Top News

More Posts

   The Latest

Most Popular

કોરોનાની સંભવિત 3જી લહેર આવે તે પહેલા કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા આવતીકાલ તા. 21મી જૂનને રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૅક્સિન ઉત્સવમાં ભાગ લેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે. 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્રો પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9.00 વાગ્યે વેક્સિન ઉત્સવ ઉજવાશે.

રૂપાણીએ કહ્યું હતું કે, કોરોના સામે લડવું હશે તો વેક્સિન જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. નિષ્ણાતો અને તજજ્ઞો કોરોનાના ત્રીજા વેવની સંભાવના જોઈ રહ્યા છે ત્યારે આપણે વધુ ને વધુ લોકોને સુરક્ષિત અને સલામત કરી શકીએ એ જ આપણું લક્ષ્ય છે. અને એ માટે કોરોનાની વેક્સિન સિવાય બીજો કોઈ ઉપાય નથી. ગુજરાતના તમામ પ્રજાજનો વિનામૂલ્યે વેક્સિન મળી રહે એ માટે કેન્દ્ર સરકારે વેક્સિનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન અપાશે.

18 થી 44 વર્ષની વય જૂથના યુવાનોના વેક્સિનેશન માટે પણ રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે. તે અંગે રૂપાણીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. હવેથી દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે રાજ્યમાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને 5,000 કરવામાં આવી છે.

ગુજરાત વેક્સિનેશનમાં અગ્રીમ હરોળમાં છે. તા. 20 મી જૂન સુધીમાં 2 કરોડ, 20 લાખ ડોઝ સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 44 થી વધુ વયના લોકોના વેક્સિનેશનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે. એટલું જ નહીં પ્રતિ મિલિયન વ્યક્તિનો વેક્સિનેશન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના 1,38,12,595 ડોઝ અપાયા છે. જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વૉરિયર્સને 30,75,163 વેક્સિન ડોઝ અપાયા છે.

To Top