Dakshin Gujarat

‘ફાટક નહીં તો મત નહીં, ઓવરબ્રિજ નહીં તો મત નહીં’

ગણદેવી : અમલસાડ રેલવે સ્ટેશન (Railway Station) નજીક અંધેશ્વર મહાદેવ મંદિર પાસેની ફાટક બંધ કરાતા લોકોએ ફાટક નહીં તો મત નહીં, ઓવરબ્રિજ મત (Vote) નહીંના બેનરો લગાવતા ચકચાર મચી હતી. જિલ્લા અધિક કલેક્ટરના આદેશ બાદ પણ અમલના અભાવે ફાટકનો પ્રશ્ન હલ નહીં થતા સ્થિતિ સામે આવી છે.

  • અમલસાડ રેલવે સ્ટેશન નજીક અંધેશ્વર મહાદેવ મંદિર પાસેની ફાટક બંધ કરાતા લોકોને હાલાકી
  • જિલ્લા અધિક કલેક્ટરના આદેશ બાદ પણ અમલના અભાવે ફાટકનો પ્રશ્ન હલ નહીં થતા સ્થિતિ સામે આવી

અમલસાડ અંધેશ્વર મહાદેવ મંદિર નજીકની ફાટક ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર નિર્માણની કામગીરીને પગલે પાંચેક મહિના અગાઉ બંધ કરી દેવાઈ હતી. જેને કારણે મુખ્ય ફાટક ઉપર ભારણ વધ્યું હતું. લોકોએ હાલાકી ટાળવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યો હતો. જે બાદ ગત ગત 3જી ઓક્ટોબર અમલસાડ ગ્રામપંચાયતે ગ્રામસભા યોજી હતી. જ્યાં સુધી ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફાટક ચાલુ રાખવાની માંગ કરી હતી. જે બાદ નવસારી જિલ્લા અધિક કલેક્ટર કેતન જોષીએ આગામી 27મી ઓક્ટોબરના રોજ રેલવેને ફાટક ખોલવા અંગે પત્ર પાઠવ્યો હતો. જેમાં ફાટક બંધ કરવાના જાહેરનામું પરત ખેંચ્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. અને જણાવ્યું હતું કે, અમલસાડ ગામે બે પૈકી એક જ ફાટક ચાલુ હોવાને પગલે લોકોને હાલાકી પડી રહી છે આથી ફાટક ખોલવા હુકમ કર્યો હતો.

છતાં રેલવે તરફથી ફાટક શરૂ કરવાની કામગીરી ન થતા લોકો અકળાયા હતા. અને અનામી બેનરો લગાવી રાજકીય પક્ષઓએ મત માંગવા આવવું નહીં આવશો તો પક્ષની જવાબદારી રહેશે, તેમજ અમલસાડ અંધેશ્વર મંદિર પાસે ફાટક નં.112 પર ઓવરબ્રિજ નહીં તો મત નહીં, ફાટક નહીં તો મત નહીં એવું લખાણ લખ્યું હતું. જેને કારણે વિધાનસભાની સામી ચૂંટણીએ રાજકીય પક્ષોમાં ગરમાટો વ્યાપી ગયો હતો.

Most Popular

To Top