Top News

More Posts

   The Latest

Most Popular

સૃષ્ટિ રોડે એકટ્રેસ તો છે પણ તેનામાં ચર્ચામાં રહેવાની ય આવડત છે. આમ તો તે ટી.વી. પર ઘણી જાણીતી છે પણ વચ્ચે ‘બિગ બોસ’ની 12મી સીઝનમાં આવી અને 70 દિવસ સુધી એ ઘરમાં રહી. ટી.વી. સિરીયલો ન જોનારાની નજરમાં તરત જ ચડી ગઇ. ‘ધ કપિલ શર્મા શો’ની ગઝલ તરીકે પણ તે ચર્ચામાં રહી છે. આ બધી ટેકનિક છે. શો બિઝનેસની. સૃષ્ટિ મુંબઇમાં જ જન્મી છે એટલે આ શો બીઝનેસને બરાબર જાણે છે. તેના પિતા ટોની રોડે સિનીયર સિનેમેટોગ્રાફર હોવાથી ય તેને શો બિઝનેસને કેમ ટ્રીટ કરવું તેના સંસ્કાર મળ્યા છે. વળી મીઠીબાઇ કોલેજમાં જ ભણી છે એટલે ય તેને બહુ બધું સમજાયેલું છે.

2007માં તેને એકતા કપૂરે ‘કુઇ ઇસ તરા’માં કામ આપેલું. એ ટેલી ફિલ્મ માટે તેને જો કે હજાર રૂપિયા જ મળેલા પણ ‘ફેર એન્ડ લવલી’ની જાહેરાતમાં આવ્યા પછી તેની કારકિર્દીએ જોર પકડયું. ‘શશશ ફીર કોઇ હે’ની માસૂમ, ‘બૈરી પિયા’ની સૌમ્યા, ‘યે ઇશ્ક હાયે’ની મંજરીથી તે જાણીતી બની. આ સિરીયલો રોમેન્ટિક અને ફેમિલી ડ્રામા ધરાવતી હતી. તેને આવા શો સતત મળ્યા છે અને છેલ્લે ‘ઇશ્કબાઝ’ની ફૈઝા તરીકે ય તેને નામના મળી. તે કહે છે કે અત્યાર સુધીની મારી યાત્રાથી ખુશ છું ને મારે અલગ અલગ પ્રકારનાં પાત્રો ભજવવાં છે. તે ટી.વી. ઉદ્યોગથી દૂર થવા નથી માંગતી પણ ફિલ્મો યા બીજે ય અભિનયનું કામ મળે તો તે તૈયાર છે. હા, ફિલ્મોમાં કામ મેળવવા તેણે કોઇ ખાસ યોજના નથી બનાવી. સારી ફિલ્મોના પ્રસ્તાવ આવે તેની તે રાહ જોઇ રહી છે. તે કારણ વિનાનાં અંગ પ્રદર્શનમાં પણ માનતી નથી.

તેને પૂછો કે શું આ શો બિઝનેસની દુનિયામાં શોષણનો અનુભવ થયો છે? તો ભોળીભટાક બનીને કહે છે કે ‘મને તો આ બાબતનો જરા પણ અનુભવ નથી. મારી સાથે એવી કોઇ ઘટના પણ નથી બની એટલે હું શું કહી શકું? ખેર, સૃષ્ટિ બહુ શાણી છે. હમણાં તે ‘અન્જાન હો ગયે’ વિડીયો આલબમમાં આવી છે પણ ટી.વી. સ્ક્રિન પર ઓછી દેખાઈ રહી છે. તે કાંઇ અટકે એવી નથી. મનીષ નગદેવ નામના અભિનેતા સાથે તેને અફેર રહ્યો છે પણ હજુય તે અનમેરિડ જ છે. જે અભિનેત્રી તરીકે મહત્ત્વાકાંક્ષા હોય તેના અંગતને જાણવા બહુ પ્રયત્ન ન કરવો. ઇશ્ક-બિસ્કનું રિશ્ક તો લેવું પડે!

To Top