Dakshin Gujarat

કીમ: વિધવા ભાભી સાથેના આડા સંબંધના વહેમમાં લાકડાના ફટકા મારી યુવકની હત્યા

કીમ ટાઉન: (Kim) કીમના મુળદ તળાવ ફળિયામાં ભાભી સાથેના આડા સંબંધના વહેમમાં લાકડાના ફટકા મારી યુવકની હત્યા (Murder) કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસે હુમલો કરનાર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • મુળદમાં ભાભી સાથેના આડા સંબંધના વહેમમાં લાકડાના ફટકા મારી યુવાનની હત્યા
  • અલ્પેશ વસાવાને માથામાં ફટકા મારતાં સારવાર માટે ખસેડાયો હતો
  • હુમલો કરનારા દોલત રાઠોડ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો

ગત તા.2/7/2023ના રોજ મુળદના તળાવ ફળિયામાં રહેતા દોલત બાબુ રાઠોડે રાત્રિના નવેક વાગે પોતાના ઘરની સામે જ મુળદના જ રાજીવનગરના રહીશ અલ્પેશ વસંત વસાવા (ઉં.વ.28)ને ‘તું મરણ પામેલા મારા ભાઈની પત્ની સાથે આડો સંબંધ રાખે છે અને હવે તું મારી સાળીનું ગામના ગુલાબ ઉર્ફે ગુલા જોડે લફરું ચાલે છે તેમ ખોટી વાત કેમ બધાને જણાવે છે?’ તેમ કહી બોલાચાલી ઝઘડો કરી દોલત રાઠોડે તેના હાથમાંના લાકડાના ફટકા વડે અલ્પેશ પર હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી.

આથી સારવાર અર્થે કીમની હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાંના હાજર ડોક્ટરે માથામાં ગંભીર ઇજા હોવાથી સારવાર માટે સુરત હોસ્પિટલ લઇ જવું પડશે તેમ જણાવ્યું હતું. અલ્પેશના પરિવાર પાસે વધુ સારવાર માટે પૈસા ના હોવાથી ગામના આગેવાનોએ દોલત રાઠોડ જોડે સમાધાનની વાતમાં સારવારનો તમામ ખર્ચ આપવાનું કહેતાં તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. બાદ તા.3/7/2023ના રોજ અલ્પેશને સુરત નવી સિવિલ હોસ્પિલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં તા.5/7/2023ના રોજ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેથી મરણ જનાર અલ્પેશના નાનાભાઈ સુનીલે કીમ પોલીસ સ્ટેશનમાં દોલત રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપી દોલત રાઠોડની ધરપકડ કરી હતી.

Most Popular

To Top