National

નાણામંત્રી નિર્મલા સીતારમણની તબિયત લથડી, AIIMSમાં દાખલ

નવી દિલ્હી: (New Delhi) નાણામંત્રી નિર્મલા સીતારમણની (Finance Minister Nirmala sitaraman) તબિયત લથડી છે. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ તેમને એઈમ્સમાં (AIIMS) દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 63 વર્ષીય સીતારમણને હોસ્પિટલના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તેમની સમસ્યા શું છે તેના વિશે વધુ માહિતી બહાર આવી નથી. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને રૂટીન ચેકઅપ માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ-એઈમ્સના પ્રાઈવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ 25 ડિસેમ્બરે દિલ્હીમાં તેમની સમાધિ ‘સદૈવ અટલ’ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે તાજેતરમાં તમિલનાડુની એક યુનિવર્સિટીમાં એક દીક્ષાંત સમારોહમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારત હવે વિશ્વની ફાર્મસી તરીકે ઉભરી આવ્યું છે. કારણ કે દેશ પોષણક્ષમ કિંમતે વિશ્વ કક્ષાની દવાનું ઉત્પાદન કરે છે. સંસદના શિયાળુ સત્રની સાથે-સાથે તેમની હાલની સક્રિયતા સાથે તેમના અચાનક હોસ્પિટલમાં દાખલ થવાથી સૌને આશ્ચર્ય થયું છે.

આ પહેલાં પણ નાણામંત્રીની ભાષણ આપતી વખતે તબિયત બગડી હતી. નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2020 ના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળના બીજા બજેટની રજૂઆત દરમિયાન બિમાર પડ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ એટલું લાંબુ હતું કે તેઓ નાદુરસ્ત તબિયતના કારણે તેમનું આખું ભાષણ વાંચી શક્યા ન હતા. સંસદમાં લગભગ સાડા ત્રણ કલાક (160 મિનિટ) સુધી સતત ભાષણ આપ્યા બાદ તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી જેના કારણે તેઓ પોતાનું આખું બજેટ ભાષણ પણ વાંચી શક્યા ન હતા.

Most Popular

To Top