SURAT

પાલિકા દ્વારા સરથાણા કોમ્યુનીટી હોલમાં 93 બેડનું કોવિડ સેન્ટર ખુલ્લુ મુકાયું

સુરત: (Surat) શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, અને બેડની (Bed) સંખ્યાની અછત ઉભી થઇ રહી છે, ત્યારે કોરોનાના દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા અન્ય જગ્યાઓની જેમ ૯૩ બેડની ઓક્સિજનની સુવિધા સાથેનું ડેડીકેટેડ કેવિડ સેન્ટરનો (Covid care Center) પ્રારંભ સરથાણા કોમ્યુનિટી હોલ, ખાતે રવિવારે સાસંદ સી.આર.પાટીલના હસ્તે અને મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાના પ્રમુખ સ્થાને પ્રારંભ કરાયો છે, આ પ્રસંગે આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી, ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા,પ્રવિણભાઈ ઘોઘારી, કાંતિભાઈ બલર,શ્રીમતી સંગીતાબેન પાટીલ,મુકેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝંઝમેરા, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, શાસક પક્ષના નેતા અમિતસિંગ રાજપૂત,દંડક વિનોદાઇ પટેલ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન ઉપસ્થિત રહ્યાં હતાં.

પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશન અને પાલિકાના સહયોગથી ભેસ્તાનમાં 64 બેડની હોસ્પિટલ કાર્યરત કરાઇ
સુરત: ઉધના ઝોનમાં (Udhna Zone) કોરોનાના કેસો વધવાને લીધે હોસ્પિટલમાં બેડ નહીં મળતા પાંડેસરાના ઉદ્યોગકારો મદદે આવ્યા છે. મનપાની હદમાં આવેલા ઉધના ઝોનમાં આરોગ્યને લગતી સુવિધાઓ મર્યાદિત હોવાથી આ ઝોનમાં કોરોનાની બીજી લહેરમાં કેસો વધતા પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ ઉદ્યોગ સંગઠનોને યોગદાન કરવા અપીલ કરી હતી તેને પગલે પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ કો.ઓપ.સોસાયટીના અગ્રણીઓ કમલવિજય તુલસ્યાન, જીતેન્દ્ર વખારિયા, મહેશ કબૂતરવાલા સહિતના અગ્રણીઓએ કોવિડના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલની સુવિધા આપવાનું નક્કી કર્યુ હતું. તેને પગલે પાંડેસરા એસોસિયેશન અને પાલિકાના સહયોગથી ભેસ્તાન સુડા આવાસની બાજુમાં ઓક્સિજનથી સજ્જ 64 બેડની અમાન હોસ્પિટલ કોવિડના દર્દીઓ માટે કાર્યરત કરવામાં આવી છે. પાંડેસરા એસોના અગ્રણી કમલવિજય તુલસ્યાને જણાવ્યું હતું કે, ભેસ્તાનમાં જે હોસ્પિટલનું સેટ-અપ તૈયાર છે તેમાં ઓક્સિજન,સિક્યોરિટી અને ભોજનનો ખર્ચ એસોસિયેશન ઉઠાવશે.

આ હોસ્પિટલની સેવાઓ પાછળ એસોસિયેશન 30થી 38 લાખ સુધીનો મહત્તમ ખર્ચ કરશે. સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ અને પાંડેસરા એસોસિયેશન કોરોનાનો ભોગ બનેલા જે કામદારોને સારવાર માટે મોકલશે. અમાન હોસ્પિટલ પાલિકાએ નક્કી કરેલા દરે સારવાર આપશે. અત્યારે હોસ્પિટલ શરૂ થયાના ગણતરીના દિવસોમાં 64 પૈકી 42 બેડ પર ગરીબ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ હોસ્પિટલના 50 ટકા બેડ પાલિકા અને પાંડેસરા એસોસિયેશન માટે અનામત રાખવામાં આવ્યા છે. બન્ને સંસ્થાઓ ગરીબ કામદારોને સારવાર માટે ભલામણ કરશે. ભેસ્તાન વિસ્તારમાં કોવિડ કેર હોસ્પિટલ શરૂ થતા દર્દીઓને રાહત થઇ છે.

Most Popular

To Top