Top News

More Posts

   The Latest

Most Popular

વ્યારા: (Vyara) વ્યારાના ટીચકપુરામાં બિલ્ડરે હાઇવે ઓથોરીટીનાં (Highway Authority) તમામ કાયદાઓને નેવે મુકી હોટલનું પાકુ બાંધકામ ધોરીમાર્ગને અડીને જ કરી દીધું છે. અહીં હોટલનું (Hotel) બિનઅધિકૃત બાંધકામ (Construction) કરનારને નોટિસ આપી કે, આપ્યા વિના આ દબાણને દુર કરવાની હાઇવે ઓથોરીટીએ અહીં કોઇ નક્કર કાર્યવાહી કરી નથી.

બિલ્ડરને બાંધકામની પરમિશન આપતા હાઇવે ઓથોરીટીએ જણાવ્યું છે કે, રસ્તાનાં મધ્યબિંદુથી ૭૫ મીટરની હદ સુધીમાં બાંધકામ ૧૩ મીટરથી વધુ ઉંચાઈએ કરવું નહી, ૧૩ મીટરથી વધુ ઉચું બાંધકામ કરવામાં આવશે તો તે બીન અધિકૃત ગણી સ્વખર્ચે અને સ્વજોખમે દુર કરવાનું રહેશે. જમીન સંપાદનના સમયે અથવા રસ્તાનાં અન્ય કામે ખાતાને અથવા સરકારને જરૂર પડે ત્યારે માંગણી મુજબની જગ્યા બિલ્ડરે ફાળવી આપવાની રહેશે. આ અંગેની બાંહેધરી આપતુ કરારનામું પણ અરજદારએ આપવાનું રહે છે. બાંધકામના નકશામાં ફેરફાર કરતા પહેલા હાઇવે ઓથોરીટીનાં સાઈટ એન્જિનિયર પાસેથી પરવાનગી મેળવવી જરૂરી છે. ત્યારે બિલ્ડરે રોડ ટચ જે હોટલ ઉભી કરી છે તેની પુર્વ મંજૂરી પણ મેળવવાની રહે છે, મંજૂરી વિના કોઇ બાંધકામ કરી શકાય નહી, મંજૂર થયેલા નક્શા બાદ તેમાં બિલ્ડર સ્વૈચ્છાએ ફેરફાર પણ કરી શકે નહીં, તેવા સમય હાઇવે ઓથોરીટીએ આ ધોરીમાર્ગને ટચો ટચો હોટલને પરમિશન આપી કેવી રીતે ? જો પરમિશન આપી જ ન હોય તો તેને દુર કરવાની કોઇ નક્કર કાર્યવાહી હાઇવે ઓથોરીટી કેમ કરતી નથી ? તેની નિષ્ઠા સામે પણ મોટો સવાલ ઉભો થયો છે.

હાઇવે ઓથોરીટીએ પોતાનાં અભિપ્રાયમાં રસ્તાની હદમાં આવેલા સરકારી અથવા ખાનગી સંપત્તિની સલામતી જાળવવાની સ્પષ્ટતા પણ કરી છે. જો આવી કોઈ સંપત્તિને નુકશાની પહોચાડવામાં આવે તો સ્વ ખર્ચ અને જોખમ બિલ્ડરે જ ભોગવવો પડશે. નહીં તો આ પરવાનગી રદ બાતલ ગણાશે. આવા સમય રસ્તાને અડીને રોડના ટચોટચ બિન અધિકૃત રીતે બ્લોક પણ હોટલ માલિકે પાથરી આ હુકમનો પણ અનાદર કર્યો છે. છતાં હાઇવે ઓથોરીટી આ હોટલનું દબાણ દુર કરવા તૈયાર નથી.

હું ટીચકપુરાની હોટલ બાબતે કઈ જાણતો નથી: રાહુલ જલાન
હું ટીચકપુરાની હોટલ બાબતે કઈ જાણતો નથી, હું તાપીમાં બે- ત્રણ વખત આવ્યો છું. તમારી કોઇ સમસ્યા હોય તો મેઇલ કરો, હું આના વિશે પ્રેસથી વધુ વાત કરવા ઓથોરાઇઝ નથી. પ્રોજેક્ટ ડાયેરેક્ટર પાસેથી તમે સોમવારે ઓફિસ સમય ફોન કરી આ બાબતે વધું જાણકારી મેળવી શકો છો, એમ ભરૂચના ટેક્નિકલ મેનઈયુ રાહુલ જલાને જણાવ્યું હતું.

To Top