Columns

સત્ય અને સ્નેહની સુગંધ ‘‘હા’’ શબ્દમાં…

‘હા’એ કેટલો સરળ શબ્દ છે. જાણે આ એક શબ્દમાં અનેક પ્રશ્નોનો ઉત્તર આવી જતો ન હોય? મહાભારતના 5 પાંડવોમાં આજ્ઞાંકિતપણાનું ભારોભાર’ “હાજી’ શબ્દનો પાઠ પૂરોપૂરો ભણ્યા હોય એવું લાગે છે. જ્યારે જ્યારે પણ શ્રીકૃષ્ણએ અને ગુરુજનોએ જે સૂચનો આપ્યા, જે આજ્ઞા આપી એનો કદાપી – નકારાત્મક પ્રતિભાવ આપ્યો નથી. બસ ‘હા’શબ્દ દ્વારા આજ્ઞા પાલન કરવાનું કર્તવ્ય કરતાં રહ્યા હતાં. પરિણામ સ્વરૂપે કૌરવો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. જ્યારે કૌરવો એ ‘હા’ શબ્દ ને માત્ર ખુશામતમાં ખોઈ નાંખ્યો હતો. અર્થાત્ વ્યવહારનું રૂપાળું નામ આપી જૂઠી ‘હા’ ભણે છે તે ‘હા’ના હાર્ડ સુધી પહોંચી શકતી નથી.પરિણામ સ્વરૂપે કૌરવોનો પરાજ્ય થાય છે. જ્યારે આપણે ‘હા’કહીએ છીએ ત્યારે તેમાં સામી વ્યક્તિના પ્રશ્નોનો ઉત્તર તો આવે જ છે. પણ તે સાથે સામાના અસ્તિત્વનો એકરાર પણ આવે છે. ‘હા’ એક એવી સંમતિ છે કે જે વ્યાપકરૂપે અદ્વૈતમાં પરિણમે છે. ‘હા’ નું સાચું સ્વરૂપ તો જીવનની હકારાત્મક દ્રષ્ટિમાં જોવા મળે છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિએ વાત અત્યંત સૂચક છે.

ક્યાં ‘ના’કહેવી એના કરતાં કયાં ‘હા’ પાડવી એ વધુ મહત્વનું છે. ‘હા’ને જે જૂઠ્ઠા શબ્દરૂપે પ્રયોજે છે, એ જીવનના દંભને વધુને વધુ પોષે છે. ‘હા’ એક એવો એકરાર છે કે જે જીવનને અને તેના પ્રશ્નોને નવો વળાંક આપી શકે. પણ એ ‘હા’ યસમેનની ‘હા’ હોય તો એનો રણકાર બોદો નીકળે છે. ઘણીવાર તો પ્રશ્નોથી પલાયન થઈ જવા આપણે ‘હા’ પાડી બેસીએ છીએ. પણ ‘હા’ ઉચ્ચારવી કે ના ઉચ્ચારવી એમાં જ આપણી જિંદગીનો સાચો વિવેક સમાયેલો છે. ‘હા’ જીવનની એક રાગીતાનું સૂચન કરે છે. પણ વિચારોના અલગ અસ્તિત્વનો ઈન્કાર નથી કરતો. ‘હા’ ને હર્ષ સાથે વિશેષ સંબંધ છે. કારણ કે ઈન્કાર કરતાં એકરાર સાંભળવાને માનવી વધુ ટેવાયેલો છે. ‘હા’ માં સુખ એક ઓછી સુગંધ છે પણ દરેક વખત સુખની લહેરખી લઈને આવે છે એવું યે નથી. એ તો કયા પ્રકારની અને ક્યા સ્વરૂપની ‘હા’ છે એના ઉપર એનો ઉત્તર અવલંબે છે. ‘હા’ ક્યારેક આનંદની સરિતા બનીને આવે છે તો ઘણીવાર મૃગજળનો પણ ભાસ કરાવે છે. ત્યારે મૃગજળમાં મોહી પડનારા આપણે માનવીઓને મૃગજળ જેવું મીઠું ભાસે છે તેમ ‘હા’ પણ મીઠી લાગે છે..

ના એક એવો શબ્દ છે જે હજારો શબ્દોની શક્તિ ધરાવે છે. ‘ના’ શબ્દ કાને પડતાં જ આપણે જાણે  શક્તિહીન બની જઈએ છીએ. ‘ના’ એક એવો ઈન્કાર છે જેનામાં જમીનદોસ્ત કરવાની અણુશક્તિ રહેલી છે. જો કે એ જ ‘ના’ વ્યક્તિ સમૂહના વિનાશનું કારણ પણ બની શકે છે. જેના સાચાં પરિણામો મહાભારત અને રામાયણના અનેક પ્રસંગોમાંથી આપણે ‘ના’ શબ્દના પ્રતિભાવથી કેવી વિનાશ જવાળાઓ પહેલાં મનમાં, પછી વાણીમાં અંતે યુદ્ધમાં પરિણમી છે. એ આપણે બરાબર રીતે  જાણીએ છીએ. સામાન્ય રીતે માનવી પોતાની અપેક્ષાના ગર્ભમાં ‘હા’ શબ્દ સાંભળવા ટેવાયેલો છે. પણ જ્યારે એ ‘ના’ શબ્દ સાંભળે છે ત્યારે પોતાની ઈચ્છાનું અવસાન થયેલું માની બેસે છે. પણ આ બધા વહેવારું વલણો છે. જ્યાં સુધી ‘ના’ શબ્દની પાછળનું સાચું કારણ જાણવા ન મળે ત્યાં સુધી વિવેકને શૂન્ય દૃષ્ટિએ પહોંચાડવો એ જીવન માર્ગની મોટી ભૂલ છે. ‘ના’ અદ્વૈત છે તો ‘હા’ એ અદ્વૈત છે. પણ ‘હા’ જ્યારે ખુશામતનું ખોળિયું પહેરીને આવે છે, ત્યારે અદ્વૈતનો આભાસ ઉત્પન્ન થાય છે અને દેવ્ત કાયમ રહે છે.

 ‘હા’ જિંદગીનું સત્ય બની શકે. જો આપણને આવરણ વિના ઉચ્ચારતા આવડતી હોય તો. ‘હા’ શાંતિની સર્જક બની શકે, જો તે બુદ્ધિ અને સમન્વયમાંથી પ્રકટી હોય તો. ‘હા’ સ્નેહની સુગંધ બની શકે, જો તે અંતસ્તલમાંથી પ્રગટી હોય તો.‘હા’ એક એવી અમરવેલ છે જેના વિવેકશીલ ઉપયોગમાં જ આપણી જિંદગીની સાર્થકતા સમાયેલી છે. નકારાત્મક દૃષ્ટિવાળો માનવી જ ‘હા’ નો વિચાર શૂન્ય બનીને ઉપયોગ કરે છે. જ્યારે સદગુણ દૃષ્ટિવાળો માનવી તો ‘હા’ શબ્દને સત્યના પડઘારૂપે જ પ્રયોજે છે. મિત્રો, ચાલો આપણે ‘હા’ શબ્દની અમરવેલને જીવનનું લક્ષ્ય બનાવીએ અને તેના સ્નેહની સુગંધ ચારોતરફ મહેંકાવતાં રહીએ અને હાજીનો પાઠ પાક્કો કરતા રહીએ એવી શુભ ભાવના અને શુભકામના સાથે…

Most Popular

To Top