National

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા 2 આરોપીઓની ધરપકડ કરી

મુંબઈ: બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરિંગના બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી હતી. બંને આરોપીઓને મુંબઈ લાવવામાં આવશે. તેમજ મુંબઇ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુંબઈમાં આગળની કાર્યવાહી હાથ ધરશે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21) છે. બંને આરોપી શૂટર બિહારના પશ્ચિમ ચંપારણના મસીહના રહેવાસી છે. આ બંને સામે અગાઉ પણ ચોરી, ચેઈન સ્નેચિંગ જેવા ગુના નોંધાયેલા છે. તેમજ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસની ટીમે ગુજરાત જઈને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

પનવેલમાંથી પણ 2 લોકોની અટકાયત કરવામાં આવી હતી
આ કેસમાં મુંબઈ પોલીસે પનવેલમાંથી બે લોકોની અટકાયત પણ કરી હતી. આ બંનેએ સલમાનના ઘરે ગોળીબાર કરનારા શૂટરોને સેકન્ડ હેન્ડ બાઇક વેચી દીધી હતી. સલમાન ખાનનું ફાર્મહાઉસ પનવેલમાં જ છે, તેથી હવે પોલીસ એ પણ શોધી રહી છે કે શું શૂટિંગ સલમાનના ફાર્મહાઉસને પણ નિશાન બનાવવા માટે કરવામાં આવ્યું હતું?

પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈ પોલીસની ટીમ 5 રાજ્યોમાં શૂટરોને શોધી રહી હતી. ગુજરાતના ભુજમાં ગઈકાલે રાત્રે આ બંને આરોપીઓની પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેમને મુંબઈ લાવવાની તૈયારી કરવામાં આવી હતી, મુંબઈમાં તેમની પૂછપરછ કરવામાં આવશે.

Most Popular

To Top