Charchapatra

‘સમલૈંગિક લગ્ન?’

લગ્ન એટલે જોડવું. એકબીજાને બાંધવું. વર-વધૂનાં લગ્ન થાય અને તે બંને શારીરિક તથા માનસિક રીતે એકબીજાના સહિયર થાય, પતિ પત્નીના સગપણના અધિકારથી શારીરિક સંબંધ ધરાવવા યુકત બને છે. તે શાસ્ત્રસંમત અને પ્રજાહિતવર્ધક છે. સમલૈંગિક લગ્ન આ શબ્દ પ્રયોગ વાંચીને આશ્ચર્ય સાથે માણસ કેટલો દીન વિચાર કરી શકે છે એનો પણ પરિચય મળે છે. સુપ્રીમ કોર્ટે આના પર આપવાનો ચુકાદો અનામત રાખીને માનવસમાજને દુર્ઘટનાથી બચાવ્યું છે.

સંસદ પણ આ વિષય પર મત પ્રતિપાદન કરે એવી સ્થિતિ નથી. કારણ સમલૈંગિક લગ્ન અવાસ્તવિક, અવિચારી અને અભદ્ર વિચારધારાનો મલિન પ્રવાહ છે. સૃષ્ટિનિર્માણથી આજ સુધી એવો હીન, ગૈર અને ગલિચ્છ વિચાર કોઇ પણ જગ્યાએ પ્રગટ થયો નથી. વર પોતાની પત્ની અવસાન પામ્યા પછી બીજું લગ્ન કરી શકે કે વધૂ પણ પોતાનો પતિ સ્વર્ગસ્થ થયા પછી બીજું લગ્ન કરે છે. તે સમાજમાન્ય અને શાસ્ત્રસંમત છે. પણ સમલૈંગિક લગ્નનું ઉદાહરણ કસ્સે મળ્યું નથી. આ કેવળ દુર્વિચાર, દુર્બુધ્ધિ અને દુસ્સાહસનો પ્રયોગ છે.

નિસર્ગના પશુ પક્ષી પ્રાણીઓમાં પણ એને ગલિચ્છ પ્રકૃતિ વિરોધી ક્રિયા નથી તેઓ પણ ઇશ્વરીય નિયમના વિરુધ્ધ જતા નથી. સ્ત્રી પુરુષમાં લિંગભેદના કારણે બંનેમાં નૈસર્ગિક આકર્ષણ છે. પ્રેમ છે. લાગણી છે, અંત:કરણમાં એકત્વની ભાવના છે. સમલૈંગિક લગ્નમાં આ એકત્વ ભાવના નિર્માણ થવાની શકયતા જ નથી. સમલૈંગિક બંને માટે આ લગ્નવિધિ નુકસાનકારક, ઘાતક અને સમાજવિદ્રોહી છે. જે ખરો બુધ્ધિશાળી પ્રાકૃતિક સંસ્કારી માનવી છે તેનામાં આવા કુટિલ ઘાતક વિચાર કદી ન આવે.
સુરત     – બાળકૃષ્ણ વડનેરે- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

કર્ણાટક પરિણામ પરિવર્તનની શરૂઆત?
ગતરોજ કર્ણાટક રાજયનાં પરિણામ આવ્યાં અને કોંગ્રેસના જીવમાં જીવ આવ્યો.આ પરિણામ સમગ્ર દેશનાં લોકો માટે એક સંદેશો છે.જો ભાજપની જીત થઇ હોત તો બે ત્રણ દિવસ સુધી દરેક જગ્યાએ આ પરિણામની જ વાતો થતી હોત. અંધભકતો,ચાટુકારો એકદમ જ ચૂપ થઈ ગયા છે.આ પરિણામ કોંગ્રેસ માટે તો મહત્ત્વનાં છે જ, પરંતુ ગુજરાતીઓ માટે વધુ મહત્ત્વનાં છે.દિલ્હી,પંજાબ, રાજસ્થાન અને હવે કર્ણાટક અને હવે તો આ યાદી લાંબી થતી જાય છે. સાહેબનો જાદુ ઓસરી રહ્યો છે કે પછી લોકો જાગૃત થઈ રહ્યાં છે.

બીજા રાજયના લોકો ભ્રષ્ટાચાર કે ખોટા વાયદા કે પછી ધાર્મિક મુદ્દે છેતરાઈ નથી જતાં એવું આ પરિણામથી જાણવા મળે છે.આપણે તો તમામ પ્રકારની તકલીફ હોવા છતાં આવું વિચારી પણ ન શકીએ. ૧૮૨ માંથી ૧૮૨ અને ૨૬ માંથી ૨૬ પછી હું કોણ ને તમે કોણ? ૨૫ વર્ષથી એક જ પક્ષને અને ૨૦ વર્ષથી એક જ વ્યકિતની અંધભકિતથી હજુ આપણે ધરાયા નથી.નવાઇની વાત તો એ છે કે કોંગ્રેસ એક પરિવારની વાત માને તો પરિવારવાદ અને અંધભકતો એક વ્યકિતની હા માં હા કરે તો રાષ્ટ્રવાદ. કર્ણાટક રાજ્યના પરિણામ જેને જાગવું છે તેના માટે દિશાસૂચક છે.
સુરત     – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top