Editorial

બ્રિટનને ત્રીજા મહિલા વડાપ્રધાન મળ્યા

કોવિડ નિયંત્રણનો ભંગ કરીને પાર્ટી કરી તે બદલ ભારે ઉહાપોહ થયો તે પછી બ્રિટનના વડાપ્રધાનપદેથી બોરિસ જહોન્સને જુલાઇ મહિનામાં રાજીનામુ આપવું અને તેના પછી તેમના કન્ઝર્વેટિવ પક્ષમાં તેમના સ્થાને નવા વડાપ્રધાનને પસંદ  કરવાની પ્રક્રિયા શરૂ થઇ. આ પ્રક્રિયાના અંતિમ ચરણમાં રૂઢીચુસ્ત પક્ષના સભ્યોનું છેવટનું મતદાન થયું અને તેમાં ભારતીય મૂળના ઋષિ સુનાકને હરાવીને બ્રિટિશ વિદેશ મંત્રી લિઝ ટ્રસ ચૂંટાઇ આવ્યા.

યુકેના વિદેશ મંત્રી લિઝ ટ્રસ સોમવારે  કન્ઝર્વેટિવ પાર્ટીની નેતાગીરીની હરિફાઇમાં જીતી ગયા અને ઋષિ સુનાકને હરાવીને તેઓ વિદાય લઇ રહેલા વડાપ્રધાન બોરિસ જહોનસનને સ્થાને નવા વડાપ્રધાન બનવા ચૂંટાયા. પરિણામ આગાહી મુજબ જ આવ્યું છે જે ભારતીય મૂળના  ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનાકની વિરુદ્ધ જહોનસન પ્રત્યેની તેમની વફાદારીના કારણે ગયું હોવાનું માનવામાં આવે છે. બ્રિટનને મળેલા તેઓ ત્રીજા મહિલા વડાપ્રધાન છે. આ પહેલા માર્ગારેટ થેચર અને થેરેસા મે – એ બે મહિલાઓ બ્રિટનના  વડાપ્રધાન બની ચુક્યા છે.

 ૪૭ વર્ષીય વરિષ્ઠ કેબિનેટ મંત્રી લિઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બનશે તેવી અપેક્ષા રખાતી જ હતી અને તે મુજબ જ તેઓ વિજયી બન્યા છે. શાસક રૂઢિચુસ્ત પક્ષના ૧૭૦૦૦૦ કરતા વધુ સભ્યોએ છેવટની સ્પર્ધામાં બાકી રહેલા બે  ઉમેદવારોમાંથી એકને ચૂંટી કાઢવા માટે મતદાન કર્યું હતું અને મતદાનનું પરિણામ આવવાની સાથે વડાપ્રધાન બનવા માટેની સુનાકની ઐતિહાસિક દોડનો અંત આવ્યો છે.

જો તેઓ વડાપ્રધાન બન્યા હોત તો ભારતીય મૂળના પહેલા બ્રિટિશ  વડાપ્રધાન બન્યા હોત. જેને ટોરી મેમ્બર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ કરેલા મતદાનમાં લિઝ ટ્રુસની તરફેણમાં ૮૧૩૨૬ મતો પડ્યા છે જ્યારે ઋષિને ૬૦૩૯૯ મતો મળ્યા છે. પક્ષના કુલ સભ્યોમાંથી ૮૨.૬  ટકા સભ્યોએ મતદાન કર્યું હતું, જેમાંથી ૬પ૪ મતો રદ થયા હતા. લિઝ ટ્રુસ સરળતાથી જીતી ગયા છે પરંતુ તેમને પ૭.૪ ટકા મત મળ્યા છે તે ટોરી નેતાગીરીની તાજેતરની અન્ય સ્પર્ધાઓમાં મળેલી સરસાઇઓ કરતા પાતળી સરસાઇ છે. 

પરંતુ તેઓ વડાપ્રધાન બન્યા છે તે જ હવે મહત્વનું છે. આમ તો ભારતીય મૂળના બીજા એક ઉમેદવાર સુએલા બ્રેવરમેન પણ વડાપ્રધાનપદ માટેની દોડમાં હતા, જો તેઓ ટકી રહ્યા હોત અને વિજયી બન્યા હોત તો ભારતીય મૂળના પ્રથમ  બ્રિટિશ મહિલા વડાપ્રધાન બન્યા હોત. જો કે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીની અંદરના મતદાનના બીજા રાઉન્ડમાં જ બહાર ફેંકાઇ ગયા. ઇન્ફોસિસવાળા કૃષ્ણમૂર્તિના જમાઇ ઋષિ સુનાક છેલ્લે સુધી ટકી રહ્યા પણ પક્ષના તમામ સભ્યોના ફાઇનલ મતદાનમાં હારી ગયા. હવે લિઝ ટ્રુસ નવા બ્રિટિશ વડાપ્રધાન બન્યા છે.

નોંધપાત્ર રીતે તેમની વય એકંદરે ઓછી કહી શકાય  તેટલી માત્ર ૪૭ વર્ષની જ છે. લિઝ ટ્રસ આ પહેલા ડેવિડ કેમેરૂન, થેરેસા મે અને બોરિસ જહોનસનની સરકારોમાં મંત્રી તરીકે કાર્ય કરી ચુક્યા છે. લિઝ ટ્રસ વડાપ્રધાન બન્યા પછી ભારત અને યુકેના સંબંધો વધુ મજબૂત બનશે એવી આશા  હાલ તો રાખવામાં આવે  છે. તેઓ જ્યારે બોરિસ જહોનસનની સરકારમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંત્રી હતા ત્યારે ભારત સાથે મજબૂત વેપાર સંબંધોના હિમાયતી રહ્યા છે તેથી એવી આશા રાખવામાં આવે છે કે તેમના વડાપ્રધાન બનવા પછી  ભારત સાથેનો બ્રિટનનો મુક્ત વ્યાપાર કરાર ઝડપથી અમલી બની શકશે.

લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બની ચુક્યા છે. દુનિયામાં બહુ ઓછા દેશો એવા છે કે જ્યાં એક કરતા વધુ મહિલાઓ દેશના ટોચના હોદ્દા પર પહોંચી હોય. ભારતમાં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા, અનેક ટર્મ માટે ચૂંટાયા અને  લાંબો સમય વડાપ્રધાનપદે રહ્યા. ભારતમાં જો કે બે મહિલાઓ રાષ્ટ્રપતિપદ સુધી પહોંચી છે – પ્રતિભા પાટીલ અને હાલમાં દ્રૌપદી મુર્મુ. પરંતુ ભારતમાં રાષ્ટ્રપતિપદ એ એક બંધારણીય હોદ્દો છે અને રાષ્ટ્રપતિ નિર્ણયો લેવાની પ્રક્રિયામાં  ભાગીદાર હોતા નથી, પરંતુ બે મહિલાઓ આ ટોચના બંધારણીય હોદ્દા પર પહોંચી છે તે આનંદની વાત તો છે જ.

આપણા પાડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાનમાં બેનઝીર ભુત્તો વડાપ્રધાનપદે રહી ચુક્યા હતા. જો કે આપણા ઇન્દિરાજીની  જેમ જ તેમની પણ હત્યા થઇ હતી, પરંતુ ફેર એટલો હતો કે હત્યા થઇ તે સમયે બેનઝીર વડાપ્રધાનપદે નહીં હતા. બાંગ્લાદેશમાં બે મહિલાઓ – ખાલેદા ઝિયા અને શેખ હસીના – વડાપ્રધાન બન્યા છે. શેખ હસીના તો હાલમાં પણ  વડાપ્રધાનપદે છે. શ્રીલંકામાં સિરિમાવો ભંડારનાયકે તો છેક ૧૯૬૦માં વડાપ્રધાન બન્યા હતા જેઓ વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા.

તેમના પુત્રી ચંદ્રિકા કુમારતુંગા શ્રીલંકાના પ્રમુખપદે અને વડાપ્રધાનપદે એમ બંને હોદ્દાઓ પર રહી  ચુક્યા છે. અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અને આધુનિક દેશ મનાય છે પરંતુ તે દેશમાં હજી સુધી એક પણ મહિલા પ્રમુખપદે પહોંચી શકી નથી. ઘણા સમય સુધી તો તે દેશમાં મહિલાઓ પ્રમુખપદની ચૂંટણીમાં પણ ઉભી રહી શકતી ન  હતી. હાલ થોડા વર્ષ પહેલા હિલેરી ક્લિન્ટન પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહ્યા હતા ખરા પણ ટ્રમ્પ સામે હારી ગયા હતા. લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યા છે જે બ્રિટન માટે જરૂર ગૌરવની વાત કહી શકાય.

Most Popular

To Top