National

G-20: વિવિધ દેશોના સરકારી વડાઓની પત્નીઓ માટે જયપુર હાઉસમાં ખાસ ભોજન સમારંભ યોજાશે

નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં યોજાનાર જી૨૦ (G-20) સમિટમાં ભાગ લેવા આવનાર વિવિધ દેશોની સરકારોના વડાઓના જીવનસાથી માટે આ મેગા ઇવેન્ટમાં ભોજનની ભરમાર હશે. વડાઓની પત્નીઓ માટે ઇવેન્ટની સાઇડલાઇન પર સુપ્રસિદ્ધ જયપુર હાઉસમાં (Jaipur House) એક ખાસ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમિટ ૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાનાર છે તેની સાઇડ લાઇન પર આ ભોજન સમારંભ યોજાશે. સમિટમાં ભાગ લેવા આવનારા સરકારી વડાઓના પત્ની/પતિઓ માટે આ ખાસ ભોજન સમારંભ યોજાશે જેમાં જાડા ધાન્ય આધારિત સ્વાદિષ્ટ વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જી૨૦ સમિટના મોટા ભાગના સભ્ય દેશોની સરકારોના વડાઓ પુરુષો છે. આ સરકારી વડાઓના જીવનસાથીઓ માટે યોજાનાર ભોજન સમારંભ દિલ્હીના જાણીતા જયપુર હાઉસ ખાતે યોજાનાર છે જેમાં નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટનો પણ સમાવેશ થાય છે જે ગેલેરીમાં ચિત્રો, શિલ્પો, ફોટોગ્રાફ્સ સહિતની વિવિધ આધુનિક કલાકૃતિઓનો મોટો સંગ્રહ છે. આ ગેલેરીનું ઉઘઘાટન ૨૯ માર્ચ, ૧૯પ૪ના રોજ તે સમયના ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને કર્યું હતું.

વિશ્વ નેતાઓને સ્ટ્રીટ ફૂડ અને મિલેટ્સ સહિત સ્વાદિષ્ટ વ્યંજનો પીરસવાનું આયોજન
નવી દિલ્હી, તા. ૩(પીટીઆઇ): અમેરિકી પ્રમુખ જો બાઇડન અને અન્ય વિશ્વ નેતાઓ જી૨૦ સમિટમાં ભાગ લેવા આવે ત્યારે તેમને ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવા માટેનું આયોજન થઇ રહ્યું જે જેમાં તેમને મોઢામાં પાણી લાવે તેવું ભારતીય સ્ટ્રીટ ફૂડ જેમાં દિલ્હીના ચાંદની ચોકની પ્રખ્યાત સ્વાદિષ્ટ વાનગીઓનો પણ સમાવેશ થાય છે તે પીરસવાની યોજના છે આ ઉપરાંત જાડા ધાન્યોમાંથી બનાવવામાં આવેલ નવીનતમ પ્રકારની વાનગીઓ પીરસવાનું પણ આયોજન છે.

જી૨૦ ઇન્ડિયાના ખાસ સચિવ મુકતેશ પરદેશીએ પીટીઆઇને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેટલીક નવીનતમ બાબતો ભોજનની બાબતમાં અજમાવાઇ રહી છે જેમાં સ્ટ્રીટ ફૂડ અને સ્થાનિક તથા પ્રદેશિક વાનગીઓ આ ભોજનમાં ઉમેરવાની યોજના છે. તમામ પાસાઓ ધ્યાનમાં રાખીને રસોઇયાઓ અત્યારથી જ મેનુને આખરી ઓપ આપવા માટે કામે લાગી ગયા છે. દિલ્હી અને ખાસ કરીને તેનો ચાંદની ચોક વિસ્તાર તેના સ્ટ્રીટ ફૂડ માટે ખૂબ જાણીતો છે તેથી આવી વાનગીઓ નેતાઓના ભોજન સમારંભોમાં શામેલ કરવાની યોજના છે. જ્યાં આ વિશ્વ નેતાઓ ઉતરવાના છે તે હોટેલો પણ નવીન પ્રકારની મિલેટ(જાડા ધાન્ય)ની વાનગીઓનું આયોજન કરવામાં એક બીજા સાથે સ્પર્ધા કરી રહી છે એમ તેમણે જણાવ્યું હતું. પરદેશીએ જણાવ્યું હતું કે ૧૦૦૦૦ કરતા વધુ ડેલિગેટો આ સમિટ માટે દિલ્હી આવે તેવી શક્યતા છે.

Most Popular

To Top