Top News

More Posts

   The Latest

Most Popular

ઉપર શીર્ષકમાં જણાવેલો પ્રશ્ન મને મારા એક મિત્રે પૂછ્યો. હું જરા ગુંચવાયો. સ્પીડ પોસ્ટનો અર્થ ખબર નહીં હોય એવું બને નહીં, છતાં તેણે મને આવો પ્રશ્ન કેમ પૂછ્યો? મેં આશ્ચર્યચકિત થતાં પૂછ્યું કે કેમ શું થયું? તો કહે કે મેં બેંકમાં એ. ટી. એમ.માંથી પૈસા ઉપાડી શકાય તે માટે ડેબિટ કાર્ડ માટે અરજી કરી હતી. મારા ઉપર બેંકમાંથી મેસેજ આવ્યો કે તમારો ડેબિટ કાર્ડ ફલાણી તારીખે સ્પીડ પોસ્ટ દ્વારા રવાના કરવામાં આવ્યો છે. હું તો ખુશ થઈ ગયો કે સ્પીડ પોસ્ટ દ્વારા મારો કાર્ડ મોકલ્યો છે એટલે કાર્ડ મળ્યા પછી હવે એ. ટી. એમ. માંથી પૈસા ઉપાડી શકાશે. એ વાતને આજે દશમો દિવસ છે પણ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલો મારો ડેબિટ કાર્ડ મને મળ્યો નથી. બોલ, હવે મેં તને જે પ્રશ્ન પૂછ્યો એમાં કંઈ ખોટું કર્યું? મારી પાસે તેની વાતનો કોઈ જવાબ હતો નહીં. પણ ઘણા લાંબા સમય સુધી મને એ પ્રશ્ને સતાવ્યો કે ખરેખર સ્પીડ પોસ્ટનો મતલબ શું થાય? મારી દૃષ્ટિએ સ્પીડ પોસ્ટ એટલે આજે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલી ટપાલ બીજે દિવસે મળી જવી જોઈએ. જો તેમ ન થાય તો સ્પીડ પોસ્ટનો મતલબ શું? હું હજુ મારા મનમાં ઊઠેલા એ પ્રશ્નનો જવાબ શોધી રહ્યો છું.
સુરત     – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શાળાના કેન્દ્રમાં વેપાર કે વિદ્યાર્થી?
ઠંડીને કારણે રાજ્યમાં એક વિદ્યાર્થીનું મોત થતાં શિક્ષણ વિભાગ તરફથી એક પરિપત્ર પાઠવાયો છે. જેમાં વિદ્યાર્થી ઘરેથી જે ગરમ વસ્ત્રો પહેરીને લાવે તેને માન્ય રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ બાબતે શાળાને પોતાની મનમાની નહીં કરવાની સ્પષ્ટ સૂચના છે. હવે જોવાનું એ રહે છે કે કેટલી શાળાઓ આ સૂચના વાલીઓ સુધી પહોંચાડે છે અને પરિપત્રનો અમલ કરે છે. કેટલીક શાળાઓ તરફથી યુનિફોર્મ, પુસ્તકો વગેરે અમુક દુકાનેથી જ લેવાનો દુરાગ્રહ જાણીતો છે. વાલીઓના સક્રિય સંગઠનને અભાવે અને શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતાને કારણે કેન્દ્ર સ્થાન બદલાય છે. ખરેખર તો શાળામાં વિદ્યાર્થી જ કેન્દ્રમાં હોવો જોઈએ તેને બદલે કેટલાક  સંચાલકો શાળાના કેન્દ્ર સ્થાને વેપાર અને એ થકી થતાં નફાની ગણતરીને  વધુ મહત્વ આપે છે. અલબત્ત ઘણી શાળાના સંચાલકો શિક્ષણનો ખરો અર્થ સમજીને સરસ કામ કરી રહ્યા છે એ નોંધવું રહ્યું. છતાં વાલીઓ પાસે પોતાના બાળક માટે યોગ્ય શાળા પસંદગીની ઝાઝી તકો ઉપલબ્ધ નથી ત્યારે શિક્ષણ વિભાગે આવી જાગરૂકતા સમયસર અને સતત બતાવવી પડશે.
સુરત     – સુનીલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top