Dakshin Gujarat

ગામના લોકોએ શહેર ન આવવું પડે તે માટે દરેક તાલુકામાં જિ.પં.ના આરોગ્ય વિભાગ હસ્તક કોવિડ હોસ્પિટલો શરૂ કરવા માંગ

સુરત: (Surat) સુરત શહેરને સમાંતર સુરત જિલ્લામાં પણ કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં માત્ર ઓલપાડ તાલુકાના ગામોમાં 28 લોકોના નિધન થતા જિલ્લાના સહકારી આગેવાનોએ આરોગ્ય સચિવ જયંતિ રવિને (Health Secretary Jayanti Ravi) પત્ર લખી તાત્કાલિક ધોરણે નવા કોવિડ કેર સેન્ટર અને કોવિડ હોસ્પિટલો (Covid Hospital) શરૂ કરવા માંગ કરી છે. આગેવાનોએ દરેક તાલુકામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તક 50 બેડ ની ઓક્સિજન અને 3 વેન્ટિલેટર, બેડ સહીત કોવિડ સેન્ટર તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવા જોઇએ જેથી મૃત્યુઆંક ઘટાડી શકાય. ખાનગી હોસ્પિટલમાં ગ્રામિણ વિસ્તારના જે લોકોના મૃત્યુ થાય છે તેમનો આંકડાઓ સત્તાવાર મૃત્યુઆંકમાં જાહેર કરાતા નથી.

સાયણ સુગરના ડિરેક્ટર અને જિલ્લાના સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે 108ની એમ્બ્યુલન્સ સુરત શહેરની સેવાઓ માટે મોકલી દેવામા આવતા ગામડાઓમાં ઇમરજન્સી વખતે ફોન કર્યા પછી બે ત્રણ કલાકે એમ્બ્યુલન્સ ગામડાઓમાં પહોંચે છે. તે ઉપરાંત સુરત જિલ્લામાં લેબ ટેક્નિશિયન, આયા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર, નર્સ તેમજ અન્ય જગ્યાઓ મળી 200 થી વધુ જગ્યાઓ ખાલી છે. સુરત જિલ્લામાં એક પણ સરકારી લેબ નથી. લોકોએ રેપિડ કે RT PCR રિપોર્ટ કઢાવવા માટે ખાનગી લેબો અથવા સુરત સિવિલ ઉપર નિર્ભર રહેવું પડી રહ્યું છે ત્યારે જિલ્લામાં એક મોટી સરકારી લેબ તાત્કાલિક અસરથી ઉભી કરવી જોઈએ.

દરેક તાલુકામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તક 50 બેડ ની ઓક્સિજન અને 3 વેન્ટિલેટર, બેડ સહીત કોવિડ સેન્ટર તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવી જોઈએ. ભવિષ્યમાં કામરેજ થી કીમ વચ્ચે હાઇવે પર નાની સિવિલ હોસ્પિટલ ઉભી કરવામાં આવે કે જેથી ગામડાના આદિવાસી લોકોને સુરત સુધી લંબાવું નહીં પડે. ગુજરાત સરકાર આરોગ્ય ની સુવિધાઓ આપવા માટે પ્રયત્નશીલ રહે છે પરંતુ જિલ્લા પંચાયત હસ્તકના સીએચસી અને પીએચસી સેન્ટર 24 કલાક કાર્યરત રહેતા નથી. લોકોને 24 કલાક આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થવી જોઈએ.

ઓલપાડના દેલાડ ગામે જીવનરક્ષા હોસ્પિટલના 40 બેડ કોરોનાના દર્દીઓ માટે કાર્યરત કરાયા
સુમુલ ડેરીના ડિરેક્ટર અને કોટન ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાતના ડિરેક્ટર જયેશ એન પટેલ( દેલાડ)નો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યં હતું કે ઓલપાડના દેલાડ ગામમાં આવેલી સુગર મંડળીના ટ્રસ્ટની જીવનરક્ષા હોસ્પિટલમાં ગ્રામિણ વિસ્તારના કોરોના સંક્રમિત દરદીઓ માટે 40 બેડ કાર્યરત કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં કોવિડ હોસ્પિટલોની સંખ્યા વધારવામાં આવે તો શહેરની હોસ્પિટલમાં ભારણ ઓછુ કરી શકાશે

Most Popular

To Top