Dakshin Gujarat

સુરત શહેરનો કચરો સોનગઢ સ્ટોન ક્વોરીની ખાણમાં ઠલવાતાં ગ્રામજનોમાં આક્રોશ

વ્યારા: સોનગઢ (Songadh) રોશની સ્ટોન ક્વોરી છેલ્લા ઘણા સમયથી બંધ હોય તેની પાણી ભરેલ ઊંડી ખાણમાં અત્યંત દુર્ગંધ મારતો વેસ્ટેજ કચરો નાંખવાનું શરૂ કરાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. જેસિંગપુરા ટેકરા સહિતના વિસ્તારમાં આ કચરાના ઢગને કારણે તીવ્ર વાસ આવતાં આ દૂષણને બંધ કરવા પૂર્વ કોર્પોરેટર મિત્તલબેન ગામીત સહિતના આગેવાનોએ સોનગઢ પાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપ્યું છે.

  • કચરો ઠાલવવા એકમાત્ર જમીનમાલિકની પરવાનગી લઈ મનસ્વી રીતે લેન્ડ ફિલ્ડ સાઇડ નક્કી કરવામાં આવ્યાનો આક્ષેપ

પ્રદૂષણ આરોગ્ય માટે ઘાતક હોય ત્વરિત બંધ કરાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. કચરો ઠાલવવા એકમાત્ર જમીનમાલિકની પરવાનગી લઈ મનસ્વી રીતે લેન્ડ ફિલ્ડ સાઇડ નક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ વેસ્ટેજ કચરો ઠાલવવા માટેની સ્થાનિક કક્ષાએ ચીફ ઓફિસર, મામલતદાર કે કલેક્ટરની કોઇ પરવાનગી હોય તેવું સામે આવ્યું નથી.

આવેદનમાં જણાવ્યું છે કે, સોનગઢ રોશની સ્ટોન ક્વોરીની ખાણમાં સુરત તરફથી ડમ્પિંગ વેસ્ટ, કચરો ખાલી કરવામાં આવી રહ્યો છે. જેની દુર્ગંધથી સ્થાનિકોને ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. ઘરમાં બેસી જમી શકાય તેવી સ્થિતિ નથી. અસહ્ય દુર્ગંધના કારણે બાળકો બીમાર થાય, લોકોનો સ્વાસ્થ્ય બગડે એવી દહેશત છે.

ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે ડમ્પિંગ સાઈડનો કચરો નાંખવાનું બંધ કરાવવામાં આવે, જે કચરો નાંખવામાં આવ્યો છે તે કોની પરવાનગીથી નાંખવામાં આવ્યો, તેની તપાસ સાથે કાર્યવાહીની માંગ કરી છે. સાથે જ આ કચરો ફરીથી ઊંચકીને જ્યાંથી લાવ્યા ત્યાં લઈ જવામાં આવે, જો તેમ નહીં થાય તો જેસિંગપુરાના સ્થાનિકો જલદ આંદોલન કરશે. સુરત શહેરનો કચરો ગ્રામ્ય વિસ્તારની ક્વોરીની ખાણમાં ઠાલવતા ભૂગર્ભ જળ પણ દૂષિત થઈ રહ્યા છે. ઉપરાંત પ્રજાજનોને ભારે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. રોગચાળો ફેલાય તેવી શક્યતા છે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સુરતના કોન્ટ્રાક્ટર દ્વારા સુરત શહેરનો કચરો નાંખતાં પુષ્કળ દુર્ગંધ અને ગંદકી થઈ છે. હાલ પાલિકા કક્ષાએ સમસ્યાનો નિકાલ નહીં લાવતાં સ્થાનિકોએ મામલતદારને પણ રજૂઆત કરી છે. સુરત શહેરનો કચરો અહીં ગ્રામીણ વિસ્તારમાં નાંખવાની પરમિશન કોણે આપી? જો પરમિશન આપી ન હોય તો આ કચરો જ્યાંથી આવ્યો ત્યાં પાછો મોકલવાની તજવીજ કેમ ધરાતી નથી. કચરો ખાણમાં નાંખવાની પરમિશન જમીનમાલિકે વહીવટી તંત્રને જાણ કર્યા વિના બારોબાર આપી દીધી કે કેમ? જેવા અનેક પ્રશ્નો ઉદભવ્યા છે, ત્યારે મામલતદાર આ મામલે કચરો ઠાલવનારાઓ સામે કેવો રૂખ અપનાવે છે, તે જોવું રહ્યું.

પરમિશનના કાગળો મંગાવ્યા છે
સ્થળ ઉપર વિઝિટ કરાવી છે. હાલ કચરો નાંખવાનું બંધ કરાવ્યું છે. કોની પરમિશનથી કચરો ક્વોરીની ખાણમાં નંખાઈ રહ્યો હતો, તેની કોઇ જાણ કચેરીને નથી. પરમિશનના કાગળો મંગાવ્યા છે. જો પરમિશન નહીં હોય તો આ કચરો જ્યાંથી આવ્યો ત્યાં મોકલવામાં આવશે. -એસ.ડી.બારડ, મામલતદાર, સોનગઢ, જિ.તાપી.

Most Popular

To Top