Gujarat

કોરોના મહામારી વચ્ચે આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લામાં દૂધ સંજીવની યોજના ૧૫ મહિનાથી બંધ

અમદાવાદ : વૈશ્વિક મહામારી કોરોનામાં જ્યારે ધંધા રોજગાર ઠપ થયા છે, સૌથી પહેલા શાળા-શિક્ષણ સંસ્થાનો બંધ થઈ અને હજુ સુધી ક્યારે ખુલશે એ અનિર્ણત છે ત્યારે ગુજરાતનાં 52 લાખ વિધાર્થીઓને મધ્યાહન ભોજનની યોજનાનો લાભ વિલંબથી મળે અથવા તો વંચિત રહે છે. જ્યારે કોરોના મહામારીમાં આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લામાં દૂધ સંજીવની યોજના ૧૫ મહિનાથી બંધ છે, ત્યારે ગરીબ-સામાન્ય વર્ગનાં બાળકોને મધ્યાહન ભોજન અન્વયે અનાજ અને આર્થિક સહાય સમયસર આપવા કોંગ્રેસે માગણી કરી છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૪ જિલ્લા, ૫૨ (બાવન) તાલુકામાં ૮,૯૫૮ શાળા અને ૭,૬૮,૪૬૫ બાળકો જે યોજનાના લાભાર્થી છે, તેવી સરકારની જાહેરાત, હકિકતમાં પંદર મહિનાથી કોરોના મહામારીમાં અંબાજી થી ઉમરગામ આદિવાસી વિસ્તારના બાળકો માટેની ‘દૂધ સંજીવની યોજના’ સદંતર બંધ છે. મોટી – મોટી જાહેરાતો કરનાર ભાજપ સરકારે આદિવાસી બાળકોના મોંમાથી દૂધ-છીનવી લીધું.

કોરોના મહામારીમાં સૌથી જેની વધુ જરૂર છે તે જ યોજના બંધ કરી
રાજ્યની ૪૨,૨૦૮ આંગણવાડી કોરોના ફાળમાં એક વર્ષ કરતા વધુ સમયથી બંધ છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૮માં ૧,૧૦,૯૯૯ બાળકો કુપોષિત, વર્ષ ૨૦૧૯ માં ૧,૪૨,૧૪૨ કુપોષિત બાળકો જ્યારે ૨૭-૨-૨૦૨૦ ના રોજ માત્ર છ મહિનામાં કુપોષિત બાળકોની સંખ્યા ૩,૮૬,૮૪૦ એટલે કે છ મહિનામાં ત્રણ ગણાં કુપોષિત બાળકોની સંખ્યા સામે આવી. શું આ રીતે તંદુરસ્ત બનશે ગુજરાત ? હવે કોરોના કાળમાં આ સંખ્યા કેટલી થશે તે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. રાજ્યમાં ૩૧,૪૧,૨૩૧ પરિવાર ગરીબી રેખાની નીચે એટલે કે, ગુજરાતમાં ૧ કરોડ ૮૮ લાખ નાગરિકો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે.

Most Popular

To Top