Dakshin Gujarat

વ્યારા: બસ અને હાઇવા વચ્ચે અકસ્માત, ડ્રાઇવર ટ્રકની કેબિનમાં દબાઇ જતાં ભારે જહેમત બાદ કઢાયો

વ્યારા: (Vyara) વ્યારાના ટીચકપુરા પાસે પેસેન્જરોને લેવા માટે ઊભી રહેલી બસને (Bus) પૂરપાટ ઝડપે આવતા હાઇવા ટ્રકે ધડાકાભેર અકસ્માત કર્યો હતો, જેમાં ટ્રક અને બસ બંનેને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં (Accident) ટ્રક (Truck) ડ્રાઇવર અને એક મહિલા સહિત બે પેસેન્જર (Pessangers) ઘવાયા હતા. જો કે, કોઇ જાનહાનિ ન થતાં પેસેન્જરોએ રાહત અનુભવી હતી.

  • વ્યારાના ટીચકપુરા પાસે બસ અને હાઇવા વચ્ચે અકસ્માત, ટ્રક ડ્રાઇવર સહિત ત્રણ ઘવાયા
  • મુસાફરોને લેવા ઊભેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારી હતી, જાનહાનિ ન થતાં તંત્રને રાહત

વ્યારાના ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતા બારડોલીથી સોનગઢ તરફ જતા ને.હા.નં.૫૩ ઉપર તા.૦૭/૦૭/૨૦૨૩ના રોજ ઇન્ડિયન પેટ્રોલ પમ્પ સામે હાઇવા ટ્રક નં.(જીજે ૧૬ એવી ૭૬૬૬)ના ચાલક રમેશ બટુ યાદવે પાર્ક કરેલી બારડોલી ડેપોની બસ નં.(જીજે ૧૮ ઝેડ ૬૬૪૪)ના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી. આ બસમાં ૧૫ જેટલા પેસેન્જર બેઠા હતા. આ અકસ્માતમાં હાઇવા ટ્રકની ટક્કરથી બસ રોડ નીચે ઊતરી ગઈ હતી. એક પેસેન્જરને માથાના ભાગે ઇજા થઈ હતી. ટ્રક ડ્રાઇવર ટ્રકની કેબિનના આગળના ભાગે દબાઇ ગયો હતો. જેને રાહદારીઓએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. તેને આ અકસ્માતમાં ડાબા હાથે કોણીએ ઇજા થઈ હતી.

ટ્રક ડ્રાઇવર રમેશ યાદવ અને રાકેશ વાલાભાઇ પારઘી (હાલ રહે.,રેલવે સ્ટેશન નજીક, વ્યારા)ને તાત્કાલિક એમ્બ્યુલન્સ ૧૦૮ની મદદથી જનરલ હોસ્પિટલ, વ્યારા ખસેડાયા હતા. જ્યારે અન્ય એક ઘવાયેલી મહિલાને ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. અન્ય પેસેન્જરોને બીજી બસમાં બેસાડી રવાના કરાયા હતા. બસ ડ્રાઇવર પ્રદીપ હરિ પટેલ (ઉં.વ.૪૮) (રહે.,પલસાણા, મંછાદેવી મંદિર નજીક, જિ.સુરત)ની ફરિયાદના આધારે પોલીસે હાઇવા ટ્રકના ચાલક રમેશ યાદવ (રહે., હજીરા માતા ફળિયું, સુરત, મૂળ રહે.,ઝારખંડ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આમોદથી આછોડ જતા માર્ગ પર હિટ એન્ડ રન: કાર ચાલક ટુ-વ્હીલરને ટક્કર મારી ફરાર
ભરૂચ: આમોદથી આછોડ જતા માર્ગ ઉપર આવેલ પુલ નજીક કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર ઇસમને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આમોદ તાલુકાના રોંધ ગામના ભુપેન્દ્ર દેસાઈ પટેલ તેમજ આમોદ ખાતે રહેતા તેમના મિત્ર રણછોડ શનાભાઈ રાઠોડ જેઓ મોટરસાયકલ લઈને આછોદ ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન આછોડ પુલ નજીક GJ-16-CH-6236 નંબરની કારના ચાલકે મોટર સાઇકલને પાછળથી ટક્કર મારીને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

અકસ્માતને પગલે બંને મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત બંને મિત્રોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદ વડે આમોદ સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાંથી વધુ સારવાર અર્થે તેઓને વડોદરાની બેંકર્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે આમોદ પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top