Columns

નવરાત્રિ-યુવાન હૈયાંઓનો ફેવરીટ ફેસ્ટીવલ…

મહિસાસુરે એક ભૂલ કરી, ભારે ભૂલ. એમાં એનો સર્વનાશ હતો. હેમગિરિ પર ભારે તપ કરીને એણે એ અધિકાર મેળવ્યો હતો, માંગવું હતું તો અમરત્વ પણ એ વરદાન તે વખતે ભંડારમાં ન હોવાથી થોડી યુક્તિ કરવી પડી. એણે વિચાર કર્યો સ્ત્રીઓથી શું બીવાનું? જોખમ હોય તો પુરુષો તરફથી હશે એટલે બ્રહ્માજીની પાસે જઈને એણે વરાદાન માંગ્યું કે – ‘કોઈ પુરુષના હાથે મારું મૃત્યુ ન થાય.’ વરદાન પર ‘તથાસ્તુ’ની મહોર તો વાગી અને ખરેખર કોઈ પુરુષની શક્તિ તેની આગળ ન ચાલી પણ મૂર્તિમંત સ્ત્રીશક્તિએ એનો વધ કર્યો. એ દૈવી શક્તિ કોણ?

એ સંહારની નહિ, નિર્માણની છે, એ નાશની નહિ, પેદાશની છે. એ નાશ કરે તો શેનો? આસુરી શક્તિનો, અમંગળ તત્ત્વોનો નાશ કરે, કષ્ટદાયક મહિસાસુરનો નાશ કરે અને જેનું દૈવી સ્વરૂપ એ શક્તિ છે એ સ્ત્રીત્વ, એ સ્ત્રીજાત, એ નારીનો અવતાર પણ મંગળ સર્જક છે. શક્તિ શબ્દ ‘શક’ ધાતુ પરથી બન્યો છે. જેનો અર્થ થાય છે ઈષ્ટ કાર્યમાં સિધ્ધિ આપનાર. નવરાત્રિ એટલે શક્તિ ઉપાસનાનું પર્વ. ગુજરાતમાં ‘ગરબો’ એ શક્તિ ઉપાસનાનું પ્રતીક છે. યુવાનો અને યુવતીઓ માટે તો નાચવા-કૂદવાનું અને ઘૂમવાનું, થનગનાટનું પર્વ. તમને તોફાને ચઢાવે તેવા નવતર થનગનાટ સાથે હૈયું હિલ્લોળે ચઢ્યું છે. નવરાત્રિનો માહોલ બરાબર જામ્યો છે. યુવાન હૈયાંઓનો ફેવરીટ ફેસ્ટીવલ, સંગીત નૃત્ય અને ગમતા મિત્રોનો સાથ અને મસ્તીભરી માઝમ રાત… પછી પૂછવું જ શું? યૌવનને પાંખ ન આવે તો જ નવાઈ! આપણું યુવાધન આ દિવસોમાં ફૂલગુલાબી બની જાય છે.

પણ આ નવલા નોરતાંએ ભલભલાની ઊંઘ ઉડાડી દીધી છે. ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને રમે છે. તેને માટે આ ઉજાગરા મીઠા લાગે છે પણ યુવાન સંતાનો જ્યાં સુધી ઘરે સહીસલામત પાછાં ન આવે ત્યાં સુધી મા-બાપની નીંદર વેરણ થાય છે, આંખ ઊંઘવાનું ભૂલી જાય છે, પેટનાં છોરુની પીડા બહુ દોહ્યલી હોય છે. જોઈએ એમની વ્યથા…! મીતાબેન ખુલ્લી આંખે પથારીમાં પાસાં ફેરવતાં હતાં. ઘડિયાળમાં બેના ટકોરા થયા, સ્વીટી હમણાં આવશે, હમણાં આવશે એમ વિચાર કરતાં બેઠાં થઈ ગયાં, આંટા મારવા લાગ્યા-છેવટે કંટાળી તેમણે સ્વીટીની ફ્રેન્ડ અનેરીને ત્યાં ફોન કર્યો. તે પણ સાથે ગઈ હતી. અનેરીની મમ્મીએ તરત જ ફોન લીધો. ‘જરૂર આ પણ મારી જેમ જાગતાં જ લાગે છે. જુવાન દીકરીની ‘મા’ને ચેન ક્યાંથી હોય? ને તે પણ આ જમાનામાં? મીતાબેનને કેટલાય વિચારો આવી ગયા, સામેથી ‘હેલો’ બોલતાં મીતાબેને પૂછ્યું-’અનેરી આવી ગઈ? હું સ્વીટીની મમ્મી બોલું-’

 ‘ના રે ના, હજુ ક્યાં આવી છે? મારી તો ઊંઘ હરામ થઈ ગઈ છે’ મીતાબેને ફોન મૂકી દીધો. સ્વીટીને મોબાઈલ કર્યો પણ ડાંડિયાની રમઝટમાં સાંભળે કોણ? ચિંતામાં બીજું કરે પણ શું? મીતાબેન હાથમાં માળા લઈ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યાં. નવરાત્રિ શરૂ થયે આજે છ દિવસ થયા. રોજ અડધી રાત સુધી સ્વીટી મિત્રો સાથે ગરબા ગાવા જતી. તેઓ મૂકી પણ જતાં પણ રખે ને દીકરી કંઈ ઊંધુંચત્તું કરે તો? એ બીકે બધી છોકરીઓની મમ્મી આમ જ રાત વિતાવતી. ઘડિયાળમાં ત્રણ વાગ્યા ને બહાર ગાડીનો અવાજ આવ્યો. મીતાબેનને હાશ થઈ, દીકરી આવી તો ગઈ. બારણું ખોલ્યું. સામે મમ્મીને જોઈ સ્વીટી બબડી.

‘‘મમ્મી તું હજી જાગે છે? એવી ખોટી ચિંતા કરવાની કંઈ જરૂર?’’ પણ મીતાબેન એક પણ શબ્દ બોલ્યાં નહિ. સ્વીટીએ ઉપર રૂમમાં જઈ ધડામ કરી બારણું બંધ કરી દીધું. મીતાબેનને થયું ‘સવારે વાત’ એમ વિચારી તેઓ પણ સૂઈ ગયાં. સવારે અગિયાર વાગ્યા તો પણ સ્વીટીની આંખ ઊઘડી નહિ. સ્વીટીના પપ્પા અકળાયા. આ કેવી છોકરી છે?  જાઓ ઉપર જઈને એને ઉઠાડો. મીતાબેને ખૂબ બારણાં ઠોક્યાં, મોબાઈલની સ્વીચ ઓફ. ગુસ્સો કરતી ઊઠી, જમી કરીને પાછી ઉપર જતી હતી ને મીતાબેને એને રોકી અને કહ્યું- ‘‘બેસ, મારે તને કંઈ કહેવું છે. જો બેટા, તું આમ દરરોજ બે- ત્રણ વાગે આવે એ અમને ગમતું નથી. અમને બહુ જ ફિકર થાય છે.’’ ‘એમાં ચિંતા શી કરવાની? તું ખોટી કચકચ કરે છે. આ બધા મિત્રો સારા ઘરના છે.’ ‘તે હશે પણ દરરોજ કેવા બનાવો બને છે? જોતી નથી? લોકોને મોઢે પણ થોડાં તાળાં મરાય છે? લોકોમાં વાતો થાય, તારી છાપ ખરાબ પડે તો તને પરણાવતાં મારો દમ નીકળી જશે.’

‘કરવા દો વાત અહીં કોને પડી છે? હું લોકોથી ડરતી નથી.’ આજના છોકરાંઓને માબાપની કોઈ આમન્યા નથી.  તેમાં નવરાત્રિમાં તો આવાં અનેક દૂષણો છે. આરાધના કરતાં વિરાધના વધુ છે. એક તો ઘોંઘાટનું પ્રદર્શન, યુવક અને યુવતીઓની મસ્તી આ દિવસમાં સોળે કળાએ ખીલી ઊઠે છે. વિજાતીય સંબંધો બંધાઈ જાય તેવું વાતાવરણ હોય. રાત્રિના એકાંતમાં ઘડીક એકબીજાનું સાંનિધ્ય માણવા મથતાં તેઓ ક્યારેક આવેશ અને મસ્તીમાં ભાન ભૂલી બેસે છે ત્યારે નવરાત્રિનો રંગ સમસ્યારૂપ બની જાય છે.

હવે નવરાત્રિ સીધીસાદી નથી- ખર્ચાળ બનતી જાય છે. ફેશનેબલ દેખાવું સૌને ગમે- તેની પાછળ બ્યૂટી પાર્લરના ખર્ચા- નવી ફેશનનાં કપડાં-યુવતીઓને પણ મોંઘાદાટ નવાં નવાં ચણિયાચોળી, રમવા માટે મોંઘીદાટ કલબની કે પાર્ટી પ્લોટની ટિકિટો. એ આકર્ષણ ટાળવું કેવી રીતે? જ્યારે બધાં જ ગરબા રમવા જતાં હોય ત્યારે પૈસા નથી તો નથી જવું કે એકાદ દિવસ જ જવું એમ વિચારીને આ ઉંમરે ઘરે બેસી રહેવું મુશ્કેલ છે. તેથી યુવાનો કંઈક ખોટું કરે છે. મિત્રો પાસેથી એડજસ્ટ કરે છે અથવા પેરન્ટસ પાસે જીદ કરે છે.

નવરાત્રિ દરમિયાન અનેક પેરન્ટ્સ સંતાનો વચ્ચે ઝઘડા થતાં જોયા છે. મા-બાપ ટેન્શનમાં જોયાં છે પણ નવરાત્રિ દરમિયાન યુવાનોમાં ‘ડગલું ભર્યું કે ના હઠવું’ જેવું જોમ આવે છે. તેથી ઘૂંટણિયે મા-બાપે જ પડવું પડે છે. પીછેહઠ એમણે જ કરવી પડે છે. ઉપાય એક જ- આપણાં બાળકોને આત્મરક્ષણ અને સંયમના પાઠ શીખવાડીએ. ખાસ કરીને યુવતીઓએ, માતાઓએ સાચી શક્તિ સ્વરૂપ બનવાની તાતી જરૂર છે. તો જ નવરાત્રિનું સાચું માહાત્મ્ય જળવાશે અને ગરબાની પવિત્રતા પણ અખંડ રહેશે. ઉત્સવને વિકૃતિઓથી બચાવવાની આપણી સૌની ફરજ છે.

તો વાચકમિત્રો! મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની- આ ત્રણ શક્તિની ઉપાસના અતિ પ્રાચીનકાળથી થતી આવી છે. એમાં ત્રિગુણાત્મિકા પરામ્બાની ઉપાસના છે. નવરાત્રિ પૂરી થતાં જ વિજયાદશમી આવે છે. આ પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ છે. એ દિવસે મહાકાલીએ મહિસાસુરનો વધ કર્યો હતો અને શ્રીરામે રાવણનો. રાવણનાં દસ મસ્તક કાપવામાં આવ્યાં હતાં તેથી દસહરા કહેવાયા. નવરાત્રિમાં માતૃશક્તિની આરાધના છે તો દશેરામાં શૌર્યની સાધના છે. નવરાત્રિ અને દશહરા ભક્તિ અને શક્તિનું સંગમસ્થાન છે.

બૂરાઈ પર ભલાઈના વિજયનો ઉત્સવ છે પણ ક્યારેય તમે વિચાર્યું છે કે, આપણે કાગળના-લાકડીના બનેલા રાવણને તો મારી નાંખીએ છીએ પણ પોતાની અંદર રહેલા રાવણને ક્યારેય મારતા નથી. આપણી ભીતર અહંકાર અને બૂરી આદતો નામનો દસ માથાવાળો રાવણ છે. આ દસ માથા- વાસના, ક્રોધ, મોહ, લોભ, મદ, ઈર્ષા, સ્વાર્થ, અન્યાયીપણું, ઘાતકીપણું અને અહંકાર. આ દસ માથાનો વધ – એટલે આપણી અંદરના રાવણનો વધ. જો આપણે આપણી અંદરના રાવણને મારીશું તો જ આપણી બૂરી આદતોને ત્યાગીને સારી આદતોને અપનાવી શકીશું. નાની નાની બૂરાઈઓને ખતમ કરી નાંખશો તો તમને લાગશે કે તમે એક નવા જીવનમાં પ્રવેશ કરી રહ્યા છો. તહેવારની ઉજવણી જરૂર કરીએ પણ તેના હાર્દને આત્મસાત્ કરીએ! – સૌને નવરાત્રિ અને દશહરાની ખૂબ ખૂબ શુભેચ્છા.

Most Popular

To Top