Business

ગાય, ભેંસો, પશુઓનું ઓનલાઇન ટ્રેડિંગ: કંપનીઓ બજારમાં આવી ગઇ છે

વર્ષ ૧૯૬૭ માં સૌરાષ્ટ્રના અમારા ગામમાં એક પશુ સંમેલન યોજાયું હતું. સરકાર દ્વારા આયોજન થયું હતું તેથી સંમેલન નામ આપ્યું હશે. તેમાં સ્થાનિક લોકોએ પોતપોતાના તંદુરસ્ત પશુઓને પ્રદર્શનમાં મૂકયા. વેચવા – લેવા માટે નહીં પરંતુ પશુઓના આરોગ્ય સંબંધમાં એ મેળાવડો યોજાયો હતો. ગાય, ભેંસ, પાડા, ઘોડા, બકરાં તો સ્થાનિક લોકોએ જન્મબાદ આંખ ખુલતાંની સાથે જોયા હોય છે, પરંતુ મેળામાં એક હુષ્ટપુષ્ટ ગોરો અંગ્રેજ આવ્યો હતો. પશુઓને બદલે એ અંગ્રેજને જોવા લોકો ઉમટી પડયા હતા. એ અગાઉ ગામના લોકોએ ભાગ્યે જ કોઇ યુરોપીઅનને જોયો હશે. એ બિચારો પશુઓ સાથેની માખીઓથી કંટાળી ગયો હતો.

ત્યારથી માંડીને આજ સુધીમાં પશુસંવર્ધન અને તેની બજારમાં ઘણા નાટયાત્મક પરિવર્તનો આવ્યા છે. મેળાઓ તો લે-વેચ કાજે સદીઓથી યોજાતાં આવ્યા છે. રાજસ્થાન અને કચ્છમાં ઊંટની ખરીદી માટે, ગધેડા અને ઘોડાની ખરીદી-વેચાણ માટે અનેક દિવસો સુધી ચાલતા અનેક મોટા મેળાઓ યોજાય છે. હરિયાણા, પંજાબ, ગુજરાતમાં ગાયો, ભેંસો અને બળદોના મેળાં યોજાય છે. હરિયાણામાં કોઇ ભેંસ અને બુલપાડાની કિંમત કરોડોમાં બોલાય છે. કિંમત લખવામાં સ્થાનિક અખબારોના પત્રકારો અમુક ટકા અતિશયોકિત પણ કરે.

એકંદરે સારી નસ્લના પશુઓની ઊંચી કિંમત ઊપજે છે. એ ખાસ ઘોડાથી કે પાડાથી તેની કિંમત જેટલી આવક મળવાની ન હોય, પરંતુ એવી આશાથી ખરીદવામાં આવશે કે એ પશુ વડે મોટી સંખ્યામાં ઉત્તમ વંશના પશુઓ ઊછેરી શકાશે. ઘણા પશુપાલક અમુક રકમ લઇને નર ઘોડા, નર પાડા, નર આખલાના વિર્યદાનની સેવા પણ આપે. અમુક લોકો તો એ કામ થકી જ નિર્વાહ ચલાવતા. સાત આઠ ફૂટ ઊંચા ઘોડા પર સવાર થઇને એ ગામે ગામ ફરે. જેને જરૂર હોય એ એને અને એના અશ્વને સેવા માટે રોકે.

આજે બધું બદલાઇ ગયું છે તો આ ક્ષેત્ર કેમ બાકી રહે? સરકારી પશુ દવાખાનાંઓમાં શ્રેષ્ઠ અને પુરવાર થયેલી ઓલાદનું કૃત્રિમ વિર્ય દાન મેળવી શકાય છે. હવે પશુ મેળાઓની પણ જરૂર પડવાની નથી. જયાં સુધી ટેકનોલોજીથી અજ્ઞાત પ્રજા હશે ત્યાં સુધી, અર્થાત હજી થોડાં વરસ મેળા ચાલશે. ટેકનોલોજી હવે ગ્રામીણ પ્રજા શીખી પણ રહી છે. ગામમાં બે ચાર ભણેલા હોય છે જે ટેકનોલોજીમાં ગ્રામીણોની મદદ કરે છે.

અનેક ગામો અને જિલ્લાઓ વચ્ચે પશુઓનો ભૌતિક મેળો યોજવામાં સમય, શકિત, નાણાંનો દુર્વ્યય થાય છે. પશુઓને અનેક દિવસો અને રાત ચલાવીને મેળાના સ્થળ સુધી લઇ જવા પડે. ત્યાં ઘાસચારો ખરીદવો પડે, પાણીની વ્યવસ્થા કરવી પડે. પશુપાલકે પણ ત્રાસદી ઊઠાવવી પડે, જોકે તેની એને ટેવ હોય છે. ઘણીવાર મજબૂરીમાં પશુ ઓછી કિંમતે વેચી નાંખવા પડે. વરસમાં અમુક દિવસમાં જ તે કામ થાય. અન્ય દિવસોમાં નાણાંની જરૂર પડે તો પશુ ગીરવે રાખે અથવા જે કોઇ સસ્તામાં માગે તેને વેચી દે.

હવેની ટેકનલોજી આવી બધી જફા દૂર કરવા આવી પહોંચી છે. કોર્પોરેટ જગતમાં કેટલીક સ્ટાર્ટ-અપ કંપનીઓ શરૂ થઇ છે જે પશુપાલકો વતી પશુઓ વેચી આપવાનું કામ કરે છે. આ ટેકનોલોજીમાં ઘણા ફાયદા છે. એક તો એ કે પાલકને જોઇતું હોય એવું પશુ એના પોતાના બઝેટમાં મળી રહે છે. વળી તેમાં કોઇ વચેટિયો દલાલ હોતો નથી. તે રકમ બચી જાય છે. ઉપરાંત પોતાના એરિયાની આસપાસના ઇલાકામાંથી મળી રહે છે. તેથી તેના ટ્રાન્સપોર્ટેશન અથવા લાવવા લઇ જવાનો મોટો ખર્ચ થતો નથી. નજીકના એરિયામાં હોવાથી ખરીદનાર એ સ્થળની રૂબરૂ  મુલાકાત લઇ શકે અને પસંદ પડે તો ખરીદી કરે. આ પધ્ધતિ ઓએલએકસ પર સામાન વેચવા જેવી છે.

ભારતમાં અમુક કેટલ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ અસ્તિત્વમાં આવી રહ્યાં છે. તેમાંનું એક ‘એનિમોલ’ છે. બીજું એક ‘પશુશાલા’ છે. મોલ અને એનિમલ પરથી ‘એનીમોલ’ નામ રાખ્યું છે. મહારાષ્ટ્રના એક ખેડૂતને ગાય જોઇતી હતી. એનિમોલ પર તે રૂપિયા ૪૫ (પિસતાલીસ) હજાર પર ઉપલબ્ધ હતી. વળી વેચનારનું ઠેકાણું માત્ર વીસ કિલોમિટર દૂર હતું. ખરીદનારે દલાલને દસ હજાર રૂપિયા ચૂકવવા પડયા હોત ને બચી ગયા. વેચનારે પણ દલાલને અમુક રકમ ચૂકવવી પડી હોત.

ભારતમાં સાડા સાત કરોડ પશુપાલકો વીસ કરોડ ગાય અને દસ કરોડ ભેંસોનું પાલન કરે છે. ભારતનો ડેરી ઉદ્યોગ અઢારસો અબજ (1800 અબજ રૂપિયા) નો છે. જે લોકો અને કિસાનો ઘર વપરાશ માટે પશુપાલન કરે છે તેનું પ્રમાણ અલગ. દુનિયામાં જેટલું દૂધ પેદા થાય છે તેમાંનું વીસ ટકા અર્થાત પાંચમા ભાગનું દૂધ એકલું ભારત પેદા કરે છે. જોકે આ આંકડાઓથી ગર્વ થાય પણ ભારતમાં આજે દૂધના ધંધામાં બેરોકટોક સરકારી માણસ અને નેતાઓની મદદ વડે બેઇમાની થાય છે. ગુજરાતના કોંગ્રેસના નેતાના આક્ષેપ પ્રમાણે ગુજરાતમાં રોજના ત્રીસ લાખ લીટર નકલી દૂધ તૈયાર થાય છે અને ભાજપના નેતાઓ તે ધંધામાં સામેલ છે.

વાત સાવ સાચી નહીં હોય તો ખોટી પણ નથી કારણકે વિધાનસભામાં ગુજરાત સરકારે જે જવાબ આપ્યો તે ભ્રમિત કરી મૂકે તેવો છે. જવાબ અપાયો કે નકલી દૂધ ભલે વેચાતું પણ તે આરોગ્યને નુકશાન કરતું નથી. ભલા માણસો, રસાયણો, કલીનરો, રંગ, પાઉડર વગેરેથી બનાવેલું દૂધ નુકશાન ન કરે તો શું કરે? અને નુકશાન ન કરે તો શું તેને દૂધ કહેવાય? વળી બધી નહીં તો અમુક મોટી ડેરીઓ, ટેન્કરો, રીક્ષાઓ વગેરેથી તેની હેરફેર થાય છે તો સરકારના અધિકારીઓ તેને અટકાવી કેમ શકતા નથી? આવું દૂધ પીવાથી કુપોષણ ન થાય તો શું પોષણ થાય! એમ તો મગફળીયના ફોફાં (ખોખાં) ખાવાથી આરોગ્યને નુકશાન નથી થતું. તો શું ફોફાંને સમતોલ આહાર ગણાવવો અને શ્વેત ક્રાન્તિના ગુણગાન ગાવા? ગાયો અને ભેંસોના દૂધમાં કેન્સરકાર ઓકસીટોસીન (ઇન્જેકશનો વાટે) બેહદ માત્રામાં છે. એવી શ્વેત ક્રાન્તિ કરતાં તો દૂધ ન પીવું જ બહેતર છે. તો વિજ્ઞાનની આ એક વરવી દેન છે અથવા લાલચુ માણસોએ ગરીબો અને મિડીલ કલાસ લોકોના ભોગે એ આશીર્વાદ મેળવ્યા છે.

અમુક બાબતમાં અતિશય ખરાબ બની રહ્યું છે તો અમુક બાબતમાં આવકારદાયક બની રહ્યું છે અને તે માટે આપણે પશુઓના ઓનલાઇન ટ્રેડિંગની વાત પર પાછા ફરીએ. છેલ્લાં થોડાં વરસોમાં ઘણી ઓનલાઇન ટ્રેડિંગ સ્ટાર્ટ-અપ કંપનીઓ શરૂ થઇ છે. આ કંપનીઓ પ્રમાણમાં હળવી રકમની ફી તેમ જ પશુઓને લગતી અન્ય ઓનલાઇન સેવાઓ આપીને કમાણી કરે છે. ઓનલાઇન દવા અને પશુ ડોકટરની વ્યવસ્થા કરી આપે છે.

પશુને વધુ તંદુરસ્ત બનાવવા માટેની સલાહ આપે. જરૂર પડે ત્યારે નજીકના પશુ ડોકટરની એપોઇન્ટમેન્ટ અને વિઝિટની વ્યવસ્થા કરી આપે. એનીમોલ કંપનીનો દાવો છે કે 2019 માં કંપનીની શરૂઆત કર્યા બાદ કંપની મારફતે લગભગ 184 (એકસો ચોર્યાસી) કરોડ રૂપિયાના સોદા થયા છે.  આ પ્રકારના ઓનલાઇન ટ્રેડિંઆગની સૌથી પ્રથમ શરૂઆત વરસ 2018 માં ગૌરવ ચૌધરી નામના વેપારી સાહસિકે ‘પશુશાલા’ ના નામથી કરી હતી. એમનું કહેવું છે કે પશુઓની ખરીદી અને વેચાણની પ્રવૃત્તિઓમાં એ વધુને વધુ લોકશાહી આણવા માગે છે.

પશુમેળામાં પાલક પશુ વેચે ત્યારે રોકડ રકમ પોતાના ગામે લઇ જવામાં જોખમ હોય છે. રાજસ્થાનના  રણ વિસ્તારમાં લૂંટારાઓ લૂંટી જાય. ત્યાં સુધી કે પશુઓને લાવતી કે લઇ જતી વખતે અને મેળાના મેદાનમાંથી રાત્રે ચોરાઇ જાય. ઓનલાઇન ટ્રેડિંગ આ બધી ઝંઝટો અને જોખમોમાંથી મુકિત અપાવે છે. પૈસા તુરંત ઓનલાઇન ખાતામાં ટ્રાન્સફર થઇ જાય છે. ગામડાનાં લોકોને હજી આ સુવિધા ઉપલબ્ધ હોતી નથી. પરંતુ નજીકના એરિયામાં પશુની ખરીદી અને વેચાણ થતા હોવાથી રોકડ રકમ લાવવા લઇ જવાનું જોખમ ખૂબ ઘટી જાય છે.

પશુ મેળાઓમાં અમુક છેતરપીંડીઓ થાય છે તેમ ઓનલાઇન પણ થઇ શકે છે. જેમ કે બિમાર કે દૂબળા પશુઓને સ્ટેરોઇડસના ડોઝ, ઇન્જેકશનો આપીને કૃત્રિમ રીતે તગડાં અને તંદુરસ્ત દેખાડાય છે. ઘણી ગાયોને ટીબી કે અન્ય બિમારીઓ વળગી હોય છે. તેઓના શીંગડાં ઘસી ઘસીને ચકચકિત કરાય. આથી બન્ને પધ્ધતિમાં પશુ ખરીદતી વેળાએ ખરીદનારે સાવધ તો રહેવું પડે. બહેતર એ કે ઓળખીતા પશુચિકિત્સકને સાથે રાખી પશુના લોહીનો રિપોર્ટ મેળવી લેવો. તેમ છતાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર આ પ્રકારની છેતરપીંડીઓની સંભાવના ઘણી ઓછી રહે છે.

પશુશાલા અને એનીમોલના સંચાલકોના દાવા પ્રમાણે તેઓ સ્થાનિક પશુ તબીબ પાસેથી પશુના આરોગ્યની તપાસ કરાવી લે છે અને પ્રમાણપત્ર કે મંજૂરી મળે પછી જ તેને ઓનલાઇન વેચાણ માટે મૂકે છે. વેચનારે જે તે પશુને લગતી વિડિયો અને તસવીરો અપલોડ કરવાની રહે છે. ગાય અથવા ભેંસે અગાઉ કેટલી વખત બચ્ચા જણ્યા (વેતર) કે તેની અને પશુની ઉંમર વિષેની માહિતી જણાવવી પડે છે. ગાય કે ભેંસ કઇ નસ્લની છે તે જણાવવું પડે. જેમ કે ગાય ગોંડલની કે વઢિયારી નસ્લની છે, ભેંસ જાફરાબાદ કે અન્ય નસ્લની છે, કેટલું દૂધ આપે છે? બે જન્મ વચ્ચે કેટલો  સમય વસુકી ગયેલી રહે છે વગેરે માહિતી પ્લેટફોર્મને પૂરી પાડવી પડે છે.

ત્યારબાદ કંપનીની એક ટીમ એ પશુપાલકને ત્યાં રૂબરૂ પહોંચે છે અને પાલક દ્વારા જે વિગતો પૂરી પડાઇ હોય તેની ચકાસણી કરે છે. ગાયના આંચળ અને આઉંની કલોઝ અપ તસવીર મહત્વની ગણાય છે. ઘણા વેચનારા ઇન્ટરનેટમાં અન્યત્ર ઉઠાવેલી તસવીરો રજૂ કરે છે તે બધી દૂર કરાય છે. પશુના સ્વભાવ અને વૃત્તિ અંગે માલિક પાસેથી અભિપ્રાય લેવાય છે અને પશુચિકિત્સક પણ પોતાની રીતે તપાસ કરે છે. આ બધી ઝંઝટો કંપનીઓ પ્રમાણમાં સસ્તા દામમાં કરી આપતી હોય તો ભરવાડાના દીકરાઓએ ભણવાનો આગ્રહ તો રાખવો જ પડશે.

Most Popular

To Top