Gujarat

મોરબી: છેડતી કરનાર 60 વર્ષના વૃદ્ધને વિદ્યાર્થિનીઓએ જાહેરમાં ફટકાર્યો

મોરબી: મોરબીમાં (Morbi) અવારનવાર છેડતીની (Molestation) ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હવે વધુ એક છેડતીની ઘટના સામે આવી છે. ટ્યુશન જતી વિદ્યાર્થિનીની (Students) સુપરમાર્કેટમાં કોઇ યુવાન નહીં પરંતુ 60 વર્ષના આધેડ દ્વારા છેડતી કરવામાં આવી હતી. જો કે આ કોઇ નવાઇ પામનારી ઘટના નથી, મોરબીમાં અગાઉ પણ છેડતીના કિસ્સા સામે આવ્યા છે. પરંતુ આ કિસ્સામાં આ વિદ્યાર્થિનીઓએ બહાદુરી દાખવીને આધેડને મેથીપાક આપ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

મોરબીમાં સુપરમાર્કેટની આસપાસના વિસ્તારમાં ઘણી શાળાઓ આવેલી છે. તેથી આવા તત્વો ત્યાં આંટા મારતા હોય છે. જેને કેટલીક વિદ્યાર્થિનીઓ સહન કરે છે તો કેટલીક એકજુથ થઇને બરાબર મેથીપાક આપે છે. હાલ બનેલી ઘટનામાં પણ જ્યારે વિદ્યાર્થિની સુપરમાર્કેટના રાસ્તે ટ્યુશન જઇ રહી હતી ત્યારે એક 60 વર્ષનો વૃદ્ધ તેને બીભત્સ ઈશારાઓ કરી રહ્યો હતો. જે બાદ વિદ્યાર્થિની ડરીને રડવા લાગી હતી, પરંતુ તેની સાથે ઉપસ્થિત આશરે 10-12 દીકરીઓએ નિરાશ થવાને બદલે છેડતી કરનાર આધેડને બરાબર મેથીપાક આપ્યો હતો. તેમજ બહાદુરી દાખવી તેને લાતો વડે માર પણ માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ આ 60 વર્ષના આધેડની ઓળખ ઓઢવજી બાબુભાઈ ઊભડિયા તરીકે થઇ છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે કઇ રીતે તમામ વિદ્યાર્થિનીઓ મળીને આધેડને જોહેરમાં જ ફટકાર્યો તેમજ ગુસ્સે થયેલી દિકરીઓએ આરોપી પર લાફાનો વરસાદ કર્યો અને આરોપીને તેમની સામે હાથ જોડવા પર મજબૂર કર્યો હતો.

આ ઘટના બાદ તરત 181 અભયમ હેલ્પલાઇનમાં જાણ કરવામાં આવી હતી. જે પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીની અટકાયત કરવામાં આવી હતી. સુપરમાર્કેટ વિસ્તારમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર આરોપી સામે આઈપીસીની કલમ 354(d) અને પોકસો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા વધુ તપાસની તાજવીજ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top