National

ભાજપના અગ્રણીની સચિન GIDC ખાતેની આ કંપનીને NGTએ 1.83 કરોડનો દંડ ફટકાર્યો, મીંઢોળા નદીમાં ઝેરી કેમિકલ વેસ્ટ છોડવામાં આવતું હતું

સુરત: (Surat) સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) આવેલી પારસ એન્ટરપ્રાઇઝને (Paras Enterprise) ઝેરી કેમિકલયુક્ત ગંદુ પાણી વગર પ્રક્રિયાએ સીધેસીધું મીંઢોળા નદીમાં છોડવા અને પ્રદૂષણ ફેલાવવા સામેના કેસમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (National Green Tribunal) દ્વારા પર્યાવરણને થયેલા નુકસાન બદલ રૂપિયા 1,83,75000 રૂપિયાનું વળતર સરકારને ચૂકવવા કંપનીને આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રને કંપની પાસે આ દંડની રકમ 12 સપ્તાહમાં વસૂલવા તથા કંપની દ્વારા સમયમર્યાદામાં દંડ ભરવામાં નહીં આવે તો કંપની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા આદેશ NGT દ્વારા આપવામાં આવ્યો છે.

સચીન જીઆઇડીસી સુરત ખાતે પ્લોટ નં 447 રોડ નં 4 પર આવેલી મેસર્સ પારસ એન્ટરપ્રાઇઝ દ્વારા સરકારી ધારાધોરણો અનુસાર નક્કી થયેલી શુદ્ધિકરણની પ્રક્રિયા વગર જ ઝેરી કેમિકલયુક્ત ગંદુ પાણી મીંઢોળા નદીમાં સીધેસીધું નાખવામાં આવી રહ્યું હતું. છેલ્લાં 4 વર્ષથી આ કંપનીએ કંપની ચલાવવા માટે જરૂરી કોઈ પણ મંજૂરીઓ લીધી નહોતી. પર્યાવરણીય સંમતિપત્રક EC અને CTO (Consent to operate) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તથા અન્ય સંબંધિત વિભાગો પાસે કોઈ મંજૂરી લીધી નહોતી. કંપની દ્વારા તમામ ઉત્પાદન કામગીરી જરૂરી મંજૂરીઓ મેળવ્યા વિના જ કરવામાં આવી રહી હતી. ગઈ તા. 30/08/2019 ના રોજ કંપની દ્વારા ઝેરી કેમિકલયુક્ત ગંદુ પાણી સીઇટીપીની (CETP) મેમ્બરશીપ લીધા વિના સીધેસીધું મીંઢોળા નદીમાં છોડવામાં આવી રહ્યું હતું ત્યારે ફરિયાદને આધારે તપાસ કરાતા કંપની રંગેહાથ ઝડપાઇ ગઇ હતી. જે માટે જીપીસીબીએ 5 લાખ રૂપિયાનો દંડ અને 2 લાખની બેન્ક ગેરંટી જપ્ત કરી હતી. જે દંડ વૈજ્ઞાનિક આધારો વગરનો અને મનસ્વી હોઈ તે દંડની રકમ સામે “કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરીવર્તન ટ્રસ્ટ” દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વાંધો લીધો હતો અને દંડની રકમની વૈજ્ઞાનિક ગણતરી કરવા રજૂઆત કરી હતી. જે બાબતે કોઈ કાર્યવાહી જીપીસીબી એ નહીં કરતા અને કંપનીએ પોતાની ફેક્ટરી બંધ કરી તોડી પાડી લઇ જતા કંપની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવા રજુઆતો કરવામાં આવી હતી. જેને ધ્યાને નહીં લેવાતા તારીખ 03/07/2020 ના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં “કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ” દ્વારા કેસ નંબર OA 32/2020 (WZ) જીપીસીબી અને કંપની વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો.

ચકચારી કેસમાં ક્યારે શુ થયું?

જિલ્લા કલેક્ટર સુરત, ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટીના પર્યાવરણીય ઇજનેર અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સાયન્ટિસ્ટની નિમણૂંક કરવામાં આવી હતી. આ જોઇન્ટ કમિટી દ્વારા તા 4-9-2020 ના રોજ મીંઢોળા નદી કે જ્યાં પારસ એન્ટરપ્રાઇઝ દ્વારા કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ થયો હતો અને પ્રદૂષણ થયું હતું તેની સ્થળ તપાસ કરી કેમિકલયુક્ત પાણીથી મીંઢોળા ખાડીના પર્યાવરણને થયેલ નુકસાનનું મૂલ્યાંકન કરી દંડ રૂપિયા 2,73,75000/- વસુલવા અભિપ્રાય આપ્યો હતો. 2-12-2021ના રોજ મે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસની સુનાવણીમાં આ રીપોર્ટ રજુ થયો હતો અને તેના પર ચર્ચા વિચારણા કરી કોર્ટે 12,500 પ્રતિદિન લેખે 1470 દિવસના કૂલ રૂપિયા 1,83,75,000/- નો પર્યાવરણીય નુકસાન પેટેનો દંડ પારસ એન્ટરપ્રાઈઝના માલિકો પાસેથી 12 અઠવાડિયામાં વસુલ કરવા આદેશ આપ્યો છે.

જીઆઇડીસીના સીઈટીપીની મંજૂરી વિના કંપની ચાલતી હોવાનો નોટિફાઇડ તંત્રનો રિપોર્ટ ભારે પડ્યો

સચિન જીઆઈડીસીમાં ચીફ નોટિફાઇડ ઓથોરિટીઇ, સીઇટીપી ઓથોરિટી અને જીપીસીબીની મંજૂરી વિના પારસ એન્ટરપ્રાઇઝ ભાજપના અગ્રણી સત્તાના મદમાં છડેચોક ચલાવી કેમિકલયુક્ત ગંદુ પાણી મીંઢોળા નદીમાં છોડી રહ્યાં હતાં. આ મામલામાં જીપીસીબીને ફરિયાદ થયા પછી મામલો એનજીટીમાં જતા સચિન જીઆઇડીસીના ચીફ નોટિફાઇડ ઓફિસરે કંપની જીઆઇડીસીના જીપીસીબી અને સીઇટીપી મેનેજમેન્ટની મંજૂરી વિના ગેરકાયદે ચાલતી હોવાનો રિપોર્ટ એનજીટીમાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટ ભાજપના આગેવાનની કંપનીને ભારે પડ્યો હતો.

Most Popular

To Top