Sports

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ પદે પૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત સ્પિનરની દમદાર વાપસી

નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ (INDIAN WOMAN CRICKET TEAM COACH) પદે ગુરૂવારે માજી સ્પિનર રમેશ પોવાર (RAMESH POWAR)ની નિયુક્તી કરવામાં આવી હતી, તેઓ હાલના કોચ ડબલ્યુ વી રમનનું સ્થાન લેશે. વન ડે ટીમની કેપ્ટન મિતાલી રાજ (MITHALI RAJ) સાથેના વિવાદ પછી કાઢી મુકાયેલા પોવારે બે વર્ષ પછી મુખ્ય કોચ પદે વાપસી કરી છે. મદનલાલની આગેવાની હેઠળની ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAS)એ આ પદ માટે હાલના કોચ રમન સહિત આઠ ઉમેદવારોના ઇન્ટરવ્યુ કર્યા પછી પોવારના નામની ભલામણ કરી હતી.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા બહાર પડાયેલા નિવેદન અનુસાર બીસીસીઆઇ રમેશ પોવારને ભારતીય સીનિયર મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરે છે. બીસીસીઆઇને આ પદ માટે 35થી વધુ અરજીઓ મળી હતી. આ પદ માટે પોવાર અને રમન ઉપરાંત ભારતીય ટીમના માજી વિકેટકીપર અજય રાત્રા અને માજી મુખ્ય પસંદગીકાર હેમલતા કાલા સહિત પાંચ મહિલા ઉમેદવારો રેસમાં હતા.

પોવારે પોતાની નિયુક્તી પછી ટ્વિટ કર્યું હતું કે સીએસી અને બીસીસીઆઇનો આ તક આપવા માટે ઘણો આભાર, ભારતીય મહિલા ટીમને આગળ લઇ જવા માટે તૈયાર છું. મદન લાલે કહ્યું હતું કે સીએસીએ ટીમ માટે સ્પષ્ટ દૃષ્ટિકોણને કારણે પોવારની પસંદગી કરી છે. તેમણે પીટીઆઇને જણાવ્યું હતું કે તે થોડા સમયથી કોચ તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે. ટીમ માટે તેના દૃષ્ટિકોણે અમને ઘણાં પ્રભાવિત કર્યા. તેની પાસે ટીમ માટે સ્પષ્ટ યોજના છે, જેના વડે તે ટીમને આગલા લેવલે લઇ જવા માગે છે. રમતના તમામ પાસાંઓ પર તે સ્પષ્ટ છે અને હવે તેણે માત્ર પોતાની વાતો પર અમલ કરવાની જરૂર છે.

રમેશ પોવાર મિતાલી રાજ સાથે કેવી રીતે સામંજસ્ય બેસાડે તેના પર બધાની નજર
ભારતીય મહિલા વન ડે ટીમની કેપ્ટન મિતાલી રાજ સાથેની કડવાશને કારણે રોમેશ પોવારે અગાઉ કોચ પદ ગુમાવવું પડ્યું હતું. 2018ના ટી-20 વર્લ્ડકપની સેમી ફાઇનલમાંથી પોતાને જાણી કરીને બહાર બેસાડવામાં આવી હોવાનો મિતાલી રાજે બીસીસીઆઇને પત્ર લખીને આરોપ મુકીને સાથે જ કહ્યું હતું કે પોવારે મારી કેરિયર ખતમ કરવા અને મને અપમાનિત કરવા માટે એવું કર્યું છે. જે તે સમયે પોવારે પણ વળતો જવાબ આપતા કહ્યું હતું કે મિતાલી નખરા કરે છે અને ટીમમાં વિવાદ ઊભો કરે છે. મિતાલી હાલમાં વન ડે ટીમની કેપ્ટન છે અને હવે એ જોવાનું રહે છે કે મિતાલી સાથે પોવાર કેવી રીતે સામંજસ્ય બેસાડે છે તેના પર બધાની નજર છે.

રમેશ પોવારે મુંબઇને મુશ્તાક અલી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવી પોતાને કોચ તરીકે સાબિત કર્યા
મિતાલી રાજ સાથેના વિવાદને પગલે ભારતીય મહિલા ટીમના કોચ પદેથી હકાલપટ્ટી કરાયા પછી રોમેશ પોવાર માટે પોતાને કોચ તરીકે સાબિત કરવાનો એક પડકાર આવી પડ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં વિજય હજારે ટ્રોફીમાં મુંબઇની ટીમ ખરાબ રીતે નિષ્ફળ ગઇ હતી. મહિલા ટીમના જવાબદારીમાંથી મુકત થયેલા પોવારે તે પછી મુંબઇની ટીમના કોચ તરીકેની જવાબદારી સંભાળી અને તેને મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવીને પોતાને કોચ તરીકે સાબિત કર્યા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top