SURAT

વહેલી સવારથી જ સુરતમાં મેઘમહેર, સૌથી વધુ વરસાદ વરાછામાં પડ્યો

સુરત(Surat) : લાંબા સમયથી બફારા અને ગરમી સહન કરી રહેલાં સુરતના શહેરીજનો પર આખરે મેઘરાજા મહેરબાન થયા છે. આજે બુધવારે સવારથી જ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી (Rain) ઝાપટાં પડ્યા છે. વરાછામાં તો સવાર 10 વાગ્યા સુધીમાં જ દોઢ ઈંચ વરસાદ પડી ગયો છે. સવારે નોકરી-ધંધા પર જવાના સમયે વરસાદ વરસતો હોઈ લોકોએ રેઈનકોટ (Raincoat) અને છત્રી (Umbrella) કાઢવા પડ્યા હતા. વાહનચાલકો વરસાદને લીધે હેરાન થયા હતા. જોકે, વરસાદના લીધે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકના લીધે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ વર્ષે ચોમાસું (Monsoon) વહેલું બેસશે એવી આગાહીઓ થઈ હતી પરંતુ સુરતમાં અત્યાર સુધી છૂટક છૂટક વરસાદ જ પડ્યો હતો. છેલ્લાં એકાદ અઠવાડિયાથી તો ગરમીનો પારો વધ્યો હતો. બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું, જેના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને વરસાદ ક્યારે પડે તેની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં. લોકોના ઈંતજારનો આખરે અંત આવ્યો અને આજે બુધવારે સવારથી જ શહેરના વરાછા, અડાજણ, અલથાણ, વેસુ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કેટલાંક વિસ્તારોમાં ધીમી ગતિએ વરસાદ સતત વરસ્યો તો ક્યાંક વરસાદી ઝાપટાં જોવા મળ્યા. બીજી તરફ વરાછામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના લીધે સવારે 10 સુધીમાં જ વરાછા ઝોનમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. એકાએક વરસાદ વરસતા ઠેરઠેર ડ્રેનેજ ઉભરાયા હતા જેના લીધે રસ્તા પર વરસાદી ખાબોચિયા ભરાયેલા જોવા મળતા હતા. બીજી તરફ નોકરી-ધંધા પર જવાના સમયે જ વરસાદ વરસ્યો હોવાના લીધે લોકોએ રેઈનકોટ અને છત્રી કાઢવા પડ્યા હતા. વાહનચાલકો વરસાદમાં ભીના થયા હતા. કેટલાંક ઠેકાણે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. લોકોએ વરસાદથી બચવા બ્રિજ નીચે વાહનો ઉભા રાખવા પડ્યા હતા. લોકો ઝાડ નીચે પણ આશરો લેતા જોવા મળ્યા હતા.

સવારે 10 સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
સુરતના રાંદેર ઝોનમાં 8 મિ.મિ., સેન્ટ્રલ ઝોનમાં 5 મિ.મિ., કતારગામ માં 10 મિ.મિ., વરાછા-એમાં 13 અને વરાછા-બી ઝોનમાં 35 મિ.મિ. જ્યારે લિંબાયતમાં 5 અને અઠવામાં સૌથી ઓછો 4 મિ.મિ. જ વરસાદ પડ્યો છે.

Most Popular

To Top