Columns

જીવવા માટે શું જોઈએ?

એક સરસ સેમીનાર હતો — જીવન જીવવાની રીત, ત્રણ  દિવસના સેમિનારમાં બધા મળ્યા ,એકબીજા સાથે વાતો કરી ,નવા મિત્રો બનાવ્યા અને ખ્યાતનામ સ્પીકરોને સાંભળ્યા.જીવન સરસ રીતે જીવવા માટે જરૂરી ગુણોની વાત થઇ.રીતભાતની વાત થઇ.દિનચર્યાની વાત થઇ.મુખ્ય જરૂરિયાતોની વાત થઈ. સબંધોની વાત થઇ.લાગણીઓની વાત થઇ. અનેક રીતે અનેક બાજુઓથી જીવન જીવવાની રીતો અને જીવનને વધુ સારું બનાવવા માટે ચર્ચાઓ થઇ.ત્રણ દિવસ બધાએ જે સાંભળ્યું તેને અમલમાં પણ મૂકવાની કોશિશ કરી. છેલ્લે દિવસે સ્પીકરે કહ્યું , ‘આજે સેમિનારનો છેલ્લો દિવસ હોવાથી રાત્રે ડીનર પછી આપણે બધા છૂટાં પડીશું.તો હવે આપણે એક ખાસ કામ કરવાનું છે.

તમારા બધાના ટેબલ પર રંગીન પેપર છે તેમાંથી તમારા મનગમતા રંગનું પેપર પસંદ કરજો અને તેની પર તમારા મનની વાત લખજો કે તમારા મત મુજબ ‘જીવન જીવવા માટે શું જોઈએ?’ તમારા મનપસંદ રંગનું પેપર પસંદ કરવાનું કહેવા પાછળ એક સંદેશ છે કે જીવનમાં જે કરો, જો મનગમતું કરશો તો તે કામ કરવાની વધુ મજા આવશે. તમારા જવાબ લખી પેપર કાઉન્ટર પર સબમિટ કરજો.’ બધાએ પોતાના મનગમતા રંગનું પેપર લઇ જવાબ લખવાના શરૂ કર્યા. એકે લખ્યું — ‘જિંદગી જીવવા માટે જોઈએ એક એવી વ્યક્તિ જે તમારાથી વધારે તમારી હોય.’

બીજાએ લખ્યું —‘જિંદગી જીવવા જોઈએ એક એવો પરિવાર, જે તમને પ્રેમ કરે અને તમારાં દરેક કાર્યોની કદર કરે અને હંમેશા દરેક સંજોગોમાં સાથે રહે.’ ત્રીજાએ લખ્યું —- ‘જીવન સુંદર રીતે જીવવા જોઈએ એક એવો જીવનસાથી જે તમારા પર હક્ક અને હુકમ ન ચલાવે પણ તમને હંમેશા સાથ આપી જીવન આકાશમાં ઊડવા દે.’ ચોથાએ લખ્યું — ‘જિંદગી જીવવા માટે જોઈએ એક એવો મિત્ર જે કંઈ પણ બોલ્યા પહેલાં તમારા મનની વાત તમારી આંખો અને ચહેરો જોઇને સમજી જાય.’ પાંચમાએ લખ્યું — ‘ જિંદગી જીવવા માટે જોઈએ એક ગુરુ જે હંમેશા સાચો માર્ગ બતાવે અને તે માર્ગે ચાલવાની સમજ અને હિંમત આપે.’ છઠ્ઠાએ લખ્યું — ‘ જિંદગી જીવવા માટે જોઈએ એક તમને સમજતું સંતાન જે તમારા સંસ્કાર દીપાવે અને જનરેશન ગેપ દૂર કરી તમને અને તમારી વાતોને સમજી શકે.’

આવા અનેક જવાબ લખાયા કે જીવન જીવવા માટે જોઈએ સાચો પ્રેમ કે પછી દરેક વસ્તુનું જ્ઞાન કે વ્યવહારુ સમજ કે સમયપાલન કે નિયમિતતા કે શિસ્ત અને આવું ઘણું બધું અને બધા જવાબ એક ફાઈલમાં ફાઈલ કરવામાં આવ્યા.છુટા પડતાં પહેલાં સ્પીકરે કહ્યું, ‘જીવન જીવવા માટે શું જોઈએ? આ પ્રશ્નના તમારા બધાના જવાબની એક પુસ્તિકા તમને થોડા વખતમાં મળશે.બધાના જવાબ બહુ સરસ અને વિચારપ્રેરક છે અને ખાસ વાત છે તેમાં કયાંય ગાડી બંગલા ..પૈસા…હીરા મોતી…જમીન ઝવેરાત …જેવી ભૌતિક ચીજોની વાત એક પણ જવાબમાં નથી.’ ચાલો તમે પણ વિચારો કે જીવન જીવવા માટે શું જોઈએ?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top