Dakshin Gujarat

મુંબઈથી અમદાવાદ જતા માર્ગ ઉપર વરસાદી પાણીના જમાવડાને લઈ બે કાર ધડાકાભેર અથડાઈ

વલસાડ : વલસાડ (Valsad) નેહાનં.48 ના ધરમપુર (Dharampur) ચોકડી ઓવરબ્રિજના દક્ષિણ છેડે વરસાદી પાણીના જમાવડાને પગલે બે કાર (Car) વચ્ચે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બે કારમાં સવાર એક વૃધ્ધ મહિલા સહિત કુલ પાંચ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે નેશનલ હાઇવે નંબર 48 ઉપર ઠેરઠેર પાણી ભરાયા હતા. જેમાં વલસાડ-ધરમપુર ચોકડી ઓવરબ્રિજના દક્ષિણ છેડે મુંબઈથી અમદાવાદ જતા માર્ગ ઉપર ઓટો શોરૂમની સામે વરસાદી પાણીના જમાવડાને લઈ એક કારની પાછળ બીજી કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં એક કારના ચાલક જયસુખ ગજેરા સહિત અન્ય એક ઈસમ વાપી ખાતે અંગત કામ પતાવી સુરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. જે દરમિયાન ધરમપુર ચોકડી ઓવરબ્રિજના દક્ષિણ છેડે મુંબઈ અમદાવાદ માર્ગ પાસે નેશનલ હાઇવે પર પાણીના જમાવડાને કારણે કાર સ્લીપ મારતા ચાલકે એકાએક બ્રેક મારી દીધી હતી. દરમિયાન અતુલ ફસ્ટ ગેટ પાસે રહેતા મનોજભાઈ પટેલ પોતાની કારમાં મિત્ર તથા વડીલ માતાને લઈ ગુંદલાવ ખાતે ખાનગી ક્લિનિકમાં જઈ રહ્યા હતા. ત્યારે આગળ ચાલતી અન્ય કારે એકાએક બ્રેક મારતા કાર ધડાકાભેર કારમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨ કારમાં સવાર એક વૃધ્ધ માતા સહિત 5 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ બન્ને કારમાં ભારે નુકસાની સર્જાતા બન્ને કાર નેશનલ હાઈવેની વચોવચ બંધ પડી જતા હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. સમગ્ર ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દદોડી આવી ટોઈંગ વેનની મદદથી બન્ને કારને રસ્તાની સાઈડે કરાવી હાઈવે ઉપર વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો.

વરસાદને લીધે ભેજ ઉતરતા વેસ્માની પરિણીતાનું કરંટ લાગતા મોત
નવસારી : વરસાદને લીધે ભેજ ઉતરતા વેસ્મા ગામની પરિણીતાને કરંટ લાગતા મોત નિપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના વેસ્મા ગામે અરડી ફળિયામાં નિકિતાબેન પ્રફુલભાઈ પટેલ (ઉ.વ. 31) તેમના પરિવાર સાથે રહે છે. હાલમાં નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. જે ભેજ ઘરની દીવાલ, લોખંડ શેડ તેમજ પતરા મારફત ભેજ ઘરમાં ઉતરે છે.

ગત 28મીએ સાંજે નિકિતાબેન તેમના ઘરની પાછળ આવેલા પતરાના શેડમાં પોતુ મારવાનું કપડું લેવા માટે ગયા હતા. તે પોતુ લોખંડના શેડની એંગલ પર લટકતું હોવાથી નિકિતાબેન તે કપડું ઉતારવા જતા લોખંડમાં ઉતરેલા ભેજના કારણે તેમને કરંટ લાગતા ચોંટી ગયા હતા. જોકે તેણીની સાસુએ લાકડી વડે નિકિતાબેનને છોડાવતા તેણી નીચે પડી ગઈ હતી. ત્યારબાદ તેઓએ નિકિતાબેનને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેણીને ચકાસીને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ પ્રફુલભાઈની ફરિયાદને આધારે નવસારી ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. વાય.જી. ગઢવીએ હાથ ધરી છે.

Most Popular

To Top