Gujarat

માત્ર મૌખિક દાવાથી કોઈ ભાડુઆત બની શકે નહીં: ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ગુજરાત હાઇકોર્ટે મકાનના કબજાના વિવાદમાં એક મહત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર મૌખિક દાવાના આધારે કોઈ વ્યક્તિ મકાનનો ભાડુઆત કે કાયદેસર કબજેદાર બની શકતો નથી. જો કોઈ વ્યક્તિને મર્યાદિત સમય માટે રહેવાની મંજૂરી આપવામાં આવી હોય, તો તે સમય પૂર્ણ થયા બાદ મકાનનો કબજો પરત આપવો ફરજિયાત છે. આ સમગ્ર મામલો અમદાવાદના મોટેરા વિસ્તારનો છે. અહીં રહેતા યશવંતસિંહ રાઠોડે પોતાના નજીકના સગા સવાઈસિંહ દેવીસિંહ ચૌહાણને તેમની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે પોતાનું મકાન રહેવા માટે આપ્યું હતું. બંને પક્ષો વચ્ચે 26 ડિસેમ્બર 2005ના રોજ લેખિત કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર મુજબ સગાને માત્ર બે વર્ષ માટે મકાનમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી અને તેના બદલામાં કોઈ ભાડું પણ લેવામાં આવ્યું નહોતું. જોકે, બે વર્ષની મુદત પૂર્ણ થયા બાદ પણ સવાઈસિંહે મકાન ખાલી કરવાનો ઇન્કાર કર્યો હતો. એટલું જ નહીં, તેમણે પોતે ભાડુઆત હોવાનો દાવો કરીને નીચલી કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો. જોકે, આ દાવામાં તેમને કોઈ સફળતા મળી નહોતી.

ત્યારબાદ મકાનમાલિકે ગાંધીનગરની સિવિલ કોર્ટમાં મકાનનો કબજો પરત મેળવવા માટે દાવો દાખલ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે મકાનમાલિકના પક્ષમાં ચુકાદો આપતાં સવાઈસિંહને મકાનનો શાંત અને પ્રત્યક્ષ કબજો માલિકને પરત સોંપવાનો આદેશ કર્યો હતો. આ નિર્ણય સામે સવાઈસિંહે ગુજરાત હાઇકોર્ટમાં પ્રથમ અપીલ કરી હતી. પરંતુ જસ્ટિસ જે.સી. દોશીએ ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો અને અપીલ ફગાવી દીધી. કોર્ટે સગાને તાત્કાલિક મકાન ખાલી કરીને માલિકને કબજો સોંપવાનો આદેશ કર્યો હતો. ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કહ્યું કે માત્ર મૌખિક રીતે પોતાને ભાડુઆત ગણાવવાથી કોઈ કાયદેસર હક મળતો નથી. ભાડુઆત તરીકેનો અધિકાર સાબિત કરવા માટે દસ્તાવેજી પુરાવા જરૂરી છે. મૌખિક નિવેદનના આધારે કોઈ વ્યક્તિને ભાડુઆત તરીકે માન્યતા આપી શકાય નહીં.

હાઇકોર્ટે વધુમાં નોંધ્યું કે વિવાદિત મકાનનું બાંધકામ વર્ષ 2004માં પૂર્ણ થયું હતું. તેથી ગુજરાત રેન્ટ એક્ટની જોગવાઈઓ આ મિલકત પર લાગુ પડતી નથી. આવા કેસમાં પક્ષકારો વચ્ચેનો વિવાદ કરાર અને મિલકત હસ્તાંતરણ સંબંધિત કાયદા મુજબ નક્કી કરવામાં આવે છે. કોર્ટે એ પણ જણાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિને મર્યાદિત સમય માટે ‘લીવ એન્ડ લાઇસન્સ’ના આધારે રહેવાની મંજૂરી આપવામાં આવે છે, ત્યારે તે સમય પૂર્ણ થયા બાદ મકાનમાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર રહેતો નથી. કરાર પૂરો થયા પછી પણ કબજો જાળવી રાખવો ગેરકાયદેસર ગણાય છે. ચુકાદામાં કોર્ટે માલિકીની બાબત પર પણ મહત્વનું અવલોકન કર્યું છે. કોર્ટે કહ્યું કે એક વખત મિલકતનો માલિકી હક સાબિત થઈ જાય પછી કબજો જાળવી રાખવાનો હક દર્શાવવાની જવાબદારી કબજો ધરાવતી વ્યક્તિની રહે છે. તેના માટે પૂરતા દસ્તાવેજી પુરાવા રજૂ કરવા જરૂરી છે.

હાઇકોર્ટે માલિકની સદ્ભાવના અંગે પણ મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ સગાપણું કે માનવતાના ધોરણે કોઈને રહેવા માટે મકાન આપે તો તેનો અર્થ એવો નથી કે સામેવાળી વ્યક્તિ કાયમી હકનો દાવો કરી શકે. માલિકની સદ્ભાવનાનો દુરુપયોગ કરીને મિલકત પર કબજો જાળવી રાખી શકાય નહીં. કોર્ટે સવાઈસિંહને કોઈ રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. સાથે જ ટ્રાયલ કોર્ટના આદેશમાં આંશિક ફેરફાર કરીને તેમને 23 ડિસેમ્બર 2011થી લઈને મકાનનો કબજો પરત સોંપે ત્યાં સુધી દર મહિને રૂ. 5 હજારનું વળતર મકાનમાલિકને ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો માત્ર આ કેસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યમાં મકાનના કબજાના વિવાદોમાં પણ મહત્વપૂર્ણ માર્ગદર્શક બની શકે છે. આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે મર્યાદિત સમય માટે આપવામાં આવેલી રહેવાની મંજૂરીને કાયમી માલિકી કે ભાડુઆતના હકમાં ફેરવી શકાય નહીં અને કરાર પૂર્ણ થયા બાદ મિલકતનો કબજો માલિકને પરત આપવો જ પડે.

Most Popular

To Top