Business

વિરાર-ભરૂચ મેમુ ટ્રેનના ટીસીના ગળા પર પેસેન્જરે ચપ્પુ મુકી દીધું, પછી જે થયું..

વલસાડ: દક્ષિણ ગુજરાતના ભરૂચથી મુંબઈના વિરાર (Bharuch Virar Memu Local Train) વચ્ચે દોડતી મેમુ લોકલ ટ્રેનમાં ફિલ્મી ઘટના બની. 19101 મેમુ લોકલ ટ્રેન ડુંગરીથી બિલીમોરા વચ્ચે દોડી રહી હતી ત્યારે બે જણાએ ટીસીના (TC) ગળા પર ચપ્પુ મુકી દઈ ગડદાપાટુનો માર માર્યો (Attack) હતો. આમ છતાં ટીસીએ હિંમતપૂર્વક બંને લૂંટારા હુમલાખોરોનો સામનો કરી એકને પકડી પોલીસને હવાલે કર્યો હતો.

વલસાડ રેલવે પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર મુસ્તાક અહેમદ કાઝી (ઉં.વ. 57) કોસંબાની ગેનપર્ક સોસાયટીમાં રહે છે. તેઓ છેલ્લાં 32 વર્ષથી પશ્ચિમ રેલવેમાં ટીસી તરીકે ફરજ બજાવે છે. હાલ તેઓ ડેપ્યુટી સીટીઆઈની પોસ્ટ પર છે. ગઈ તા. 6 સપ્ટેમ્બરના રોજ મુસ્તાક અહેમદ તેમના સહકર્મચારી રાજેશ મંડલ સાથે ભરૂચ વિરામ મેમુના 19101માં ટીકીટ ચેકિંગ માટેની ફરજ બજાવતા હતા ત્યારે બાતમી મળી હતી કે મેમુ લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં કેટલાંક ઈસમો અનઅધિકૃત રીતે મુસાફરી કરી રહ્યાં છે તેથી રાજેશ મંડલ અને મુસ્તફા તે કોચમાં ચેકિંગ કરવા માટે ગયા હતા અને અનઅધિકૃત મુસાફરી કરનારાઓને ચેતવણી આપી હતી કે તેઓ નજીકના વલસાડ સ્ટેશન પર ઉતરી જાય અન્યથા દંડ કરવામાં આવશે. તેથી વલસાડ રેલવે સ્ટેશન પર મોટા ભાગના પેસેન્જર ઉતરી ગયા હતા. વલસાડ રેલવે સ્ટેશન પસાર થયા બાદ ટીસી મુસ્તફા દ્વારા બાકીના પેસેન્જરોની ટીકીટ ચેક કરવાનું કામ શરૂ કરાયું હતું.

દરમિયાન ટ્રેન ડુંગરી સ્ટેશને 7.35 કલાકે પહોંચી હતી. ત્યારે બે ફર્સ્ટ ક્લાસ કોચમાં બેઠેલા બે પેસેન્જરને ટિકીટ અંગે પૂછતા તે પૈકી એકે જનરલ ટિકીટ બતાવી હતી અને બીજાએ મોબાઈલમાં તે જ ટિકીટનો ફોટો બતાવ્યો હતો. તેથી બંને જણા અનઅધિકૃત રીતે મુસાફરી કરતા હોવાનું પ્રસ્થાપિત થતા બંને પાસે દંડની માંગણી કરી હતી. ત્યારે પૈસા નથી તૈવા બહાના કાઢ્યા બાદ તેઓ ઉગ્ર થયા હતા અને ટીસી સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. બે પૈકી એક ઈસમે ચપ્પુ કાઢી ટીસીના ગળા પર મુકી દીધું હતું, જેના લીધે કોચમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. મુસાફરો ગભરાઈ ગયા હતા.

દરમિયાન બંને હુમલાખોરોએ ટીસીના ખિસ્સામાં મુકેલા 700 રૂપિયા રોકડા, મોબાઈલ ફોન સહિત કુલ 4000ની કિંમતનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. દરમિયાન બિલીમોરા રેલવે સ્ટેશન આવતા બે પૈકી એક હુમલાખોર રોંગ સાઈડ ઉતરીને ભાગી ગયો હતો, જ્યારે જે હુમલાખોરે ચપ્પુ પકડ્યું હતું તેને ટીસીએ હિંમતપૂર્વક પકડી રાખ્યો હતો. બિલીમોરા રેલવે સ્ટેશન પર તે હુમલાખોરને પકડી ઉતારી પોલીસને હવાલે કર્યો હતો. પકડાયેલા આરોપી હુમલાખોરની રવિકુમાર લોકેશકુમાર સરોજ (ઉં.વ. 22) ઓળખ થઈ હતી. ભાગી ગયેલો આરોપી તેનો નાનો સગોભાઈ રોહિતકુમાર સરોજ (ઉં.વ. 19) હોવાનું બહાર આવ્યું છે. બંને જણા ઉમરગામની ચંદન સ્ટીલમાં નોકરી કરતા અને ગંગાનગરની ચાલમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top