Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ (Surat) શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી અસામાજીક તત્વો (Antisocial elements) જાણે ફરીથી એક્ટીવ થઈ ગયા હોય તેમ ખાખીનો ધાક નેવે મુકી કરી રહ્યા છે. પાંડેસરામાં ગઈકાલે રાત્રે જાહેરમાં બે મિત્રોની હત્યા (Murder) કરાઈ હતી. બહેનને મોબાઈલ ઉપર મેસેજ કરીને પરેશાન કરનારને ઠપકો આપતા તેની અદાવતમાં ચપ્પુના આડેધડ ઘા ઝીંકી પતાવી દેવાયા હતા. એકનું સ્થળ પર મોત થયું હતું તો બીજાનું સિવિલ હોસ્પિટલના બીછાણે મોત થયું હતું. આ ઘટના બાદ પાંડેસરા પોલીસનો (Police) કાફલો દોડતો થયો હતો. પોલીસે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ પાંડેસરા રાધેશ્યામ નગરમાં રહેતો 32 વર્ષીય ભોલા ઉર્ફે શિવશંકર જેસ્વાલ, ગાયત્રીનગરમાં રહેતો 22 વર્ષીય પ્રવિણ બાબુલાલ સોલંકી અને બંટી શુક્લા ગઈકાલે રાત્રે તેરેનામ ચોકડી પાસે ઉભા હતા. ત્યારે બાઈક ઉપર આવેલા કિશન અને વિશાલે બાઈક પરથી ઉતરી પ્રવિણ ઉપર હૂમલો કર્યો હતો. પ્રવિણને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. પ્રવિણને બચાવવા માટે ભોલા વચ્ચે પડ્યો હતો. ભોલાને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા. ભોલા અને પ્રવિણ પર હૂમલો થતા બંટી ત્યાંથી ભાગી ગયો હતો. ભોલા જમીન પર પટકાતા કિશને તેની છાતી પર બેસી ચપ્પુના અસંખ્ય ઘા ક્રૂરતાપૂર્વક માર્યા હતા. હૂમલો કરીને આરોપીઓ ભાગી ગયા હતા. બંને મિત્રોને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે ભોલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો. જ્યારે પ્રવિણનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસનો કાફલો તથા ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. પાંડેસરા પોલીસે કિશનસિંગ મનોજસિંગ (ઉ.વ.21, રહે.જય જવાન જય કિસાન સોસાયટી, પાંડેસરા) તથા વિશાલ (ઉ.વ.22) ની સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.

પ્રવિણની બહેનને મેસેજ કરી કિશન પરેશાન કરતો હતો
કિશનસિંગ છેલ્લા ઘણા સમયથી મૃતક પ્રવિણ મારવાડીની બહેનને મોબાઈલ પર મેસેજો કરી હેરાન કરતો હતો. જે બાબતે કિશન અને પ્રવિણ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. અને ત્યારબાદ ભોલાએ વચ્ચે પડીને કિશનને ત્રણેક દિવસ પહેલા તમાચો માર્યો હતો. જેની અદાવત રાખીને ગઈકાલે રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો.

ત્રણ દિવસ પહેલા કિશનને ઘરમાં ઘુસીને ભોલાએ ધમકી આપી હતી
પ્રવિણ અને કિશન વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. ભોલાની કિશનના પિતરાઈ ભાઈ બીટ્ટુ સાથે ઝઘડો ચાલતો હતો. જેથી મિત્ર પ્રવિણના ઝઘડામાં વચ્ચે કુદીને ભોલાએ ત્રણેક દિવસ પહેલા કિશનને ઘરમાં ઘુસીને ગાળો આપી તમાચો માર્યો હતો. જેની અદાવતમાં ગઈકાલે ભોલાને રહેંસી નાખ્યો હોય તેવી શક્યતા છે.

ભોલો ક્રિકેટ સટ્ટાનો અને ફાયનાન્સનો ધંધો કરતો હતો
તેરેનામ ચોકડી પાસે પ્રવિણ અને ભોલાની ગઈકાલે રાત્રે હત્યા થઈ હતી. ભોલા ઉર્ફે શિવ ફાયનાન્સના ધંધા સાથે સંકળાયેલો હતો. તથા ક્રિકેટ સટ્ટા સાથે પણ સંકળાયો હતો. ભોલાનો ભાઈ પિન્ટુ પણ માથાભારે છે. અને પિન્ટુ પાંડેસરાની જગ્ગા માલીયા ગેંગનો સભ્ય છે. જગ્ગા માલીયાની જ્યારે હત્યા થઈ ત્યારે પિન્ટુને પણ પગમાં ગોળી વાગી હતી. ભોલાની હત્યા બાદ હવે પિન્ટુ તેના ભાઈની હત્યાનો બદલો લેશે તેવી શક્યતા વચ્ચે પાંડેસરામાં ફરી ગેંગવોરના ભણકારા વાગી રહ્યા છે.

6 મહિના પહેલા જ બીટ્ટુએ ભોલાને પતાવી નાખવા ધમકી આપી હતી
ભોલા અને બીટ્ટુ વચ્ચે છ મહિના પહેલા એક ફાયનાન્સરે વચ્ચે પડી તેની ઓફિસમાં સમાધાન કરાવ્યું હતું. પરંતુ સુત્રોના કહેવા પ્રમાણે જેતે વખતે બીટ્ટુએ ભોલાને પતાવી દેવાની ધમકી આપી હતી. બીટ્ટુ અગાઉ બે હત્યામાં પકડાઈ ચુક્યો છે. પોલીસે બીટ્ટુની પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

To Top