National

બાલાસોર ટ્રેન દુર્ધટના મામલે CBIએ કરી 3 રેલવે કર્મચારીઓની ધરપકડ

ઓડિશા: ઓડિશાના (Odisha) બાલાસોરમાં (Balasore) બનેલા ટ્રેન અકસ્માત (train accident) પછી તેની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી હતી. CBIએ તપાસ દરમ્યાન ત્રણ રેલવેના કર્મચારીઓની ધરપકડ કરી છે. બાલાસોર ટ્રેન અકસ્માતમાં સીબીઆઈએ 7 જુલાઈ શુક્રવારના રોજ જે 3 રેલવે કર્મચારીઓની ધરપકડ કરી છે તેમાંથી બે કર્માચારી સેક્શન એન્જિનિયર (Section Engineer) તરીકે અને એક ટેકનિશિયન (technician) તરીકે દુર્ઘટના સમયે કામ કરી રહ્યા હતા.

  • CBIએ તપાસ દરમ્યાન ત્રણ રેલવેના કર્મચારીઓની ધરપકડ કરી
  • બે કર્માચારી સેક્શન એન્જિનિયર તરીકે અને એક ટેકનિશિયન તરીકે દુર્ઘટના સમયે કામ કરી રહ્યા હતા

માહિતી અનુસાર સીબીઆઈએ બાલાસોરમાં તૈનાત સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મહંતો, સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીની IPCની કલમ 304 (બિનઈરાદા પૂર્વકની હત્યા) અને 201 (પુરાવાઓનો નાશ કરવો) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

રેલવેએ તપાસ માટે એક સમિતિની રચના કરી હતી
ઓડિશામાં બનેલી આ ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ રેલવેએ તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. આ સાથે આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. રેલવે દ્વારા રચના કરેલી તપાસ સમિતિનું કહેવું છે કે આ અકસ્માતનું મુખ્ય કારણ ખોટા સિગ્નલિંગ હતું. તાજેતરમાં રેલવે સેફ્ટી કમિશનરે રેલવે પ્રશાસનને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આમાં ભારતીય રેલ્વેના સિગ્નલિંગ અને ટેલિકોમ વિભાગમાં અનેક સ્તરે ક્ષતિઓને જવાબદાર ગણવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નોર્થ સિગ્નલ ગુમતી ખાતે કરવામાં આવેલા સિગ્નલિંગ-સર્કિટ-ફેરફાર અને સ્ટેશનના ગેટ નંબર 94 પર લેવલ ક્રોસિંગ માટે ઇલેક્ટ્રિક લિફ્ટિંગ બેરિયરને બદલવા સંબંધિત સિગ્નલિંગ કામમાં ખામી સર્જાઈ હતી.

ટ્રેન દુર્ઘટનામાં કુલ 292 મુસાફરોના મોત થયા હતા
જણાવી દઈએ કે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 2 જૂનના રોજ ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા માર્કેટ પાસે એક સ્થિર માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી. જેના મોટાભાગના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા તે જ સમયે પસાર થતી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસના કેટલાક પાછળના ડબ્બા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં 292 લોકો માર્યા ગયા હતા અને 1,000 થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા.

Most Popular

To Top