Vadodara

ઓમિક્રોન BA.5 વાઇરસનો કેસ વડોદરામાં મળી આવ્યો

વડોદરા : કોરોનાની ત્રીજી લહેરે વિદાય લીધી છે. પરંતુ હજુ તેના નવા વેરિયન્ટ ક્યાંકને ક્યાંક દેખા દઇ રહ્યા છે. ત્યારે ગત 1 મેના રોજ સાઉથ આફ્રિકાથી વડોદરા આવેલા 29 વર્ષના યુવકને કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેથી તેને ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો અને 9 મેના રોજ તેનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી થોડા દિવસ બાદ તે સાઉથ આફ્રિકા પરત પણ ફર્યો હતો. કોરોના પોઝિટિવ યુવકના સેમ્પલને વધુ તપાસ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જેના જિનોમ સિક્વન્સિંગમાં યુવક ઓમિક્રોન BA.5 પેટા પ્રકારથી સંક્રમિત થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ સેમ્પલને વધુ તપાસ માટે હૈદરાબાદ ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે.

 ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકાના યુવકના સંપર્કમાં આવેલા કોઇને પણ કોરોનાના લક્ષણો જણાયા નથી. સંક્રમિત યુવકને પણ તાવ, ઠંડી લાગવી, ખાસી, શરદી જેવા લક્ષણો જોવા મળ્યા હતા. પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ શાહે વધુમાં જણાવ્યું કે પાલિકા તંત્ર દ્વારા યુવકના સંપર્કમાં આવેલા તેને માતા પિતા સહિતનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. જોકે કોઇનામાં કોરોનાના લક્ષણો જણાયા નથી. આમ, ઓમિક્રોન BA.5 પેટા પ્રકારના વેરીયન્ટ અહિં ફેલાયો નહિ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. સાઉથ આફ્રિકામાં એપ્રીલ માસની શરૂઆતમાં રોજના 300 કેસો નોંધાતા હતા. જે 22,મે સુધી રોજના 8000 કેસો થયા છે. તેની પાછળ આ પેટા વેરીયન્ટ જવાબદાર છે. આ બતાવે છે કે તે કેટલો ઘાતક છે. ઓમિક્રોન BA. 5 પેટા પ્રકારના વેરીયન્ટના લક્ષણોમાં તાવ, ઠંડી લાગવી, ખાંસી, શરદી, શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે. આ લક્ષણો સામાન્ય ફ્લુના દર્દીઓમાં પણ જોવા મળે છે. લોકોએ આ પ્રકારની સ્થિતિમાં જાતે દવા લઇને સારવાર લેવા કરતા ફેમીલી ફિઝીશીયનની સલાહ લેવી જોઇએ. જેને કારણે જો કોરોના હોય તો તેને ફેલાતો અટકાવી શકાય અને તેને કારણે થતી અસરોને સત્વરે ટાળી શકાય.

Most Popular

To Top