Top News

More Posts

   The Latest

Most Popular

મહાદેવ દેસાઇ ગાંધીજી અને રાજાજી સાથેનો એક પ્રસંગ મહાદેવ દેસાઇના જ શબ્દોમાં. સત્યાગ્રહના દિવસો દરમિયાન ગાંધીજીની સાથે હું મેંગલોરથી મદ્રાસ તરફ ટ્રેનમાં પાછા વળતા હતા. મને ઘણી મુસાફરીથી અને ઉજાગરાઓથી ખૂબ શરદી અને સળેખમ થયેલા હતા. હું રહયો ગામડીયો, એટલે દર્દોના ગામઠી ઉપાયોમાં મેંગલોરથી મેં કોઇની પાસે કેળના પાનમાન તપખીર લઇ લીધી હતી.

ગાંધીજી આગળ પણ તપખીર તાંણતાં હું અચકાતો ન હતો. હું લખતો જતો હતો, વચ્ચે વચ્ચે તપખીર તાણી નાક સાફ કરતો હતો. તેવામાં રાજગોપાલાચાર્યે મને તપખીરની ચપટી લેતા જોયો. તેઓ સિંહની માફક ગર્જી ઉઠયા. હેં તું તપખીર તાણે? એ તને કયાંથી વળગી? હું ખસિયાણો પડયો. ગાંધીજી ખડખડાટ હસ્યા.

તેમને ખબર હતી કે હું કોઇકવાર આમ તપખીરના પ્રયોગો કરતો. મેં રાજગોપાલાચાર્યને સમજાવ્યું, પણ તેમનું સમાધાન થાય જ નહીં. મેં કહયું, પધાન ખાનારાઓને તમે સાંખી લો છો, ને હું તો વર્ષમાં કોઇ વાર આવી પીડા પ્રસંગે તાણું છું. મને પણ સાંખી લો. જવાબ મળ્યો, બીજા બધાનું સાંખુ, તારું કેમ સંખાય? એ અતિશય ગલીચ આદત છે.

ગાંધીજીએ અડધું મારા બચાવમાં અને અડધું રાજગોપાલાચાર્યને ઉશ્કેરવા માટે કહયું, પાનના જેટલી ગલીચ નહીં. રાજગોપાલાચાર્યે સામો જવાબ વાળ્યો, બંને સરખા જ ગલીચ બલકે પાન કરતા તપખીર વધારે ગલીચ. તપખીર તાણનારાની મૂછો જુઓ, રૂમાલ જુઓ, કોટની બાય જુઓ, કપડા જુઓ, એની પાસે બેસવાનું મન ન થાય.

ગાંધીજીએ એમને પાછા ચડાવ્યા. પણ પાન ખાનારાઓના મોં જુઓને! પાનના ડુચાને લીધે મોઢામાં મેલ એકઠો થાય છે. તપખીરથી બહાર એકઠો થાય તે તો કાઢી નાખી શકાય. રાજગોપાલાચાર્ય થોડા હળવા પડયા, ગમે તેમ બંને આદતવાળાઓ મેલ લઇને જ ફરે છે. બંને ટેવ અસ્વચ્છ છે. મહાદેવ તપખીર તાણે એ તો હું જોઇ શકું જ નહીં. ગાંધીજી પાછા ખડખડાટ હસ્યા અને મેં તપખીરનું પડીકું બારીમાંથી વદા કર્યું.

સુરત              – સુભાષ બી. ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top