Sports

Wtc final: ચોથો દિવસ પણ વરસાદે ધોઈ નાખ્યો

સાઉધેમ્પ્ટન : ભારતીય ટીમ (Indian cricket team) અને ન્યુઝીલેન્ડ (New Zealand)ની વચ્ચે અહીં રમાઇ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ (Final)નો ચોથો દિવસ પણ વરસાદે ધોઇ નાંખ્યો છે અને તેના કારણે આ ઐતિહાસિક મેચ હવે ડ્રો ભણી જ આગળ વધતી જણાઇ રહી છે. ચાર દિવસ દરમિયાન પહેલો અને ચોથો દિવસ એમ બે દિવસ વરસાદે ધોઇ નાંખ્યો છે અને જે બીજા અને ત્રીજા દિવસે જે રમત શક્ય બની હતી.

આમ ચાર દિવસ દરમિયાન કુલ મળીને 360 ઓવર ફેંકાવી જોઇતી હતી પણ વરસાદી વિઘ્નને કારણે અત્યાર સુધી માત્ર 141.1 ઓવર જ ફેંકવામાં આવી છે. બીજા દિવસે બેડ લાઇટની સમસ્યા અને વરસાદી વિઘ્ન વચ્ચે માત્ર 64.4 ઓવરની મેચ શક્ય બની હતી. જ્યારે ત્રીજા દિવસે આઉટફિલ્ડ ભીનુ હોવાથી રમત થોડી મોડી શરૂ થતાં સમય લંબાવાયો હતો પણ તે છતાં બેડ લાઇટને કારણે રમત વહેલી બંધ કરવી પડી હતી.

ચોથા દિવસે હેમ્પશર બાઉલમાં સવારથી જ હવામાન ખરાબ હતું અને તેમાં કોઇ સુધારો થવાની સંભાવના દેખાતી નહોતી. આ સ્થિતિમાં અમ્પાયર્સે લગભગ સાડા ચાર કલાક સુધી રાહ જોયા પછી અંતે દિવસની રમત રદ થયાની જાહેરાત કરી હતી. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.00 વાગ્યે અને સ્થાનિક સમય અનુસાર સવારે 10.30 વાગ્યે શરૂ થવાની હતી, જો કે સવારથી વરસાદ હોવાના કારણે રમત શરૂ થઇ શકી નહોતી અને વરસાદે પહેલા સેશનની રમત ધોઇ નાંખતા વહેલા લંચ બ્રેકની જાહેરાત થઇ હતી.

જો કે તે પછી પણ સ્થિતિમાં કોઇ સુધારો દેખાયો નહોતો અને વરસાદ પડવાનું સતત ચાલું રહ્યું હતું.

Most Popular

To Top