SURAT

ભાવનગરથી પકડાયેલો જીએસટી કૌભાંડનો માસ્ટર માઈન્ડ ઉસ્માન બગલા 5 દિવસના રિમાન્ડ પર

સુરત : સમગ્ર રાજ્યમાં જીએસટી (GST) કૌભાંડનો (Scam) ઇકો સેલ દ્વારા પર્દાફાશ કરાયો હતો. અને કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડ પકડી પાડી અત્યાર સુધી કુલ 16 આરોપીની ધરપકડ કર્યા બાદ ગઈકાલે ભાવનગરના વોન્ટેડ ઉસ્માન બગલાની ધરપકડ કરાઈ હતી. ઉસ્માન બગલાને આજે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી.

શહેરમાં કેટલાક વ્યક્તિ બોગસ પેઢીઓ અને ફર્મના નામે ખોટા બેન્ક એકાઉન્ટ ખોલી જીએસટીમાંથી ખોટી ક્રેડિટ (Bogus Credit) મેળવી સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાની બાતમી ઇકો સેલને મળી હતી. ઇકો સેલ દ્વારા આ બાબતે સંપૂર્ણ અભ્યાસ કરી તેની તપાસ કરી બાદમાં ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કરાવ્યો હતો. અને આ ગુનાની તપાસમાં ગુજરાતના સુરત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, મોરબી ખાતેથી અલગ અલગ પેઢીના નામે ખોટા બિલ બનાવી ફાઇલીંગ કરવામાં આવી રહેલા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને પગલે સમગ્ર રાજ્યમાં સયુક્ત ઓપરેશન હાથ ધરી રેઈડ કરી જે તે સમયે 14 અને પછી 2 મળી 16 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.

આ કૌભાંડના મુખ્ય સૂત્રધારમાં સુરતનો આલમ શેખ, સુફીયાન કાપડીયા, ભાવનગરનો ઉસ્માન બગલા અને સજ્જાદ રઉજાની હોવાનું જાણવા મળ્યું હતું. ઇકો સેલ દ્વારા ગઈકાલે ભાવનગર ખાતે જી.એસ.ટીનું રેકેટ ચલાવનાર મુખ્ય સુત્રધાર આરોપી ઉસ્માનગની રફીકભાઇ ફટાણી (ઉ.વ-૩૫ રહેવાસી-ફ્લેટ નંબર-૩૦૪, બાગેફીરદોશ ફ્લેટ, જુની માણેક વાડી પાસે, શિશુવિહાર રોડ, ભાવનગર) ની ભાવનગરથી ધરપકડ કરાઈ હતી. અને તેને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. જેમાંથી કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

રિમાન્ડના મુખ્ય મુદ્દાઓ

  • આરોપીએ અનેક પેઢીના નામે કરોડોના બિલો બનાવ્યા છે.
  • 50 જેટલી પેઢીઓના અંદરો અંદર બિલો ફેરવી કુલ 310 કરોડના બિલોની વિગત મળતી નથી. તે 50 પેઢીઓની પુછપરછ કરવાની છે.
  • અગાઉ પકડાયેલા આરોપી આનંદ પરમારે અલગ અલગ કંપનીના નામે બેંક ખાતા ખોલી 100 કરોડનું ટ્રાન્જેક્શન કર્યું છે. તે અંગે પુછપરછ કરવાની છે.
  • આરોપીએ જે પાંચ પેઢીમાંથી 25 પેઢીઓમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તેની પુછપરછ કરવાની છે.
  • આરોપીએ આ 5 પેઢીમાં ટ્રાન્જેક્શન થયેલા કરોડો રૂપિયામાંથી 51 કરોડ રોકડા ઉપાડી ક્યા ક્યાં સગેવગે કર્યા તેની તપાસ કરવાની છે.

Most Popular

To Top