Columns

એલઆઈસીના શેરોના ભાવો કેમ ગગડી રહ્યા છે?

વિશ્વભરમાં જે પ્રાઈવેટાઈઝેશનનો ટ્રેન્ડ ચાલુ થયો છે તે ખતરનાક છે. સરકારની, અર્થાત્ જાહેર જનતાની સંપત્તિને ખાનગી હાથોમાં સોંપી દેવાની કુટિલ પદ્ધતિને ડિસઇન્વેસ્ટમેન્ટનું રૂપકડું નામ આપવામાં આવ્યું છે. દેશના રસ્તાઓ, રેલવે, બંદરો, હવાઈ અડ્ડાઓ, ટપાલ ખાતું, બેન્કો, નાણાં સંસ્થાઓ વગેરે કંઈ સરકારની સંપત્તિ નથી પણ પબ્લિકની પ્રોપર્ટી છે. તેને પ્રાઈવેટાઈઝેશનના નામે ચંદ ઉદ્યોગપતિઓના હાથમાં સોંપવાની પ્રક્રિયા દેશના કે પ્રજાના હિતમાં નથી. આ તો સોનાનાં ઇંડાં આપતી મરઘીને મારી નાખવાની ચાલ છે.

આ દેશમાં અને દુનિયામાં કેટલાક ઉદ્યોગપતિઓ પાસે અમર્યાદ ધન આવી ગયું છે. આ ધન તેમની મહેનતની કમાણી નથી, પણ વિચિત્ર આર્થિક પદ્ધતિની નિપજ છે. આ પદ્ધતિમાં ફેડરલ રિઝર્વ જેવી સેન્ટ્રલ બેન્કો હવામાંથી અબજો ડોલર પેદા કરે છે અને ધનકુબેરોના હાથમાં મૂકે છે. ધનકુબેરો આ ડોલર વડે શેરબજારમાં રોકાણ કરે છે અને દેશવિદેશની કંપનીઓના શેરો ખરીદે છે. આ નાણાંના પ્રવાહને કારણે વિશ્વના શેરબજારો ઊંચકાય છે. તે કંપનીના પ્રમોટરોની સંપત્તિમાં અધધધ વધારો થાય છે. આ સંપત્તિ વડે તેઓ સરકારી મિલકતો ખરીદે છે. હકીકતમાં તેના ખરા માલિકો વિદેશી રોકાણકારો બને છે. આ રીતે દેશની જનતાની સંપત્તિ દેશી ઉદ્યોગપતિઓના માધ્યમથી વિદેશી હાથોમાં ચાલી જાય છે.

નફો કરતી સરકારી કંપનીઓને ખાનગી હાથોમાં સોંપી દેવા માટે તેમને નબળી પાડવાનું અને ખોટ ખાતી કરવાનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડનું આદર્શ ઉદાહરણ બીએસએનએલ અને એમટીએનએલ જેવી સરકારની માલિકીની ટેલિકોમ કંપનીઓ છે. એક સમયે ટેલિકોમ ક્ષેત્રમાં આ સરકારી કંપનીઓની મોનોપોલી હતી. તે મોનોપોલી તોડીને ખાનગી કંપનીઓને ટેલિફોન સેવાનાં લાઇસન્સો આપી દેવામાં આવ્યાં. સરકારી કંપનીઓ પાસે ગજબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં તેઓ ખાનગી કંપનીઓ સાથે હરીફાઈ ન કરે તે માટે તેમની સેવાઓ કથળવા દેવામાં આવી.

ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી કંપનીઓમાં લાઇફ ઇન્શ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલ.આઈ.સી.) ની ગણતરી થાય છે. ૧૯૫૬માં ભારત સરકારે વીમાના ધંધાનું રાષ્ટ્રીયીકરણ કરીને સંસદના કાયદા દ્વારા એલઆઈસીની રચના કરી હતી. તે સમયે દેશમાં વિદ્યમાન ૨૪૫ વીમા કંપનીઓ અને પ્રોવિડન્ટ સોસાયટીઓનું વિલીનીકરણ કરીને એલઆઈસીનું સર્જન કરવામાં આવ્યું હતું. ભારતમાં આજની તારીખમાં ૪૦ કરોડ પોલિસી હોલ્ડરો છે. દેશમાં એલઆઈસીની ૧૧૩ વિભાગીય શાખાઓ અને કુલ ૨,૦૪૮ ફુલ્લી કોમ્પ્યુટરાઇઝ્ડ શાખાઓ છે. આ કંપની પાસે કુલ ૩૮ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને ૧.૧૪ લાખ કર્મચારીઓનો કાફલો છે. ભારતના આશરે ૪૦ કરોડ લોકોની જિંદગી આ કંપની સાથે જોડાયેલી છે. આ કંપની અઢળક નફો રળી રહી હોવાથી તેનું ખાનગીકરણ કરવાની કોઈ જરૂર નહોતી; તો પણ ભારત સરકારે તેનો નિર્ણય કર્યો હતો.

ભારત સરકાર પાસે એલઆઈસીનો ૧૦૦ ટકા હિસ્સો હતો. તેમાંનો ૩.૫ ટકા હિસ્સો પ્રારંભમાં વેચવાનો સરકારે નિર્ણય કર્યો હતો. આ ૩.૫ ટકા માટે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ લાવવામાં આવ્યો હતો. સરકારની નવરત્ન કંપની હોવાથી રોકાણકારો તેનાં ફોર્મ ખરીદવા લાઈનમાં ઊભા રહ્યા હતા. સરકાર દ્વારા ૧૦ રૂપિયાની કિંમતનો શેર ૯૪૯ રૂપિયામાં ઓફર કરવામાં આવ્યો હતો. તા. ૪મેથી ૯ મે દરમિયાન ભરણું ખોલવામાં આવ્યું હતું. ભરણું લગભગ ત્રણ ગણું ભરાઈ ગયું હતું. તા. ૧૭ મેના તેનું લિસ્ટિંગ થયું ત્યારે જ ભાવ ૮ ટકા તૂટી ગયો હતો. ત્યાર બાદ રોકાણકારો સતત નુકસાન જ સહન કરતા આવ્યા છે. સોમવારે શેરના ભાવો તૂટીને ૭૭૭ રૂપિયા પર પહોંચી ગયા હતા. શેરના ભાવોમાં ૨૫ દિવસમાં ૧૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

તા. ૧૭મેના એલઆઈસીનું લિસ્ટિંગ થયું ત્યારે તેનું માર્કેટ કેપિટલાઈઝેશન આશરે ૬ લાખ કરોડ રૂપિયા જેટલું હતું. હવે તે ઘટીને ૪. ૯૮ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. તાજેતરમાં કંપનીના ૩૧ માર્ચ ૨૦૨૨ના ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવ્યાં. તેમાં કંપનીના નફામાં ૧૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૨૧ના પ્રથમ ત્રણ મહિનામાં કંપનીએ ૨,૯૨૦ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. તેની સરખામણીમાં ૨૦૨૨ના પ્રથમ ત્રણ મહિનામાં ૨,૪૧૦ કરોડ રૂપિયાનો નફો થયો છે. એલઆઈસીમાં રોકાણ કરનારાઓ હવે પસ્તાઈ રહ્યા છે. નાણાંકીય વર્ષ દરમિયાન તેને શેરબજારના રોકાણમાં ૪૨,૦૦૦ કરોડ રૂપિયાનો નફો થયો હોવા છતાં તેના ચોખ્ખા નફામાં ઘટાડો થયો હતો. આ ઝડપે તો એલઆઈસી પણ ખોટ ખાતી કંપની બની જશે.

કેન્દ્ર સરકાર દ્વારા સમયે સમયે જીવન વીમા નિગમનો ઉપયોગ સંકટ સમયની સાંકળ તરીકે કરવામાં આવ્યો છે. જો કોઈ પણ સરકારી કંપની મુસીબતમાં હોય તો તેને ઉગારી લેવા માટે જીવન વીમા નિગમના ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. જાહેર ક્ષેત્રની કંપનીઓનાં ભરણાં જો છલકાઈ જાય તેમ ન હોય તો જીવન વીમા નિગમને તેને ખરીદી લેવાનો આદેશ કરવામાં આવે છે. ગયાં વર્ષે જાહેર ક્ષેત્રની માંદી પડી ગયેલી આઇડીબીઆઇ બેન્કનો ૫૧ ટકા હિસ્સો ખરીદી લેવાની જીવન વીમા નિગમને ફરજ પાડવામાં આવી હતી.

લાંબા સાથે ટૂંકો જાય; મરે નહીં તો માંદો થાય, તે કહેવત મુજબ જીવન વીમા નિગમને તે સોદામાં નુકસાન ગયું હતું, પણ આઇડીબીઆઇ બેન્કને જીવતદાન મળી ગયું હતું. જીવન વીમા નિગમને બેન્કિંગના ધંધાનો કોઈ અનુભવ નહોતો, તો પણ સરકારના કહેવાથી તેણે આઇડીબીઆઇ બેન્કનો સોદો કર્યો હતો. જીવન વીમા નિગમ અત્યારે જાહેરક્ષેત્રની ૨૧ બેન્કોમાં હિસ્સો ધરાવે છે. તેમાંની ૬ બેન્કોના ૧૦ ટકા કરતાં વધુ શેરો જીવન વીમા નિગમ પાસે છે. બેન્કો માંદી પડતી જાય છે તેમ જીવન વીમા નિગમનું આરોગ્ય પણ કથળે છે.

ઇ.સ. ૨૦૧૪માં ભારતમાં ભાજપના મોરચાની સરકાર આવી તે પછી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની અનેક કંપનીઓમાં સરકારનો હિસ્સો વેચવા માટે કાઢવામાં આવ્યો હતો. જે સરકારી કંપનીના શેરો બજારમાં ન વેચાય તેને ખરીદી લેવાની જીવન વીમા નિગમને ફરજ પાડવામાં આવતી હતી. ચાર વર્ષના ગાળામાં જ સરકારે તેને ૪૮,૦૦૦ કરોડ રૂપિયાના શેરો ખરીદી લેવાની ફરજ પાડી હતી. આ સમયગાળામાં તેની ખોટી થઈ ગયેલી લોનનો આંકડો પણ બમણો થઈ ગયો હતો. ભારતીય જીવન વીમા નિગમ પાસે જે બેન્કોના શેરો છે તેની નોન પર્ફોર્મિંગ એસેટો વધીને ૧૦ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જેનો ફટકો જીવન વીમા નિગમને પણ લાગી શકે છે.

જીવન વીમા નિગમની પોતાની બેડ લોન જે ૨૦૧૪માં ૧૨,૨૧૩ કરોડ રૂપિયા હતી તે ૨૦૨૦માં વધીને ૨૫,૨૪૧ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. આ સંયોગોમાં સરકાર જીવન વીમા નિગમનો ૩.૫ ટકા હિસ્સો વેચીને તેના ૪૦ કરોડ પોલિસી હોલ્ડરો સાથે રમત રમી રહી છે. જીવન વીમા નિગમમાં સરકારનો કેટલોક હિસ્સો વેચવાના નિર્ણયને સાઉદી અરેબિયાની આર્મકો કંપનીના શેર ભરણાં સાથે સરખાવવામાં આવે છે. આર્મકો કંપની સરકારની માલિકીની ઓઇલ કંપની હતી. ગયા ડિસેમ્બરમાં તેનું પહેલું શેર ભરણું કાઢવામાં આવ્યું હતું, જેની કિંમત ૨૫ અબજ ડોલરની હતી. આ ભરણાં પછી આર્મકો કંપની એપલ અને માઇક્રોસોફ્ટ કરતાં પણ મોટી બની ગઈ હતી.

Most Popular

To Top