Editorial

આદર્શ સાંસદ કહી શકાય તેવા સાંસદો હવે નહીંવત રહ્યા હશે

હાલ આપણે સંસદના છેલ્લા કેટલાક સત્રોમાં જે પ્રકારના તમાશાઓ, ધમાલ, ગાલીપ્રદાન જોયા તે સાચા લોકશાહીપ્રેમીઓ માટે ખૂબ આઘાતજનક કહી શકાય તેવા હતા. જો કે આ બાબતો હવે નવી નથી. આમ તો લાંબા સમયથી સંસદમાં આવુ બધુ વધતે ઓછે અંશે બનતું રહ્યું છે પરંતુ છેલ્લા કટલાક વર્ષમાં આ બધામાં ઉત્તરો ઉત્તર વધારો થતો ગયો છે. વળી, સાંસદો અંગત રીતે પણ હવે કેટલાક અપવાદો બાદ કરતા સજ્જનની કક્ષામાં મૂકી શકાય તેવા રહ્યા નથી. રાજકારણના વધેલા અપરાધીકરણની સાથે ગુનાનો ઇતિહાસ ધરાવતા સાંસદોનું પ્રમાણ વધતું ગયું છે.

હાલમાં એક ખાનગી સંસ્થા દ્વારા સર્વે કરીને આપણા વર્તમાન સાંસદો અંગે જે આંકડા બહાર પાડવામાં આવ્યા છે તે આઘાત પહોંચાડે તેવા છે. આ આંકડાઓ મુજબ દેશના વર્તમાન સાંસદોમાંથી ૪૦ ટકા જેટલા સાંસદો સામે ફોજદારી કેસો નોંધાયેલા છે. આમાંથી પચ્ચીસ ટકા સામે તો હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ સામેના અપરાધો જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે એ મુજબ ચૂંટણી અધિકાર સંસ્થા એડીઆર દ્વારા માહિતી આપવામાં આવી છે.

સાંસદોએ ચૂંટણી સમયે કરવાના સોગંદનામામાં તેમની મિલકતો ઉપરાંત તેમની સામે જો કોઇ ગુનાઓ નોંધાયેલા હોય તો તેની વિગતો પણ આપવાની હોય છે અને વર્તમાન સાંસદોએ છેલ્લી ચૂંટણી વખતે કરેલા સોગંદનામામાં જાહેર કરેલી વિગતોનું વિશ્લેષણ કરીને આ અહેવાલ એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) નામની સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જે કુલ ૭૬૩ વર્તમાન સાંસદોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેમાંથી ૩૦૬ એટલે કે ૪૦ ટકા જેટલા સાંસદોએ તેમની સામે ક્રિમિનલ કેસો નોંધાયા હોવાનું જાહેર કર્યુ છે અને આમાંથી ૧૯૪ એટલે કે ૨૫ ટકા જેટલા સાંસદોએ તેમની સામે ગંભીર અપરાધો નોંધાયેલા હોવાનું જાહેર કર્યું છે. જો કે સાંસદો સામે રાજકીય પ્રકારના ગુનાઓ નોંધાય તે સ્વાભાવિક બાબત ગણાય છે. જેમ કે કોઇ ધરણા પ્રદર્શન વખતે, આંદોલન વખતે નાના કાયદા ભંગના ગુના નોંધાય તે સમજ્યા, પરંતુ ગંભીર ફોજદારી ગુનાઓ સાંસદો સામે નોંધાયા હોય તે ખૂબ ચિંતાની બાત છે.

જો કે કેટલીક વખતે રાજકીય વેરવૃતિથી પણ કેટલાક સાંસદો કે ધારાસભ્યોને ગુનામાં ફસાવી દેવાતા હોય તેવું બનતું હોય છે પરંતુ ખરેખર ગંભીર અપરાધમાં સંડોવાયેલા હોય તેવા સાંસદોનું પ્રમાણ નોંધપાત્ર ઉંચુ છે જ. આજે તો એવું છે કે જે બધી રીત પહોંચી વળે, સમાજ પર ધાક ધરાવતા હોય તેવા લોકોને રાજકીય પક્ષો ઉમેદવાર તરીકે ઉભા રાખવાનું વધુ પસંદ કરતા હોય છે. વર્તમાન સાંસદોમાંથી ૧૧ની સામે હત્યાના, ૩૨ની સામે હત્યાના પ્રયાસના અને ૨૧ની સામે મહિલાઓ વિરુદ્ધના અપરાધના કેસો નોંધાયેલા છે અને આ ૨૧ સાંસદોમાંથી ચાર સાંસદો સામે તો બળાત્કારના ગુના નોંધાયા હોવાનું તેમના સોગંદનામા પરથી જાહેર થાય છે. આ ખૂબ જ દુ:ખદ છે.

સાદાઇથી રહેતા, ગરીબ કે મધ્યમવર્ગમાં સમાવી શકાય તેવા સાંસદોનો યુગ તો ક્યારનો આથમી ગયો છે. નાણા બનાવવામાં મોટા ભાગના રાજકારણીઓ એક્કા છે અને ધનવાન સાંસદોના જે આંકડા એડીઆર દ્વારા આપવામાં આવ્યા છે તે પણ જોવા જેવા છે. દેશમાં ૫૩ સાંસદો અબજપતિ છે. જો કે બીજા એવા ઘણા સાંસદો હશે કે જેઓ અબજપતિ નહીં હોય તો કરોડપતિ હશે. જ્યારે લક્ષદ્વિપમાંથી એક જ સાંસદ ચૂંટાય છે અને હાલના ત્યાંના સાંસદ પાસે માત્ર રૂ. ૯.૩૮ લાખની મિલકત છે, તેઓ કદાચ દેશના સૌથી ગરીબ સાંસદ હશે! સાદાઇને વરેલા, ધનદોલતથી દૂર રહેનારા સાંસદો તો હવે ભાગ્યે જ જોવા મળે.

Most Popular

To Top