Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન 10 થી ઓછા જ કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ તહેવારોમાં લોકો ભીડભાડમાં જતા હોય, બહાર ફરવા જતા હોય તો સંક્રમણ વધવાની ભીતિ છે. જેથી લોકોને દિવાળી (Diwali) દરમિયાન વધુમાં વધુ સાવચેતી રાખવા માટે મનપા (Corporation) તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને દિવાળીમાં લોકો ગુજરાત બહાર કે દેશ બહાર ફરવા જવાના હોય, તંત્રએ દિવાળી બાદ શું સાવચેતી રાખવી તેની તમામ તૈયારી કરી લીધી છે. અને દિવાળી બાદ શહેરના એન્ટ્રી પોઈન્ટ પર મનપાની ટીમ તૈનાત કરી દેવાશે.

  • ફુલ્લી વેક્સિનેટેડ હોય અને માત્ર ગુજરાતમાં જ ફરીને આવ્યો હોય તો RT-PCR રિપોર્ટની જરૂર નહીં રહે
  • ગુજરાતમાં જ ફરીને આવનારની સામે રાજ્ય બહારથી ફરીને આવનારાઓનું ખાસ ચેકિંગ કરવામાં આવશે

ખાસ કરીને ગુજરાત બહારથી આવનારાઓનું સઘન ચેકીંગ થશે તેમ જાણવામાં આવ્યું છે. મનપા દ્વારા દિવાળી બાદ સુરત રેલવે સ્ટેશન, સુરત એરપોર્ટ, બસ સ્ટેશનની સાથે સાથે તમામ પાંચ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમ મુકી દેવાશે. જેમાં માત્ર ગુજરાતમાંથી જ ફરીને આવનારાઓ કે જેઓ ફુલ્લી વેક્સીનેટેડ હશે તેઓના આરટીપીસીઆર રિપોર્ટની જરૂર રહેશે નહી. પરંતુ ગુજરાત કે દેશ બહારથી આવનારાઓ માટે રિપોર્ટ ચેક કરાશે.

સુરતમાં દિવાળીના દિવસે બપોર સુધી વેક્સિનેશન ચાલુ : માત્ર નવા વર્ષના દિવસે બંધ રહેશે

સુરત: સુરત મનપા દ્વારા છેલ્લા 9 માસથી સતત વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. અને દિવાળીના દિવસે પણ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન ચાલુ રાખવામાં આવશે. માત્ર નવા વર્ષના દિવસે વેક્સિનેશન બંધ રહેશે. ત્યારબાદ રાબેતા મુજબ મનપા દ્વારા વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે મનપા દ્વારા રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં 2 લાખ કરતા વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ ફરીથી પ્રતિદિન થતા વેક્સિનેશનમાં ઘટાડો થતો ગયો હતો. કોરોનાની બીજી લહેર બાદ લોકો વેક્સિન લેવા માટે પડાપડી કરતા હતા અને હવે મનપા દ્વારા વેક્સિન માટે નોક ધ ડોર કેમ્પેઈન શરૂ કરાયું છે તેમ છતાં લોકો વેક્સિન લેવા તૈયાર નથી અને મનપાના ટોલ ફ્રી નંબર પર પણ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી મનપા દ્વારા પ્રતિદિન 12 થી 15 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ મનપા દ્વારા શહેરમાં 105 ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દીધો છે. પણ બીજા ડોઝ માટે હજી પણ 50 ટકા લોકો બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા આજદિન સુધીમાં 36,21,338 લોકોને પ્રથમ ડોઝ અને 20,17,105 લોકોને બંને ડોઝ આપી દેવાયા છે. દિવાળીના દિવસે મનપાનો સ્ટાફ બપોર સુધી વેક્સિનેશનની કામગીરી કરશે. અને માત્ર નવા વર્ષે વેક્સિનેશન બંધ રહેશે અને ત્યારબાદ રાબેતા મુજબ વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવાશે.

To Top