Vadodara

મનપાના સત્તાધીશોએ કહ્યું પાણી પીવાલાયક છે!

વડોદરા: શહેરના અનેક વિસ્તારોમાં દુષિત પાણી મળી રહ્યું છે અને આ પાણી પીળા તેમજ લીલા રંગનું આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જેના પગલે મંગળવારે મ્યુ. કમિશ્નર, મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન રાયકા દોડકા ફ્રેન્ચ વેલ ખાતે મુલાકાતે પહોચ્યા હતા. અને દુષિત પાણી કયા કારણોસર આવે છે તેની તપાસ હાથ ધરી હતી. તેઓ સાથે જીપીસીબીની ટીમ પણ જોડાઈ હતી. મુલાકાત લીધા પછી મનપાના સત્તાધિશોએ દાવો કર્યો હતો કે પાણીમાં કશુ જ ખોટુ નથી અને પાણી પીવાલાયક છે.

શહેરમાં દુષિત પાણી મળતું હોવાની ફરિયાદો નવીસુની નથી. સમયાંતરે અલગ અલગ વિસ્તારોમાંથી આવી ફરિયાદો ઉઠે છે. દરમિયાન મહીસાગર નદીમાંથી આવતું પાણી કેટલાક વિસ્તારમાં લીલા રંગનું મળી રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. કેટલાક વિસ્તારમાં પીળાશ પડતું તો કેટલાક વિસ્તારમાં લીલું પાણી દુર્ગંધ સાથે આવતું હોવાની ફરિયાદો આવતા પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું. અને મંગળવારે સવારે મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા, મેયર પીન્કીબહેન સોની, તથા સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી રાયકા – દોડકા ફ્રેન્ચ વેલ ખાતે પહોંચ્યા હતા.

તેઓની સાથે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ જોડાઈ હતી. સ્થળ મુલાકાત લઇ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને ત્યારે પણ પીળાશ પડતું પાણી જોવા મળ્યું હતું. ટીમ દ્વારા નમૂનાઓ લઇ તેને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જો કે પ્રાથમિક તપાસમાં આ પાણીમાં કેમિકલની માત્ર જોવા મળી ન હતી. પી.એચ પટ્ટી ઉપર એસિડ કે બેઝિક નોંધાયું ન હતું જેથી આ પાણી પીવાલાયક હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું. ત્યારે હાલમાં પાલિકા દ્વારા ક્લોરિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને નાગરિકોને પણ ઉકાળીને પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

ગ્રીન પિગ્મેન્ટેશનના કારણે આ સમસ્યા ઉભી થઇ છે
મહીસાગર એ પાણી મેળવવાનો કુદરતી સ્ત્રોત છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્રીન પિગ્મેન્ટેશન ના કારણે આલ્ગીનો ગ્રોથ વધે છે તેના કારણે પીળાશ પડતું પાણી આવે છે. રાજ્ય સરકારના જળ સંચારણ વિભાગ સાથે વાતચીત ચાલી રહી છે અને હાલમાં વણાકબોરીથી 100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે હાલમાં ફર્ક પડ્યો છે. અને આગામી દિવસમાં સમસ્યાનો હાલ થઇ જશે.
– ડો. શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્થાયી સમિતિ

પાણીમાં કેમિકલની માત્રા જોવા મળી નથી
અહીં પાણીમાં કેમિકલની કોઈ હાજરી નથી. જીપીસીબીની ટીમ દ્વારા નમૂનાઓ ચકાસવામાં આવ્યા છે. પીએચ બતાવે છે કે તેમાં કેમિકલ નથી વનસ્પતિના કારણે લીચિંગ થયું છે અને તેના કારણે આ થયું હોય તેમ લાગે છે. ક્લોરિનેશનની પ્રક્રિયા ચાલે છે. નાગરિકોને ઉકાળીને પાણી પીવાની સલાહ છે – દિલીપ રાણા, મ્યુ. કમિશ્નર

હાલ પાણીમાં 70 ટકા જેટલો સુધારો
હાલમાં ઉપરવાસમાંથી વધુ પાણી છોડવામાં આવતા રંગમાં 70 થી 80 ટકા જેટલો સુધારો થયો છે. હાલ વણાંકબોરીમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને જરૂર પડશે તો આગામી દિવસોમાં 700 ક્યુસેક જેટલું પણ પાણી છોડવામાં આવશે. મંત્રાલય સાથે હાલ સતત સંપર્કમાં છીએ. નાગરિકોને શુદ્ધ પાણી મળી શકે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે.
– પીન્કીબહેન સોની, મેયર

લીલ વાળું પાણી પીવાલાયક કેવી રીતે હોઈ શકે?
મહીસાગર નદીમાં દુષિત પાણી ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતું હોય અને અનેક ફેક્ટરીઓને જીપીસીબી દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે. આજે અધિકારીઓએ ત્યાં જઈ એમ કહ્યું કે પાણી પીવાલાયક છે. તેઓએ જ કહ્યું છે કે નદીમાં લીલાનો ગ્રોથ થયો છે જેથી લીલવાળું પાણી આવી રહ્યું છે. ત્યારે એ સવાલ છે કે શું લીલ વાળું પાણી પી શકાય ખરું? નમૂનાઓ લીધા પરંતુ હજુ સુધી બાયોલોજીકલ પેરામીટરનો રિપોર્ટ આવ્યો નથી. ત્યારે નાગરિકો બીમાર પડશે તેના જવાબદાર કોણ? તહેવારો સમયે નગરજનોને દુષિત અને ઓછા પ્રમાણમાં પાણી મળી રહ્યું છે જેને અમે વખોડીએ છે – અમી રાવત, વિરોધ પક્ષના નેતા

ક્યાં સુધી પાલિકાના પાપે નગરજનો દુષિત પાણી પીશે?
વડોદરા મહાનગરપાલિકા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. દુષિત અને પૂરતા પ્રેશર સાથે પાણી ન મળતું હોવાની બૂમો વર્ષોથી ઉઠી રહી છે. અગાઉ પણ આજવા ખાતેથી મહિનાઓ સુધી દુષિત પાણી આવતું હતું અને તે નાગરિકોએ પીધું છે ત્યારે પુનઃ એકવાર દુષિત પાણીનો મામલો સામે આવ્યો છે. ત્યારે ક્યાં સુધી પ્રજા આવું દુષિત પાણી પીશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

પાલિકા પાસે નાગરિકોની સૌથી મોટી અપેક્ષા હોય તો તે છે માળખાકીય સુવિધાઓની. રોડ, રસ્તા અને પાણીની સુવિધા જો પાલિકા સારી રીતે આપે તો નાગરિકોના મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય. જો કે વડોદરા શહેરના નાગરિકો માળખાકીય સુવિધાઓ માટે હંમેશા લડતા જ આવ્યા છે. ખાસ કરીને દુષિત પાણીની સમસ્યા કાયમી બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ પણ વર્ષ 2019 માં આજવા ખાતેથી દુષિત પાણી મહિનાઓ સુધી આવતું હતું પરંતુ તેના મૂળ સુધી પહોંચી શકાયું ન હતું. ત્યાર બાદ પણ વિવિધ વિસ્તારોમાં આ સમસ્યા ઠેરની ઠેર છે ત્યારે પુનઃ એક વખત શહેરમાં લીલું અને પીળું પાણી આવવાની સમસ્યા સામે આવતા પાલિકા તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.

Most Popular

To Top