Top News

More Posts

   The Latest

Most Popular

દુબઈ: પાકિસ્તાન (Pakistan) બાદ મંગળવારે ભારત (India) શ્રીલંકા (Shrilanka) સામે પણ મેચ હારી ગયું છે ત્યારે હવે ક્રિકેટ પ્રશંસકોનો ગુસ્સો ભારતીય ક્રિકેટરો (Indian Cricketer) પર ફૂટવા લાગ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં છેલ્લી ઓવરોમાં કેચ છોડીને વિલેન બનેલો અર્શદીપ સિંહ (Arshdeep Sinh) હવે ચાહકોનો મેઈન ટાર્ગેટ બની ગયો છે. દુબઈમાં હોટલની બહાર બસમાં બેસવા જતો હતો ત્યારે અર્શદીપ સિંહને એક ચાહકે ગદ્દાર, દેશદ્રોહી કહીને સંબોધ્યો હતો, જે સાંભળી ક્રિકેટર તે વ્યક્તિને ગુસ્સેથી જોવા લાગ્યો હતો. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એશિયા કપ-2022માં ટીમ ઈન્ડિયાની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. સુપર-4 સ્ટેજમાં પાકિસ્તાન અને ત્યારબાદ શ્રીલંકાની હારથી ભારતીય ટીમ માટે ફાઇનલમાં પહોંચવાના મોટા ભાગના રસ્તા બંધ થઈ ગયા છે. આ બંને મેચમાં અર્શદીપ સિંહે ભારત માટે છેલ્લી ઓવર નાંખી હતી. જોકે, અર્શદીપ સિંહે પાકિસ્તાન સામે કેચ છોડવા બદલ નિશાના પર આવ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અર્શદીપ સિંહ હોટલથી ટીમ બસમાં જઈ રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ તેને ‘દેશદ્રોહી’ કહ્યો હતો. આ વ્યક્તિએ કેચ છોડવા બદલ અર્શદીપ સિંહને શ્રાપ આપતો વીડિયોમાં જોવા મળે છે. આ દરમિયાન અર્શદીપ સિંહ બસમાં ઉભો રહે છે અને થોડીવાર તે વ્યક્તિને જોતો રહે છે અને પછી આગળ વધે છે. જો કે આ વ્યક્તિ આવા શબ્દનો ઉપયોગ કરે ત્યારે સુરક્ષાકર્મીઓ પણ સક્રિય થઈ જાય છે. ટીમ બસ પાસે હાજર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિમલ કુમારે પણ તેને ‘દેશદ્રોહી’ કહેનાર વ્યક્તિને અપશબ્દો બોલ્યા હતા. વિમલ કુમારે કહ્યું કે અર્શદીપ એક ભારતીય ખેલાડી છે અને તમે તેના માટે આવા શબ્દોનો ઉપયોગ કરો છો. ત્યાર બાદ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ વ્યક્તિને પકડીને ટીમ બસથી દૂર લઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન વિરૂદ્ધ સુપર-4 મેચમાં અર્શદીપ સિંહે એક કેચ છોડ્યો હતો. પાકિસ્તાનના આસિફ અલીનો કેચ છોડવો ટીમ ઈન્ડિયાને ભારે પડ્યો હતો. અંતે ટીમ ઈન્ડિયા આ મેચ હારી ગઈ હતી. આ મેચ બાદ સોશિયલ મીડિયા પર અર્શદીપને નિશાન બનાવવામાં આવ્યો હતો, જોકે ટીમ ઈન્ડિયાએ અર્શદીપ સિંહને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પહેલા વિરાટ કોહલી, બાદમાં રોહિત શર્માએ ખુલ્લેઆમ કહ્યું કે કેચ ડ્રોપ થવું એ રમતનો એક ભાગ છે, આવી સ્થિતિમાં તમે કોઈને નિશાન બનાવી શકતા નથી. ખેલાડીઓનું કામ તેમની ભૂલોમાંથી શીખવાનું, તેના પર કામ કરવાનું અને આગળ વધવાનું છે. ઉલ્લેખનીય છે કે, ભારતને છેલ્લી ઓવરમાં શ્રીલંકા અને પાકિસ્તાન બંને સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બંને મેચમાં અર્શદીપ સિંહે છેલ્લી ઓવર નાંખી હતી, અર્શદીપે પાકિસ્તાન સામે છેલ્લી ઓવરમાં 6 રન અને શ્રીલંકા સામે છેલ્લી ઓવરમાં 7 રન બચાવવા પડ્યા હતા. બંને વખત તે રમતને પાંચમા બોલ સુધી ખેંચી ગયો હતો, પરંતુ દુર્ભાગ્યવશ બંને મેચમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.

To Top