Columns

ભારતીય રેલવેનું મોડર્નાઇઝેશન હાઇસ્પીડમાં છે, હવે તો…

ભારતીય રેલવે બદલાઈ રહ્યું છે. તે બદલાવ ટ્રેનની સ્પીડ, ટેક્નોલોજીનું અપગ્રેડેશન, સગવડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી થઈ રહ્યા છે. રોજેરોજ રેલવેને અંગે એવા કોઈ ને કોઈ ન્યૂઝ સૌનું ધ્યાન ખેંચે છે. હાલમાં અમદાવાદ-મુંબઈ રૂટ પર ‘વંદે ભારત’ નામની સેમી હાઇસ્પીડ ટ્રેન સફળતાપૂર્વક દોડી. આ ટ્રેનની વિશેષતા એ છે કે તે માત્ર 52 સેકન્ડમાં 100 Km.ની સ્પીડ પકડી શકે છે. સામાન્ય રીતે બુલેટ ટ્રેનને પણ આ સ્પીડ પકડતાં 55 સેકન્ડનો સમય જાય છે. રેલવેનો એપ્રોચ યાત્રીને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડવાનો માત્ર નથી બલકે તે પ્રવાસનો આનંદ માણે, તેમાં તેને સગવડ મળે અને તેને આ પ્રવાસની વિશેષ અનુભૂતિ થાય તે પણ છે. વંદે ભારત ટ્રેનમાં LCD, એરપ્યુરીફીકેશન સહિત વધુ કુલિંગની પણ સગવડ આપવામાં આવી છે.

રેલવેના આધુનિકીકરણનું એક કારણ એ પણ છે કે ભારતીય રેલવેમાં અંગ્રેજોના શાસન દરમિયાન પાયાનું કાર્ય થયું છે. તે પછી રેલવેનું તંત્ર સુદૃઢ થતું ગયું. હવે રેલવેને ટેક્નોલોજી અને ઓપન માર્કેટ મળ્યું છે તેથી તેનું મોડર્નાઇઝેશન ખૂબ ઝડપે થઈ રહ્યું છે અને તેથી જ રેલવે મિનિસ્ટ્રીએ 2030 સુધી આધુનિકીકરણ માટે 54,00,000 કરોડ ઇન્વેસ્ટ કરવાની જાહેરાતેય કરી છે. તેમાં મુખ્યત્વે રેલવેના ઇલેક્ટ્રિફિકેશનનો, હાલની રેલવે લાઈનનું અપગ્રેડેશન અને દેશના મુખ્ય શહેરોને જોડવાનું કાર્ય છે. આ માટે રેલવેના અલગ-અલગ વિભાગ કાર્યરત છે.

તેમાં એક છે તે ‘રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન’[RDSO]. આ વિભાગનું મુખ્ય કામ અપગ્રેડેશન અર્થે રિસર્ચ અને મોડર્નાઇઝેશન માટે ડિઝાઇન કરવાનું છે. આ સંસ્થાની સ્થાપના 65 વર્ષ અગાઉ થઈ હતી પણ હવે વર્તમાનમાં તેનું મહત્ત્વ ઓર વધ્યું છે. આવી બીજી સંસ્થા છે તે ‘નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ’[NHSRCL]. આ વિભાગની સ્થાપના હજુ 7 વર્ષ અગાઉ થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં વધુ ગતિમાં ટ્રેન દોડે તે છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું આયોજન આ વિભાગ દ્વારા થઈ રહ્યું છે.

આ પૂરા પ્રોજેક્ટનો ખર્ચ 1 લાખ કરોડ સુધી પહોંચશે અને તેમાં રેલવેનું મુખ્ય પાર્ટનર જાપાન છે. અત્યારે આ પ્રોજેક્ટ માટે જમીન હસ્તાંતરણનું કામ ચાલી રહ્યું છે. એ સિવાય પણ દિલ્હી-અમદાવાદ, દિલ્હી-લખનઉ, વારાણસી-હાવરા, ચેન્નઇ-બેંગ્લોર, મુંબઈ-પુને-નાગપુરમાં પણ બુલેટ ટ્રેન દોડે તેવું આયોજન થઈ રહ્યું છે. રેલવે મિનિસ્ટ્રી અંતર્ગત આવતો આવો એક વિભાગ છે તે ‘ઇન્ડિયન રેલવે સ્ટેશન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન’[IRSDC]. આ વિભાગની સ્થાપના હજુ 10 વર્ષ અગાઉ થઈ છે અને તે હેઠળ અત્યારે રેલવે સ્ટેશન્સનું નવીનીકરણ થાય છે.

અત્યારે આ બધા વિભાગ પોતાની કામગીરી ધમધોકાર ચલાવી રહ્યા છે. આ કામ સરકારના સહયોગથી માત્ર આગળ વધી રહ્યું નથી બલકે તેમાં હવે ખાનગી કંપનીઓને પણ સામેલ કરવામાં આવી છે. તેનું હાલનું ઉદાહરણ એટલે ‘ભારત ગૌરવ’ એક્સપ્રેસ. આ ટ્રેન કોઇમ્બતુર અને શીરડી વચ્ચે દોડાવવામાં આવી. તેનું સંચાલન પ્રાઇવેટ ઓપરેટર દ્વારા થયું હતું. એ રીતે હાલમાં રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે હાઇ સ્પીડ ટ્રેન માટે 80,000 વ્હીલ્સનું નિર્માણ કરવા માટે પ્રાઇવેટ પ્લેયર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારતીય રેલવે ઉપરાંત આ વ્હીલ્સ યુરોપના માર્કેટમાં પણ જાય તેવું રેલવે મિનિસ્ટર ઇચ્છે છે.  વર્તમાન યુગમાં આધુનિકીકરણમાં એક મુખ્ય પાસું ઇકો ફ્રેન્ડલી વ્યવસ્થા છે. તે માટે પણ રેલવેએ તમામ ટ્રેનમાં બાયો-ટોઇલેટની વ્યવસ્થા કરી છે. તેનો સૌ પ્રથમ પ્રયોગ 2014માં થયો હતો અને હવે મહદંશે તમામ ટ્રેનમાં બાયો-ટોઇલેટ છે. રેલવે પાસે સૌથી મોટી સંપત્તિ તેની જમીન છે.

દેશભરમાં રેલવે મંત્રાલયની જમીન છે અને તેનો વિસ્તાર પણ મોટો છે. આ તમામ સ્થળે હવે રેઇનવોટર હાર્વેસ્ટીંગ નિર્માણ થાય તેવા પ્રયાસ છે; અત્યારે 2 હજાર જેટલી જગ્યાએ તે કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. એ રીતે જ્યાં રેલવેની વિશાળ જગ્યા ઉપલબ્ધ છે ત્યાં વૃક્ષોની વાવણી કરીને તેને હરિયાળું બનાવવાનો પ્રયાસ છે. આ સિવાય રેલવે મોટા પ્રમાણમાં સોલર અને વિન્ડ પાવર જનરેટ કરે છે અને તેથી વિશ્વની પ્રથમ સોલર પાવર્ડ ટ્રેન દોડાવવાનું શ્રેય ભારતને મળે છે. એ રીતે રેલવે વિભાગમાં સર્વત્ર LED લાઇટનો ઉપયોગ કરીને વીજળીનો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ થાય છે.

રેલવેના આધુનિકીકરણમાં નાની-નાની બાબતોનો ખ્યાલ રાખીને બદલાવ લાવવામાં આવી રહ્યો છે. જેમ કે, દેશમાં અનેક શહેરોમાં મોટાં-મોટાં સ્ટેશનો છે અને ત્યાં પ્લેટફોર્મની સંખ્યા 5થી વધુ છે. આવાં સ્ટેશન પર વયસ્ક લોકોને સીડી દ્વારા ચઢ-ઊતરવાનું થતું હતું. તેથી હવે દરેક સ્ટેશન પર લિફ્ટની વ્યવસ્થા નિર્માણ કરવાનું આરંભાયું છે. ટિકિટ પણ ઝડપથી મળે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, સૌને ઇન્ટરનેટ મળે તે ઉદ્દેશ્યથી ગુગલના સહયોગથી સ્ટેશન પર સૌને વિનામૂલ્યે વાઇફાઇનો પ્રોજેક્ટ આરંભાયો છે. મોટા શહેરોથી હવે તે સુવિધા નાનાં શહેરો સુધી લઈ જવાઈ રહી છે. રેલવે સ્ટેશન અને રેલવે ગુનાખોરી માટેનું સંભવિત ક્ષેત્ર છે.

અહીંયા રોજ હજારો અપરિચિત માણસો એકબીજાના સંપર્કમાં આવે છે અને તેમની સાથે લાંબી યાત્રા કરે છે. આ પ્રકારની ગુનાખોરી અટકે તે માટે હવે દરેક સ્ટેશન અને ટ્રેનમાં CCTV કેમેરા ઇન્સ્ટોલ થાય તે પ્રોજેક્ટ જોરશોરથી ચાલી રહ્યો છે. રેલવેનું અપગ્રેડેશનમાં એક મહત્ત્વનું કામ સુરક્ષાને લગતું છે. અત્યાર સુધી ભારતીય રેલવેએ પાડોશી દેશો ચીન, પાકિસ્તાન અને નેપાળની સરહદની નજીક સુધી દોડી શકે તેવા જૂજ જ ટ્રેક નિર્માણ કર્યા હતા. હવે આ ત્રણેય દેશોની સરહદ નજીક એવાં 14 જીઓસ્ટ્રેટજિક ટ્રેક નિર્માણ કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ આ પ્રોજેક્ટની જાહેરાત થઈ છે, ખરેખર તેનું કામ ક્યારે શરૂ થશે તે વિશે મતમતાંતર છે.

રેલવે જેમ યાત્રીઓને ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે તેમ તેનું એક બીજું મુખ્ય કાર્ય માલવાહનનું છે. રેલવે દર વર્ષે મોટા જથ્થામાં દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડે છે. કોલસા, અનાજ કે પછી ક્રૂડ ઓઇલનું વહન ટ્રેન દ્વારા થાય છે. આને લઈને પણ રેલવે અત્યાધુનિક કોરીડોર નિર્માણ કરી રહ્યું છે, જેથી માલવાહક ટ્રેનો ન્યૂનતમ અડચણ વિના દોડી શકે. પશ્ચિમ અને પૂર્વીય રેલવેમાં આવા કોરીડોરનું ફર્સ્ટ ફેઝનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

રેલવેના મોડર્નાઇઝેશનનો જે અમલ અત્યારે થઈ રહ્યો છે તેની ભલામણ 2012માં થઈ ચૂકી હતી. તે વિશે તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંઘના વડપણ હેઠળ એક એક્સપર્ટ ગ્રુપ મેમ્બર્સે અહેવાલ તૈયાર કર્યો હતો. આ ગ્રુપમાં ભારતમાં ટેલિફોનિક ક્રાંતિ કરનાર સામ પિત્રોડા, HDFC બેન્કના વડા દીપક પારેખ, સ્ટેટ બેન્કના પૂર્વ ચેરમેન એમ. એસ. વર્મા અને અમદાવાદ IIMના પ્રોફેસર જી. રઘુરામ હતા. તેઓએ આ અહેવાલ તૈયાર કર્યો હતો અને તેમાં રેલવેમાં કયા કયા વિભાગમાં પરિવર્તન થવું જોઈએ તે જણાવ્યું હતું.

તેમણે કુલ 113 ભલામણ કરી હતી અને તેમાં 15 સુધારા અતિ મહત્ત્વના હતા. અત્યારે જે સુધારા થઈ રહ્યા છે તે મહદંશે આ ગ્રુપ દ્વારા સજેસ્ટ કરવામાં આવ્યા છે. આમાં એક મુખ્ય વાત એ હતી કે રેલવેના દેશભરના 11,250 બ્રિજને ફરી નિર્માણ કરવાના હતા. આ બ્રિજમાં 25 % બ્રિજ 100 વર્ષ જૂના હતા. ઉપરાંત જ્યાં જ્યાં ક્રોસિંગ છે ત્યાં અન્ડરબ્રિજ કે ઓવરબ્રિજ થાય અથવા તો તે જગ્યાએ રસ્તા પહોળા થાય તે પ્લાન પર પણ કાર્ય થઈ રહ્યું છે. રેલવેની આ કાયાપલટમાં સત્તાધારી પક્ષ કે વ્યક્તિને તમામ શ્રેય ન આપી શકાય. રેલવેનું તંત્ર એટલું વ્યાપક અને મોટું છે કે તેમાં તબક્કા વાર બદલાવ લાવી શકાય અને તે ટીમવર્કથી જ થઈ શકે.

Most Popular

To Top