Comments

ગુજરાતની નવી સરકાર, નવા મંત્રીઓ, ઉત્સાહ નવો, ફરિયાદો જૂની

નવા નાકે દિવાળીની ઉજવણી જેવો માહોલ ગુજરાતની નવી સરકારને માટે પ્રવર્તી રહ્યો છે. નવી સરકારના નવા મંત્રીઓના ભાગે 15 મહિનાની 20-20 મેચ રમવાનો વારો આવેલો છે. ભાજપ મોવડીમંડળ એટલે કે નરેન્દ્ર મોદીએ તેમના પર ભરચક ભરોસો મૂકી દીધો હોઇ એમનામાં નવો ઉત્સાહ-નવો ઉમંગ પ્રવર્તી રહ્યો છે.પોણા ચાર વર્ષની જૂની સરકાર કરતાં આ નવી સરકાર અસરકારક અને વધુ લોકોપયોગી કામો કરી રહી હોવાની છાપ ઊભી કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. નવા મંત્રીઓનો નવો ઉત્સાહ ક્યારેક પક્ષીય શિસ્તનો ઉંબરો પણ ઓળંગી રહ્યાનું પણ લાગી રહ્યું છે.

ભાજપની જૂની રૂપાણી સરકાર અને ભાજપની જ નવી ભૂપેન્દ્ર પટેલ સરકારને માટે જાણે એકબીજા કરતાં ઊંચા દેખાડવાની જાણે પ્રોક્સી હોડ જામી છે. તેમાં કોઠી ધોઇને જાણે કાદવ કાઢવામાં આવી રહ્યો હોય એવા સિનારિયા પણ થઇ રહ્યા છે. હમણાં અમરેલીના ભાજપના સાંસદ નારણભાઇ કાછડિયાએ એવો બળાપો ઠાલવ્યો કે માજી નાયબ મુખ્યમંત્રી અમને કલાકો સુધી વેઇટિંગમાં બેસાડી રાખતા, અમારી સામું પણ જોતા નહીં.

જૂની રૂપાણી સરકારના કારભાર સામે ભાજપનાં આંતરિક વર્તુળોમાં ખાસ્સો કચવાટ પ્રવર્તી રહ્યો હોવાની આ ઘટના ગવાહી પૂરે છે, જેના મૂળમાં પેલા સવાલનો જવાબ છે કે રૂપાણી સરકાર અને એના આખેઆખા મંત્રીમંડળને એકાએક શા માટે બદલી નાખવામાં આવ્યું? ભાજપમાં આંતરિક ટાંટિયાખેંચ વધી ગઇ હતી. ભ્રષ્ટાચાર બેકાબૂ બનવા બેઠો હતો. અધિકારીરાજ વધુ વકર્યું હતું. પાર્ટીના કાર્યકરોને અવગણવામાં આવતા હોવાના અને તોછડાઇથી વર્તન થતું હોવાના પણ આક્ષેપો થયા છે.

તેમાં નવી સરકારના કેટલાક મંત્રીઓ પણ જૂની સરકારની છબી ખરડાયેલી હોવાના હોંકારા ભણી રહ્યા છે. નવા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ક્રીઝની બહાર નીકળીને પોલ ખોલી છે કે અગાઉના મંત્રીઓ તો ધારાસભ્યોને ચેમ્બરની બહાર બેસાડી રાખતા હતા. ભૂતકાળમાં આ જ ભાજપના ધારાસભ્યોમાં વકરેલા અસંતોષને પગલે કેશુબાપાની સરકાર સામે ખજુરાહો કાંડના નામે અતિ જાણીતો બળવો થયો હતો. પરંતુ ભાજપની નેતાગીરી જૂની સરકારના મંત્રીઓના કહેવાતાં વર્તનો થકી પાર્ટીને વધુ ડેમેજ ન થાય એટલે જ સફાળી જાગી ગઇ ને બધ્ધેબધ્ધાને બદલી નાખ્યા.

નવી સરકારે એટલે જ ધારાસભ્યોને સાચવવાનું શરૂ કર્યું છે. આનું બ્રહ્મજ્ઞાન ભૂપેન્દ્ર પટેલની સરકારને પારણામાંથી જ લાધી ગયું છે ને એટલે ગાંધીનગરમાં સચિવાલયના દરવાજા મુલાકાતીઓ માટે ઉઘાડા કરી નાખ્યા છે. લોકોનાં ટોળેટોળાં રોજ મંત્રીઓને મળવા જઇ રહ્યાં છે. લોકપ્રિયતા જાળવવાનો સરસ રસ્તો ભૂપેન્દ્ર પટેલની સરકારે શોધી કાઢ્યો છે. સરકારે લોકોને ગમે તેવાં એટલે કે પોપ્યુલર સ્ટેપ્સ લેવા માંડ્યાં છે.તાજેતરના ભારે વરસાદમાં અસર પામેલાં લોકોને મકાન, ઘરવખરી, મૃત્યુ સહાય વગેરેના દરમાં સીધો મોટો વધારો કરી દઇને પીડિતોની સિમ્પથી લેવાના પ્રયાસો આદર્યા છે. નવી સરકારની સામે થોડા વખતમાં ઝાઝું કરી દેખાડવાનો પડકાર છે.

મુખ્યમંત્રીએ મંત્રીઓને અઠવાડિયાના દર સોમ-મંગળ-બુધવારે ઓફિસમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે. સાંસદો-ધારાસભ્યોનું અપમાન ન કરવાની અને એમને ઓફિસની બહાર ન બેસાડી રાખવાની તાકીદ પણ કરી છે. માર્ગમકાન મંત્રી પૂર્ણેશ મોદીએ તો ભંગાર અને તૂટેલા રસ્તાના રિપેરીંગ માટે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે, જેથી લોકો સીધા જ ફરિયાદો કરી શકે. આ તો નવી શરૂઆત છે, હજુ ઘણું કરવું પડવાનું છે, કારણ કે ભાજપને માટે વિરોધપક્ષોનો પડકાર ગુજરાતમાં ને તેનો અહેસાસ પ્રજાને થાય કે ન થાય, સત્તાધારી ભાજપને તો થઇ ચૂક્યો છે. લોકોને જો ફાયદો થશે તો નવી સરકાર વખણાશે, નહીં તો ઠેરના ઠેર.

સવાલ એટલે એ થાય છે કે નવી સરકાર આવી પરંતુ પ્રજાની સમસ્યાઓ કેટલી ઉકેલાઇ? કરવેરા રાજ ઘટ્યું? લોકોને જાતભાતના પ્રકારે જે દંડ કરાય છે, તેમાં કંઇ રાહત થઇ? મોંઘવારી ઓછી થઇ? નવી સરકારના મંત્રી ભલે સરેરાશ ઓછું ભણેલા કે ગુનાઇત ભૂતકાળ ધરાવતા ભલે હોય, પણ તેઓ પ્રજાનાં કામો કરવામાં લાગી ગયા છે. હવે સવાલ પ્રયત્નોને પરિણામમાં પરિવર્તિત કરવાનો છે. વળી આ બધું સુખદ રીતે થવું જોઇશે, એવું નહીં થાય તો બરોડા ડેરીમાં જે બન્યું એવું બીજે બધે પણ બનવા બેસશે. પ્રદેશ પ્રમુખ દંડો પછાડે એટલે ઉભરેલો અસંતોષ શાંત થઇ જાય એ સ્થિતિ જોખમી ને સ્ફોટક છે.

પાર્ટીના કાર્યકર્તાઓને લાંબા સમય સુધી દબાણ, નિયમો, આચારસંહિતા, કડકાઇ કે જોહુકમી તળે વધુ સમય રાખવા જોખમી છે. નવી સરકાર આ બાબત જેટલી જલદી સમજી જશે, એટલી શાંતિથી એ રાજ કરી શકશે. બાકી પ્રજા પાસે વિકલ્પ જ ક્યાં છે? આમઆદમી પાર્ટી પર હજુ એકદમ ભરોસો પડતો નથી ને કોંગ્રેસ હજુ આંતરિક ગરબડોમાંથી બહાર આવી શકતી નથી. સૌ કોંગ્રેસીજનોએ એક થઇને મુદ્દા આધારિત લડાઇ વડે વિપક્ષની ભૂમિકા ભજવવી જોઇએ, તેને બદલે પેલા પોલિટિકલ પંડિત પ્રશાંતકિશોરને ગુજરાતમાં લાવવાની કેટલાક કોંગ્રેસીજનોને ઉતાવળ ચડેલી છે. પરંતુ મોદીની પોપ્યુલારિટી જોતાં ગુજરાતમાં કોઇનો ગજ વાગે એમ લાગતું નથી.
સુકુમાર નાણાવટી
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top