Gujarat

કોરોનામાં કરોડો કમાનાર હોસ્પિટલોનો વારો પડ્યો, વડોદરા-સુરતના આ હોસ્પિટલ ગ્રુપ પર ITના દરોડા

વડોદરા: (Vadodara) આવકવેરા (Income Tax) વિભાગ દ્વારા વડોદરાના એક હોસ્પિટલ ગ્રુપને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. આજે તા. 8 જૂન 2022ની સવારથી જ 50થી વધુ અધિકારીઓનો કાફલો વડોદરાના બેન્કર્સ હાર્ટ ઈન્સિટીટ્યૂટ (Bankers Heart Institute) પર ત્રાટક્યા છે. આ ગ્રુપના અમદાવાદ અને સુરતની બ્રાન્ચ પર પણ તપાસ (Raid) ચાલી રહી છે.

  • વડોદરાના બેન્કર્સ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ ગ્રુપ પર આઈટીના દરોડા
  • વડોદરા, અમદાવાદ અને સુરતમાં 12થી વધુ ઠેકાણે તપાસ
  • આવકવેરાના 50થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા
  • ડો. દર્શન બેન્કરના નિવાસ સ્થાને પણ ચાલી રહેલી તપાસ
  • કોરોના બાદ જમીન અને સોનામાં કરોડોનું રોકાણની આશંકા

કોરોનાની મહામારી દરમિયાન ઘણી હોસ્પિટલના સંચાલકો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી હતી, જેના પગલે આવકવેરા વિભાગ ઘણા લાંબા સમયથી હોસ્પિટલોના વહીવટ પર નજર રાખીને બેઠું હતું. દરમિયાન આજે સવારે વડોદરાના ડો. દર્શન બેન્કરની બેન્કર્સ હોસ્પિટલ પર સાગમટે દરોડા પાડ્યા છે. વડોદરામાં જૂના પાદરા રોડ, માંજલપુર અને વારસીયા રીંગરોડ પર આવેલી હોસ્પિટલોમાં તપાસ ચાલી રહી છે. વડોદરામાં ડો. દર્શન બેન્કરની કુલ ચાર હોસ્પિટલો ચાલે છે. વડોદરામાં ડો. દર્શન બેન્કરના નિવાસ સ્થાને પણ તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ સુરતમાં ઉમરા ખાતે ફ્લોરલ પાર્ક રોડ પર આવેલી બેન્કર્સ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં પણ નાણાંકીય વહીવટની તપાસ ચાલી રહી છે. સુરતમાં દિવ્યાંગોની શાળાના પરિસરમાં આ હોસ્પિટલ ચાલે છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બેન્કર્સ હોસ્પિટલ સામેની તપાસમાં વડોદરા આઈટીના અધિકારીઓ સાથે અમદાવાદ અને સુરતના અધિકારીઓ પણ જોડાયા છે. ડોક્ટરની ક્લીનીક, હોસ્પિટલ, ઓફિસ તથા નિવાસસ્થાને તપાસ ચાલી રહી છે. 12થી વધુ ઠેકાણે તપાસ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.

કોરોના બાદ આ ડોક્ટર્સ ગ્રુપ દ્વારા જમીન અને સોનાની મોટા પાયે ખરીદી કરાઈ હોવાની ચર્ચા ઉઠી હતી, જેના પગલે આ ગ્રુપ આઈટીના રડારમાં આવ્યું હોવાનું માનવામા આવે છે. આ ગ્રુપ દ્વારા વડોદરાના વાઘોડિયા રોડની હોસ્પિટલની 18 કરોડની લોન કોરોનામાં ભરપાઈ કરી દેવાઈ હોવાની પણ ચર્ચા હતી. આવકવેરાના અધિકારીઓ દ્વારા હોસ્પિટલ્સમાંથી કેટલાંક વાંધાજનક દસ્તાવેજ, કમ્પ્યૂટર, હાર્ડ ડિસ્ક જપ્ત કરાયા છે. હાલ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top