SURAT

કાપોદ્રાની ગુજરાત મોબાઈલમાંથી 30 લાખના મોબાઈલ ચોરાયા, કારના જેકથી ચોરે શટર તોડ્યું, CCTV આવ્યા સામે

સુરત: છેલ્લા એક મહિનાથી સુરત શહેરમાં પોલીસ કમિશનર નથી. અજયકુમાર તોમરના નિવૃત્ત થયા બાદ હજુ સુધી શહેરમાં કોઈ નિયમિત પોલીસ કમિશનરની નિયુક્તિ કરાઈ નથી. કમિશનર વિનાના સુરત શહેરની સ્થિતિ શેઠ સચિન નોકર નચિંત જેવી થઈ ગઈ છે. જે હદે ક્રાઈમ વધી રહ્યો છે તે જોતાં કોઈ ટોકનારું નહીં હોય પોલીસે નાઈટ પેટ્રોલિંગ પણ બંધ કરી દીધું હોય તેમ લાગે છે. રવિવારની રાત્રે કાપોદ્રામાં એક ચોરે શટર તોડી આખે આખી મોબાઈલની દુકાન જ સાફ કરી ગયાની ઘટના બની છે. આ ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

કાપોદ્રામાં મોબાઇલ શો રૂમ ની દુકાનમાંથી આઈફોન, સેમસંગ જેવા મોંઘા ફોન ચોરાયા છે. કુલ 30 લાખના ફોન ચોરાયા હોવાની વિગતો સામે આવી છે. આ ચોરીના બનાવની વિગત એવી છે કે ટોપી પહેરી, મોંઢા પર રુમાલ બાંધી ચોર આવ્યો હતો. મોબાઈલની દુકાનનું શટર તોડ્યું હતું અને અંદર જઈ થેલામાં મોબાઈલ ભરી ચોરી બિન્ધાસ્ત જતો રહ્યો હતો. દુકાન માલિકને જાણ થતા બનાવો અંગે કાપોદ્રા પોલીસને ફરિયાદ કરી છે. દુકાન માલિકની ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાયછે કે, એક ઈસમ ચોરી કરવાનાં ઇરાદે રાત્રિના 3 વાગ્યાની આસપાસ દુકાન પાસે પહોંચ્યો હતો. મોબાઈલની એડવર્ટાઈઝિંગના બેનરોની આડશ મૂકી હતી. ત્યાર બાદ કારના જેકની મદદથી શટર અને તાળું તોડ્યું હતું. પછી અંદર જઈ સિફ્ટપૂર્વક ચોરીને અંજામ આપ્યો હતો. કોઈ ને પણ જાણ ન થાય તે રીતે ભાગી છૂટ્યો હતો. જોકે સવારે દુકાન ખોલતા જ દુકાન માલિકને ચોરીની જાણ થઇ હતી. જેને લઇ બનાવ અંગે દુકાન માલિકે તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરી હતી.

પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા
આ ઘટના અંગે એસીપી બી.એ. પટેલે જણાવ્યું હતું કાપોદ્રામાં આવેલી ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં અડધી રાત્રે ચોરી થઈ છે. અંદાજે 30 લાખના મોબાઈલ ચોરાયા છે. સીસીટીવી ફૂટેજની મદદથી જુદી-જુદી ટીમો બનાવી ચોરને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top