National

નાગપુરમાં બર્ડ ફ્લૂએ હાહાકાર મચાવ્યો, 8000 થી વધુ મરઘીઓના મોત, 16000 ઈંડા નષ્ટ કરાયા

નાગપુર: (Nagpur) મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુર સ્થિત પ્રાદેશિક હેચરી સેન્ટરના પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂનો (Bird Flu) પ્રકોપ ફેલાઈ ગયો છે. છેલ્લા બે દિવસથી સેંકડો મરઘીઓ મરી રહી છે. મળતી માહિતી મુજબ ગઈકાલ સુધીમાં 8501 મરઘીઓના મોત થયા છે અને લગભગ 16000 ઈંડા નાશ પામ્યા છે. ત્યારથી વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. મરઘીઓને અચાનક મરતી જોઈને એનિમલ વેલફેર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બીમાર મરઘીઓના સેમ્પલ પુણે અને પછી ભોપાલની ઉચ્ચ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે.

જિલ્લામાં એલર્ટ રહેવા સૂચના
મૃત્યુ પામેલી તમામ મરઘીઓને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો હોવાનો પ્રથમ રિપોર્ટ આવ્યો હતો. બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં જિલ્લા વહીવટી તંત્રે તાકીદની બેઠક યોજી સમગ્ર જિલ્લામાં એલર્ટ રહેવા સૂચના આપી હતી. આ પછી નિયમો અનુસાર સંબંધિત પોલ્ટ્રી ફાર્મના 1 કિલોમીટર વિસ્તારને અસરગ્રસ્ત વિસ્તાર તરીકે અને 10 કિલોમીટર વિસ્તારને સર્વેલન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારના પોલ્ટ્રી ફાર્મની 1 કિલોમીટરની ત્રિજ્યામાં વેટરનરી યુનિવર્સિટીનું એક પોલ્ટ્રી ફાર્મ પણ છે જેમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે અને ત્યાં પણ 260 પક્ષીઓ મૃત્યુ પામ્યા છે.

ખરીદી પરિવહન વગેરે પર 21 દિવસનો પ્રતિબંધ
નાગપુર જિલ્લા મેજિસ્ટ્રેટે પશુપાલન વિભાગને નિર્દેશ આપ્યો છે કે તેઓ પોલ્ટ્રી શેડના શુદ્ધિકરણ અને સેનિટાઈઝેશનને પ્રથમ પ્રાથમિકતા આપે. આ ઉપરાંત ખરીદી, પરિવહન વગેરે પર પણ 21 દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બર્ડ ફ્લૂના પ્રકોપને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી તાત્કાલિક એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી.

ડીએમએ માહિતી આપી
ડીએમએ માહિતી આપી કે બર્ડ ફ્લૂથી સંક્રમિત પ્રાદેશિક પોલ્ટ્રી ફાર્મનું સેનિટાઈઝેશન પૂર્ણ થઈ ગયું છે. ઉપરાંત તમામ તબીબી અધિકારીઓને ચેપ વિશે જાણ કરવામાં આવી છે. હાલમાં જિલ્લામાં બીજે ક્યાંય મરઘાના મોત થયાની માહિતી નથી. ખેડૂતો અને પશુપાલકોએ ગભરાવું નહીં, વહીવટીતંત્રે તેમને સતર્ક રહેવા અપીલ કરી છે.

Most Popular

To Top