Columns

મેં તો શરણ તિહારી

આ સંસાર તો નાશવંત છે, છતાં મોટા ભાગના લોકો શા માટે આ પ્રેય માર્ગ તરફ વધુ આકર્ષાય છે. હવે આગળ ભગવાન કૃષ્ણ શરણાગતિનો મહિમા સમજાવે છે. ભગવાન કહે છે -“मन्मनामद्भक्त: भव” એટલે કે “મારામાં મન પરોવ, મારો ભક્ત થા,” અહીં ભગવાન અર્જુનને તેના બળનો ભાર મુકાવીને ભગવાનના આશરાના બળે રહેવાનું રહસ્ય સમજાવે છે. કેન ઉપનિષદ્ એક પ્રસંગ જણાવે છે : દેવોદાનવોના સમરમાં દેવોએ વિજય પ્રાપ્ત કર્યો. કારણ એટલું જ કે દેવોના પક્ષે ભગવાનના આશીર્વાદ હતા. પરંતુ વિજયના ઉન્માદમાં અને શક્તિના ગુમાનમાં દેવો વિજય સમાંરભમાં ભગવાનને જ આમંત્રણ આપવાનું ભૂલી ગયા. આવા સમયે ભગવાન કોઈ નિમિત્તે પોતાના ભક્તોના માનનું મર્દન કરતા હોય છે.

તે જ ઉદ્દેશ્યથી ભગવાને યક્ષનું રૂપ ધારણ કરીને તેમને સમજાવ્યું કે તમે તો ઘાસનું નાનું તણખલું પણ હલાવી શકવા સક્ષમ નથી. સર્વશક્તિમાન તો પરમકૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા છે. માટે બધાં જ બળોની સાપેક્ષે ઇષ્ટબળ સર્વોત્કૃષ્ટ છે. આ રીતે ભગવાનનો આશરો ગ્રહણ કરવાનું પ્રમાણ આપણને શાસ્ત્રો આપે છે. પ્રાચીનકાળથી અર્વાચીનકાળ સુધીના આપણા આધ્યાત્મિક ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જણાશે કે ધ્રુવ, પ્રહલાદ,અંબરીષ,ગજેન્દ્ર,અર્જુન,મીરાંબાઈ,નરસિંહ મહેતા આદિ ભક્તો ભગવાનની શરણાગતિ સ્વીકારી શાશ્વત સુખશાંતિ અને કીર્તિને પામ્યા છે.

અરે, લૌકિક જીવનમાં પણ ભગવાનની શરણાગતિ જ ઉગારે છે.અવકાશમાં એપોલો-13માં જ્યારે આંતરિક ટેક્નિકલ વિઘ્ન આવ્યું ત્યારે ભગવાનની શરણાગતિ જ સહાયભૂત બની. અમેરિકન સરકાર પોતાની ચલણી નોટો ઉપર ગૌરવથી લખે છે : ‘In God We Trust.’ અમે ભગવાનમાં વિશ્વાસ ધરાવીએ છીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સાતમા અધ્યાયમાં પણ ભગવાન શ્રીકૃષ્ણનારાયણે શરણાગતિનો મહિમા કહ્યો હતો- “મારી ગુણમયી દૈવી માયા કોઈથી તરાય તેવી નથી. પણ જે મારો આશરો કરે છે, તે આ માયાને તરી જાય છે.” પ્રમુખસ્વામી મહારાજ સમજાવે છે કે, “જેમ માછીમાર જાળ પસારે તેમાં દૂરનાં માછલાં પકડાઈ જાય પણ તેના પગ આગળ રહેલાં માછલાં મુક્ત રહે છે. તેમ માયારૂપી જાળમાંથી છટકવા માટે એક જ ઉપાય છે ભગવાનની શરણાગતિ. અનાજ દળવાની ઘંટીમાં ખીલડાને આશરે જે દાણા હોય છે તે પીસાતા નથી જ્યારે દૂરના દાણા રજમાં પરિણમે છે. તેમ ભગવાનના આશરારૂપી ખીલડો પકડી રાખવો…”

ભગવાન પણ પોતાના શરણે આવેલા મુમુક્ષુનું શ્રેય અને પ્રેય કરે છે. કાશ્મીરની સંત કવિયિત્રી લલ્લેશ્વરી કહે છે, ‘जक्रहैतोफक्रक्या?’ લગ્નની ચોરીમાં પત્ની એકવાર પતિને કહે છે કે ‘હું તમારી’તો પતિ દેશવિદેશ ફરીને પણ તેનું પોષણ કરે છે. એટલે જ, વાલ્મીકિ રામાયણમાં ભગવાન શ્રીરામ કહે છે :‘એક જ વાર ‘હે ભગવાન ! હું તમારો છું’ એમ કહી શરણાગત થનાર ભક્તને અભયપદ આપવું એવું મારું બિરુદ છે.’

મહાભારતનો દસમો દિવસ અસ્તાચલે હતો. તે સમયે મહારથી ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે કે આવતી કાલે યુદ્ધ પૂર્ણ થાય તે પૂર્વે હું નહીં કા અર્જુન નહીં. આ સમાચાર જાણવા છતાં અર્જુન તે રાત્રે ગાઢ નિદ્રાનું સુખ માણતો હતો. તે સમયે ભગવાન કૃષ્ણે તેને જગાડીને પૂછ્યું :‘પાર્થ! તને ડર નથી લાગતો? આ પ્રશ્નનાં ઉત્તરમાં ધનંજય જણાવે છે કે ‘પ્રભુ ! તમે જાગો છો એટલું હું ઊંઘું છું.’ ખરેખર, જેના માટે ભગવાન જાગતા હોય તે શરણાગતને ભય શેનો? ભગવાન કૃષ્ણ નારાયણનાં દૃઢ આશરાથી પાંડવો લૌકિક અને પરલૌકિક માર્ગને તરી ગયા.

ભગવાન સ્વામિનારાયણ પણ ગઢડા પ્રથમ પ્રકરણનાં 33મા વચનામૃતમાં કહે છે : ભગવાનનો દૃઢ આશરો કરવો એ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેને કરીને ભગવાન રાજી થાય છે. એ આશરો અતિ દૃઢ જોઈએ તેને વિષે કોઈ પોલ રહે નહી. જેને ભગવાનનો આશરો દૃઢ હોય તે ભક્ત માયાને તરી જાય છે.’ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ભક્ત ભગવાનના પરમધામને પામવા માટે જપ, તપ, દાન, યજ્ઞયાગાદિક જેવાં કઠિન સાધનો કરે છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ શ્લોકમાં સરળતમ માર્ગ બતાવે છે કે ભગવાનની શરણાગતિ.
સંત કબીર પણ કહે છે,
काशीकांठेघरकरो, पीवेनिरमलनीर
मुक्तिनहींहरिचरणविनायोंकहेदासकबीर,
આશય છે કે મુક્તિ માટે તો એક ભગવાનનો આશરો જ મુખ્ય સાધન છે. એટલે જ ભગવાન સમજાવે છે કે શરણાગતિ એ જ શ્રેષ્ઠ ભક્તિ છે. આવો, આપણે પણ સાચા શરણાગત થઈએ.

Most Popular

To Top