Gujaratmitra Daily Newspaper - Since – 1863

Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ : ચરોતરના પેરિસ ગણાતા ધર્મજમાં દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ ધર્મજ-ડે ઉજવવામાં આવે છે. આ વરસે પણ ઓમિક્રોનના આક્રમણ વચ્ચે પણ 16મો ધર્મજ ડે ઉજવવામાં આવશે. જોકે, તેમાં વર્ચ્યુઅલ અને એક્ચ્યુઅલ બંને સ્વરૂપમાં ઉજવણી કરવામાં આવશે. ધર્મજ ગામમાં વિદેશ ગમનના વાયરા ઘણા વહેલા ફુંકાયાં હતાં. હજારો માઇલ દુર વિદેશોમાં સ્થાયી થયેલા સૌ ધર્મજની ધરોહરને જાળવવાનો પ્રયાસ કરતાં રહે તેવા ઉમદા આશયથી આદરેલા ધર્મજ ડેનો પ્રયોગ સફળ રહ્યો છે. દર વર્ષે 12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ જયંતિના દિવસે છ ગામ પાટીદાર સમાજ અને ધરોહર ફાઉન્ડેશન ધર્મજના સંયુક્ત ઉપક્રમે ઉજવાતા આ પ્રસંગની હારમાળાના 16મા મણકાની ઉજવણી કરવામાં આવશે.

આ અંગે રાજેશ પટેલે જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઇ ચાલુ વર્ષે પણ સરકારની ગાઇડ લાઇન મુજબ ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવશે. ગત વરસે ફક્ત વર્ચ્યુઅલ (ઓનલાઇન) ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 25 હજારથી વધુ લોકો જોડાયાં હતાં. આ વરસે ઓમીક્રોનના આક્રમણથી ત્રસ્ત છીએ. ગત વર્ષે ઓનલાઇન ઉજવણીની સફળતાથી પ્રેરાઇને આ વર્ષે ધર્મજ ડેની ઉજવણી એક્ચ્યુઅલ અને વર્ચ્યુઅલ એમ બંને સ્વરૂપે થશે. હંમેશા કંઇક નવું કરવા ટેવાયેલા ધર્મજે હવે ઉજવણીમાં પણ ડિજીટલ માધ્યમોને પ્રાધાન્ય આપી સમય અને શક્તિના અસરકારક ઉપયોગ સાથે પર્યાવરણ જતનને પણ મહત્વ આપ્યું છે. જેમ કે દેશમાં વસતા ધર્મજીયનોને આમંત્રણ પત્રિકાની પેપર કોપી પાઠવી છે. જ્યારે પરદેશમાં ઇ-મેઇલ તથા સોશિયલ મિડીયા નો સહારો લીધો છે. આ કાર્યક્રમ સ્થળે લાગતા સ્ટોલ તથા કાગળ પર છપાતી સ્મરણીકા (સોવેનીયર)ના બદલે જાહેરાતો તથા શુભેચ્છકોના સંદેશાઓ એલઇડી સ્ક્રીન પર બતાવવામાં આવશે. વધુ લાઇવ સ્ટ્રીમીંગ દ્વારા માય ધર્મજ નામથી સોશિયલ મિડિયા પર ઓનલાઇન પ્રસારણ કરવામાં આવશે.

To Top