ હતી. તા. ૧૨ એપ્રિલે દેશમાં જેટલા ઓક્સિજનનું ઉત્પાદન થતું હતું તેના ૪૬ ટકાનો ઉપયોગ થતો નહોતો.

તા. ૧૬ એપ્રિલે ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને ૧૭ લાખ પર પહોંચી ગઈ. તેમાંના ૮૦ ટકા તો લક્ષણો વગરનાં હતાં, જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જ જરૂર નહોતી. તેમ છતાં ગભરાટને કારણે તેમાંનાં ઘણાં હોસ્પિટલમાં દાખલ થઈ ગયાં, જેને કારણે હોસ્પિટલોમાં બેડની તંગી પેદા થઈ ગઈ. બજાજ કંપનીના સીઈઓ રાજીવ બજાજના કહેવા મુજબ વર્તમાનમાં કોરોનાનાં જેટલાં દર્દીઓ હોસ્પિટલમાં છે તેમાંનાં ૭૦ ટકાને ઘરે મોકલી દેવાની જરૂર છે. જે ૧૭ લાખ દર્દીઓ હોસ્પિટલમાં છે તેમાંના લગભગ એકાદ લાખને જ ઓક્સિજનની જરૂર છે. તેમને પાંચેક હજાર મેટ્રિક ટન ઓક્સિજન પૂરતો થઈ જાય તેમ છે. તેમને બધાને જરૂરી ઓક્સિજન પૂરો પાડ્યા પછી પણ આપણા દેશમાં દૈનિક આશરે બે હજાર મેટ્રિક ટન ઓક્સિજન બચી શકે તેમ છે.

કોરોનાને કારણે દેશમાં ઓક્સિજનની ડિમાન્ડ એકાએક વધી જતાં સરકાર સફાળી ઊંઘમાંથી જાગી ગઈ છે. અગમચેતીનાં પગલાં તરીકે તેણે ઉદ્યોગો દ્વારા વાપરવામાં આવતાં ઓક્સિજન પર કામચલાઉ પ્રતિબંધ મૂકી દીધો છે. જો કે તેમાં નવ ઉદ્યોગોને બાકાત રાખવામાં આવ્યા છે. બાકીના ઉદ્યોગોમાં વપરાતો ઓક્સિજન હવે તબીબી ક્ષેત્ર તરફ વાળવામાં આવશે. હકીકતમાં ગયા વર્ષે કોરોના આવ્યો ત્યારે ભારત સરકારે ૧૬૨ સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવાની યોજના તૈયાર કરી હતી. તેમાં પીએમ કેરના રૂપિયા વાપરવાના હતા. સરકારે એક વર્ષ દરમિયાન તે યોજનાનો અમલ જ કર્યો નહીં. હવે આગ લાગે ને કૂવો ખોદવા જાય તેમ આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને જાહેર કર્યું છે કે ૧૬૨ સરકારી હોસ્પિટલોમાં રોજનો ૧૫૪ મેટ્રિક ટન ઓક્સિજન પેદા કરવામાં આવશે. ગુજરાતમાં દુકાળ હતો ત્યારે રાજકોટ માટે પાણીની ટ્રેનો દોડાવવામાં આવતી હતી તેમ અમુક રાજ્યોમાં સ્પેશ્યલ ટ્રેનો દ્વારા ઓક્સિજન પહોંચાડવાની તૈયારી ચાલી રહી છે.

ભારતમાં જેમ ઓક્સિજનની તંગી મનોવૈજ્ઞાનિક છે, તેમ કોવિડ-૧૯ ની સારવાર માટે વપરાતી રેમડેસિવિર દવાની જે તંગી ઊભી કરવામાં આવી છે તે પણ મનોવૈજ્ઞાનિક અને કૃત્રિમ છે. પહેલી વાત તો એ કે તબીબી વિજ્ઞાન આજની તારીખમાં પણ કોવિડ-૧૯ ની કોઈ દવા શોધી શક્યું નથી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં કોવિડ-૧૯ નાં દર્દીઓને જે કોઈ દવાઓ આપવામાં આવે છે તે અખતરાથી વિશેષ કાંઈ નથી. ગયા વર્ષે દુનિયામાં કોરોના આવ્યો ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી આપણા દેશની અનેક હોસ્પિટલોમાં પ્રાયોગિક ધોરણે ચાર દવાઓ આપવામાં આવતી હતી, જેમાંની રેમડેસિવિર પણ એક હતી. પ્રયોગોના અંતે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું કે રેમડેસિવિરથી કોવિડ-૧૯ ના દર્દીને કોઈ લાભ થતો હોવાના પુરાવા મળતા નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો ફોડ પાડીને કહ્યું હતું કે રેમડિસિવિર લેવાથી કોરોનાનાં દર્દીઓનું હોસ્પિટલમાં રોકાણ ઓછું થાય છે કે મરણના પ્રમાણમાં ઘટાડો થાય છે તેવા કોઈ પુરાવા નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના હેવાલને પગલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પણ જાહેર કર્યું હતું કે કોવિડ-૧૯ ની સારવાર માટે તેઓ રેમડેસિવિરનો ઉપયોગ કરવાની ભલામણ કરતા નથી. આ જાહેરાત પછી આ વર્ષના માર્ચ મહિના સુધીમાં રેમડેસિવિરનો ઉપયોગ એકદમ ઓછો થઈ ગયો હતો.

દરમિયાન અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને રેમડેસિવિરનો પ્રાયોગિક ઉપયોગ કરવાની શરતી છૂટ આપી દીધી હતી. તેની પાછળ રેમડેસિવિરનું ઉત્પાદન કરતી કંપનીઓનું લોબિંગ કારણરૂપ હતું. આ છૂટનો ગેરલાભ લઈને ભારતના ડોક્ટરોએ કોવિડ-૧૯ નાં દર્દીઓને બિનજરૂરી રીતે બેફામ રેમડેસિવિર લખી આપવા માંડી હતી. દરમિયાન કોવિડ-૧૯ ના કેસોમાં ઉછાળો આવ્યો હતો, જેને કારણે રેમડેસિવિરની ડિમાન્ડ વધી ગઈ હતી. કંપનીઓ પાસે પર્યાપ્ત પુરવઠો હોવા છતાં તેમણે દવા ગોડાઉનમાં ભરી રાખીને કૃત્રિમ તંગી પેદા કરી હતી. મીડિયામાં તેના હેવાલો આવતાં લોકોમાં તેની મનોવૈજ્ઞાનિક અસર થઈ હતી. લોકો લાંબી લાઇનમાં ઊભા રહી ગયા હતા. જો રેમડેસિવિરની ખરેખર અછત હતી તો રાજકીય પક્ષના નેતા પાસે પાંચ હજાર ઇન્જેક્શનો આવ્યાં ક્યાંથી? દરમિયાન કંપનીએ ગંજાવર કમાણી કરી હતી. સરકાર દ્વારા પણ કોઈ સ્પષ્ટ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી નહોતી કે આ દવા કોવિડ-૧૯ ની સારવાર માટે નથી. છેવટે ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સાચી વાત જણાવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. મીડિયા, સરકાર અને ફાર્મા કંપની લોકોને ગેરમાર્ગે દોરે ત્યારે આવી પરિસ્થિતિ પેદા થતી હોય છે.

Most Popular

To Top