Gujarat

4 ડિપ્લોમા અને 5 ડિગ્રી એન્જિનિયરિંગ સહિત કુલ 9 કોલેજને ‘નો-એડમિશન’ ઝોનમાં મુકાઈ

અમદાવાદ: તાજેતરમાં જ જીટીયુ (GTU) દ્વારા સંલગ્ન 435 સંસ્થા પાસેથી ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર (Online Self Disclosure) મંગાવવામાં આવ્યું હતું. જેની ખરાઈ પછી 280 સંલગ્ન સંસ્થામાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞો દ્વારા ઈન્સ્પેક્શન (Inspection) કરવામાં આવ્યું હતું. જેમાંથી 38 સંસ્થામાં ફેકલ્ટીઝ અને લેબોરેટરીઝની ઉણપ અને કેટલીક સંસ્થામાં છેલ્લાં 3 વર્ષથી ડાયરેક્ટર કે પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોય તેની સામે ધરાધોરણ મુજબ પગલાં ભરવામાં આવ્યાં છે. જીટીયુનાં ધારાધોરણો પર ખરી ના ઊતરેલી ડિપ્લોમા એન્જિનિયરિંગની 4 અને ડિગ્રી એન્જિનિયરિંગની 5 કોલેજો મળી કુલ 9 કોલેજોને જીટીયુ દ્વારા નો-એડમિશન ઝોનમાં મૂકવામાં આવી છે. જીટીયુના કુલપતિ પ્રો. ડો.નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નિકલ શિક્ષણમાં કોઈ પણ પ્રકારની ઉણપ ના રહી જાય તે અર્થે જીટીયુ અને એઆઈસીટીઈનાં ધારાધોરણ મુજબ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું જરૂરી છે. એકેડેમિક ઈન્સ્પેક્શનથી શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે.

  • 38 સંસ્થાની વિવિધ વિદ્યાશાખાની કુલ 4775 સીટ્સમાં ઘટાડો કરાયો
  • જીટીયુ દ્વારા સંલગ્ન કોલેજોમાં એકેડમિક ઈન્સ્પેક્શન કરાયું
  • જીટીયુ દ્વારા કરવામાં આવેલા 280 સંસ્થાના એકેડમિક ઈન્સ્પેક્શનમાંથી કુલ 38 સંસ્થાની સીટ્સ ઘટાડવામાં આવેલી છે


જીટીયુ દ્વારા કરવામાં આવેલા 280 સંસ્થાના એકેડમિક ઈન્સ્પેક્શનમાંથી કુલ 38 સંસ્થાની સીટ્સ ઘટાડવામાં આવેલી છે. જેમાંથી ડિગ્રી એન્જિનિયરિંગ વિદ્યાશાખાની 15 સંસ્થાની 1295 સીટ્સ, ડિપ્લોમા એન્જિનિયરિંગની 18 સંસ્થામાં 3300, ફાર્મસીની 1 કોલેજની 60 સીટ્સ તથા એમબીએ અને એમસીએની અનુક્રમે 3 અને 1 સંસ્થાની કુલ 60, 60 સીટ્સમાં ધટાડો કરવામાં આવ્યો છે. આમ, તમામ વિદ્યાશાખાની મળીને કુલ 38 સંસ્થાની 4775 સીટ્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જીટીયુ દ્વારા આ બાબતની જાણ એસીપીસીને પણ કરવામાં આવી છે. આ ઉપરાંત એકેડમિક ઈન્સ્પેક્શનમાં જીટીયુનાં ધારાધોરણો પર ખરી ના ઊતરેલી ડિપ્લોમા એન્જિનિયરિંગની 4 અને ડિગ્રી એન્જિનિયરિંગની 5 કોલેજ મળી કુલ 9 કોલેજને જીટીયુ દ્વારા નો-એડમિશન ઝોનમાં મૂકવામાં આવી છે.

Most Popular

To Top