Columns

એક બપોરે

એક બપોરે કામકાજથી પરવારીને બે ત્રણ બહેનપણીઓ એક ઘરની ગેલેરીમાં બેસીને હાથમાં ઠંડા લીંબુ શરબતનો ગ્લાસ લઈને શરબત પીતાં પીતાં પોતાના મનનો બળાપો કાઢી રહી હતી.રીનાએ કહ્યું, ‘આ ગરમીએ તો માઝા મૂકી છે..રસોડામાં ગેસ પાસે ઉભા રહીને રસોઈ કરી શકાતી નથી કાશ રસોઈ કરવાવાળા બહેન હું રાખી શકું પણ આપણને એટલા ખર્ચા પોસાય નહિ..’ બધા હસ્યા..ટીનાએ કહ્યું, ‘હું તો રોટલી પંખો ચાલુ રાખીને બનવું છું…પણ હા આ સ્કુટી પર હવે બહાર જવાતું નથી.

કાશ એ.સી ગાડી હોત તો સારું થાત.’મીના બોલી, ‘મને તો બપોરે પણ સુવા માટે એ.સી ચાલુ જ જોઈએ નહિ તો ઊંઘ નથી આવતી..કાશ સેન્ટ્રલી એ.સી ઘર હોત તો સારું થાત.’આવી નાની મોટી વાતોમાં કાશ ચાલુ હતું.રીનાએ કહ્યું, ‘રોજ રાતે અમે ગોળા ખાવા જઈએ પણ એમ થાય છે કે પંદર દિવસ કોઈ હિલસ્ટેશન પર વિતાવીએ તો કેવી મજા પડે.’ બધી બહેનપણીઓ જીવનમાં સારી રીતે રહેતી હતી પણ વાતોમાં અસંતોષ છલકતો હતો બધી વાતોમાં એવો સુર હતો કે આ તો છે પણ જો આ મળી જાય તો સારું….ભર બપોરે ..ઠંડા શરબત સાથે બહેનપણીઓ મનનો અસંતોષ એકબીજાને કહેતી હતી..ત્યાં નીચે રસ્તા પર એક મજુર તૂટેલા ચંપલ અને ખુલ્લા શરીરે હાથગાડી પર માલ ખેચીને લઇ જવાની મજુરી કરી રહ્યો હતો…તેના મનમાં હતું બસ આ માલ પહોંચાડી દઉં અને એક ગ્લાસ પાણી મળી જાય તો સારું.

બારના પર ડોરબેલ વાગી કુરિયર આપવા એક છોકરો પરસેવે રેબઝેબ હતો.રીનાએ દરવાજો ખોલ્યો.કુરિયર લીધું અને પેલા છોકરાને પૂછ્યું , ‘પાણી આપું ??’છોકરાએ, ‘થેન્કયુ કહેતા હા પાડી અને બે ગ્લાસ ઠંડું પાણી પી ને રાહત મેળવી.’તે જતા જતા વિચારતો હતો, ‘કાશ, આ બધી આંટીની જેમ બપોરે ઘરમાં બેસી મજા કરી શકતો હોત.’ વાત એક બપોરની પણ બધાની સ્થિતિ જુદી ..મનની સ્થિતિ જુદી …વિચારો જુદા…પણ એક વસ્તુ ‘કાશ’બઢના મનમાં …..કારણ જેને જે મળ્યું છે તે બધાને જ ઓછું લાગે છે…બધાના મનમાં દુઃખ છે કે જે મળ્યું તે આટલું જ કેમ મળ્યું…પણ કોઈ એમ નથી વિચારતું કે મને જેટલું મળ્યું છે તે બીજા કેટલા લોકોમળ્યું છે.મારી પાસે જે છે કે મને જે પ્રાપ્ત છે તેટલું પણ ઘણા લોકો પાસે નથી. આપણે લોકો સદા જે મળ્યું છે તેનો આનંદ માણવા કરતા જે નથી તેનો વિચાર વધારે કરીએ છીએ.બીજાના સુખના સાધનો આપણાથી વધારે જોઇને કારણ વિના દુઃખી થઇ જઈએ છીએ.એમ નથી વિચારતા કે જે આપણી પાસે છે તે પણ ઘણા પાસે નથી.જે છે તેનો સ્વીકાર કરી આનંદ માણો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top