Columns

માઈક્રોપ્લાસ્ટિકની ધીમી સુનામી આવી રહી છે : લપેટાયા વગર છૂટકો નથી

વિજ્ઞાને પ્રગતિ જરૂર કરી છે અને અસાધારણ ઝડપે કરી છે પણ કેટલાક સવાલો વિજ્ઞાનને કારણે જ આજે ઉપસ્થિત થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે આને પ્રગતિ કહેવી કે અધોગતિ? બારડોલી કે બીજા કોઇ તાલુકાનો ગ્રામીણ ખેડૂત પાકને પાણી પાતો – પાતો અમેરિકા કે ઝાંબિયા ખાતે સ્થિત બીજા પટેલ ખેડૂત સાથે ફોન પર વાતચીત કરી શકે, પાક, પાણી અને જમીનનો લાઇવ વીડિયો બતાવી શકે. 30 – 35 વર્ષ અગાઉ આવું ધાર્યું ન હતું પરંતુ એ પણ સત્ય છે કે એ પાક, પાણી અને જમીન વિષ કે ઝેર બની ગયા છે. તેમાંથી જે ફળો પાકે છે, તે ભલે ઉપરથી અમૃત ફળ લાગે પણ શરીર માટે વિષફળ બન્યા છે. બહુરત્ના વસુંધરામાં હવે પ્લાસ્ટિક અને રસાયણો જ રત્નો તરીકે છવાઇ ગયા છે. જગતની નદીઓ ગટરોમાં ફેરવાઇ રહી છે. આ સ્થિતિ માત્ર અવિકસિત દેશોની નથી. યુરોપ, અમેરિકાની નદીઓ ગટરો બનવા માંડી છે.

વિજ્ઞાનની સાથે સાથે અધોગતિનું બીજું મોટું કારણ પૈસાની લાલચ છે. ખેડૂતોને, કંપનીઓને અને ભ્રષ્ટ સરકારોને જેમાં પૈસો મળે એવી રીતો અપનાવે છે. તેમાં સૌથી ભૂંડી ભૂમિકા કંપનીઓની હોય છે. રસાયણોના કેટલાક ધંધાઓ કંપનીઓ પર છોડવા જેવા નથી. વાપી, અંકલેશ્વર અને ઝઘડિયાનું શું થયું તે આપણી નજર સામે છે. સર્વત્ર સૂક્ષ્મ (માઇક્રો) પ્લાસ્ટિક છવાઇ ગયું છે. પાણીમાં, જમીનમાં, ખોરાક અને શરીરમાં. અમુક ઝેરી રસાયણો પાણી, જમીનમાં કાયમને માટે ટકી જાય છે. વિજ્ઞાનની ટેક્નિકલ ભાષામાં તે પોલી – ફલોરિનેટ આલ્કાઇલ સબસ્ટન્સીઝ (PFAS) તરીકે ઓળખાય છે, પણ સામાન્ય સમજણની ભાષામાં ‘ફોર એવર કેમિકલ્સ’ તરીકે ઓળખાય.

તે પોલીમર્સ અને નોન -પોલીમર્સ બન્ને ગૃપમાં હોય છે. માનવી દ્વારા આ રસાયણો ઘણા સમયથી કપડાં, વાસણ, ફરસ ધોવાના એજન્ટો તરીકે, ટેકસટાઇલ તેમ જ અનેક અન્ય પ્રવૃત્તિઓમાં વપરાય છે. આ બધો કચરો શહેરો અને ગામડામાં ગટરોમાં ભળે. ત્યાંથી નદીઓ અને ખેતીની જમીનમાં પહોંચે. ‘ડાર્ક વોટર્સ’ નામની હોલિવૂડની ફિલ્મ આ ‘ફોરએવર કેમિકલ્સ’ની થીમ પર રચાઇ હતી. શુદ્ધ પાણીઓમાં ઝેર ફેલાઇ ગયા છે. પાણીમાં તરતાં, રમતાં અને નિવાસ કરતાં ચંચળ ઓટર્સ પ્રાણીઓની સંખ્યા સાવ ઘટી ગઇ છે તે દૂષિત પાણીના પ્રતાપે. અગાઉ 20મી સદીમાં ઓરગાનોકલોરિન નામના રસાયણનો વપરાશ ખૂબ વધ્યો હતો, ત્યારે રમતિયાળ અને પ્રિય લાગતા ઓટરોની સંખ્યા ખૂબ વધી ગઇ હતી. તેનો વપરાશ બંધ થયો ત્યારે થોડી સારી સ્થિતિ પેદા થઇ પરંતુ હવે ફરીથી ઓટરોએ નવા ઝેરી રસાયણોનો સામનો કરવો પડે છે.

ભારતના લોકોને સમજાવવું પડે એમ નથી કે નદીઓ શા માટે પ્રદૂષિત બને છે અને ગટરનું રૂપ ધારણ કરે છે? ભારતમાં અને ગુજરાતમાં લોકો માવા અને પ્લાસ્ટિકમાં વસેલા માવા વડે મોંને ગટર બનાવી દે છે તો નદીઓની શી વિસાત? ધરમપુર નજીકના એક મંદિરમાં પૂજારી દાન – દક્ષિણા માટે યજમાન પાસે પૂજા કરાવે ત્યારે જ બાજુની સુંદર ફરસ પર માવાયુકત પીચકારી મારી લે છે. તેઓ જગતની તમામ નદીઓને શ્લોકમાં આહ્‌વાન આપે. તેઓ નદીની ચિંતા કરવાના ખરા? આળસુ લોકોના દેશમાં દારૂ પીવા પર પ્રતિબંધને બદલે માવા પર પ્રતિબંધ મૂકવાની ખાસ જરૂર છે.

વાત થોડી આડી ચલાવી પણ જરૂરી હતી. સવાલ એ છે કે યુરોપ અને અમેરિકામાં શુદ્ધ પાણી અને ગટરના અશુદ્ધ પાણીના નિકાલની વ્યવસ્થા અલગ અલગ ગોઠવવામાં આવે છે, તો પણ નદીઓમાં ઝેરી રસાયણો કેવી રીતે પહોંચી ગયા? ભારતમાં તો સમજયા કે લોકો નદીઓને ગટર માને છે. માથે પાણી ચડાવે છે પણ મળમૂત્રનો ત્યાં જ ત્યાગ કરે. સુધરાઇઓ નદીના કાંઠે કચરો ડપ્ટ કરે. શહેરોનો ખુલ્લેઆમ પડેલો કચરો વરસાદમાં નદીમાં ભળે. ગટરો નદીમાં ઠલવાય પણ બ્રિટનની નદીઓનો અભ્યાસ કરવામાં આવ્યો કે શા માટે માઇક્રોપ્લાસ્ટિક અને ફોરએવર રસાયણો પાણીમાં ભળી ગયા છે?

આપણે માર્ગો પર જે મોટરગાડીઓ દોડાવીએ તેના ટાયરના ઘસાયેલા પાર્ટિકલ્સ રસ્તાઓ પર ચીટકેલા હોય છે. આપણે જે પોલીસ્ટર અને અન્ય કૃત્રિમ રસાયણોમાંથી બનેલાં કપડાં, ચીજ, શૂઝ વગેરે વાપરીએ છીએ તેનો સૂક્ષ્મ કચરો પાણી કે ગટર વાટે નદીઓ સુધી પહોંચે છે. ભારતમાં સુધરાઇઓ કૂવા કે નદીના પાણીને કેવી રીતે સાફ કરે છે તેમાં એકરૂપતા નથી. કયાંક આધુનિકતા પણ નથી. આપણે ખેતીવાડીમાં જ એટલા ઝેરી રસાયણો વાપરીએ છીએ કે એ નદીમાં આવે જ. કૂવામાં હોય એ હવાડામાં આવે. બ્રિટનમાં ગટરોને પણ ટ્રીટ કરાય છે. ગટરોના કચરાને અલગ તારવી લઇ તેમાંથી શુદ્ધ પાણી અલગ પડાય છે.

ત્યાંની વ્યવસ્થા પ્રમાણે એમ પણ છે કે ગટરનો અલગ તારવી લીધેલો કચરો ઓર્ગેનિક, મળમૂત્ર અને કુદરતી રસાયણોના સ્વરૂમાં હોવાનો. બ્રિટનની સુએજ (ગટર) સિસ્ટમ ગટરનો 99 % કચરો અલગ પાડી દે છે, જેમાં અમુક રાસાયણિક ફાઇબરો હોય છે. પછી જે શુદ્ધ પાણી બચે તેને ગટર ટ્રીટમેન્ટ કંપનીઓ  જંગલમાં છોડે છે. તેનાથી જંગલોની પણ વૃધ્ધિ થાય. પરંતુ જે કદડો બચે છે, તેમાંથી ટ્રીટમેન્ટ કરીને 87 % એવો કદડો મળે છે, જે ખેતરોમાં ખાતર તરીકે વાપરવા માટે વેચાતો અપાય છે. પરંતુ તેમાં સૂક્ષ્મ પ્લાસ્ટિકના કણો રહી ગયા હોય છે. આ કણોને પકડવા ખૂબ મુશ્કેલ છે. પકડવા હોય તો ખૂબ જટિલ અને મોંઘી પ્રક્રિયા સ્થાપવી પડે. માનવીના શરીરમાં હોય તો પણ આસાનીથી પકડાતા નથી.

હવે અહીં મૂળ મુદ્દો આવે છે. બ્રિટનના શહેરોની ગટરોના પાણીને ટ્રીટ કરવા માટે છેક 1989ના વરસથી અલગ અલગ પ્રાઇવેટ કંપનીઓને કોન્ટ્રેકટ અપાયા છે. ત્યારથી માંડીને હમણાં સુધી આ કંપનીઓએ પોતાના શેરહોલ્ડરોને 72 અબજ પાઉન્ડ ડિવિડન્ડ અથવા નફાના રૂપમાં ચૂકવ્યા છે. કંપનીઓ કાર્યક્ષમ સંચાલન કરીને નાણાંનો વ્યય અટકાવે તે બરાબર છે અને જરૂરી છે પરંતુ જરૂરી પ્રક્રિયામાં કાપ મૂકે અને તે પણ શેરહોલ્ડરો માટે નફો રળવા માટે મૂકે તે રીત  અમુક વ્યવસ્થાઓમાં બિલકુલ ન ચાલે. બ્રિટનની ગટર ટ્રીટમેન્ટ કંપનીઓ પર શંકા છે કે તેઓએ અમુક ખર્ચાળ પણ જરૂરી નિયમનો, પ્રક્રિયાઓ ઘટાડી અને કદડો ખેડૂતોને વેચ્યો તેથી જમીન અને પાણીમાં સર્વત્ર સૂક્ષ્મ પ્લાસ્ટિક ભળી ગયુ છે. ફોરએવર રસાયણો ભળી ગયા. આ રસાયણો શરીરમાં કેન્સર પેદા કરે, કિડની, લીવર, હૃદય વગેરે ગ્રંથિઓ અને ઓર્ગનોને ખોરવી નાખે.

એક મત એવો છે કે ગટરોને ટ્રીટ કરાય કે ન કરાય તો પણ અન્ય સ્ત્રોત અને માર્ગોએથી જમીન અને પાણીમાં માઈક્રોપ્લાસ્ટિક ભળવાના છે. ચોમાસામાં રસ્તાના પાણી ખેતરમાં જાય તો પણ ટાયરના કેમિકલોનો જમીનમાં રિસિવ થાય. ખેતરોના ઝાડ – પાન કે ઊભા પાકમાં માઈક્રોપ્લાસ્ટિક ભળી જાય, તેની પ્રકૃતિમાં ઘૂસી જાય, તે ખાવાથી માનવીના આરોગ્ય પર શી અસર પડે તેનું ખાતરીપૂર્વકનું સંશોધન હજી થઇ શકયું નથી પણ ગટરના કદડામાં એ ઝેરી પદાર્થો, જેવા કે બેન્ઝો પાઇરિન, ડાયોકિસન, ફુરાન્સ, PCB, PAH વગેરે મોટા પ્રમાણમાં જોવા મળ્યાં છે અને બેન્ઝો પાઇરિન વગેરેના સેવનથી કેન્સર થવાની શકયતા ખૂબ ઊંચી છે.

ગટરોમાં જે ઝેરી કચરો ભળે છે, તે મકાન બાંધકામની આજની પ્રવૃત્તિને કારણે ખૂબ મોટા પ્રમાણમાં ભળે છે. શહેરોમાં ગટરો અને મકાનો અવિભાજય અંગો બની ગયા છે. મકાનના રંગો, સિલાન્ટ અને કોટિંગ્સના રસાયણો, એડેસિવ, રૂફિંગ માટેના રસાયણો વગેરેમાં ફોરએવર કેમિકલો હોય છે. સરકારે મકાન બાંધકામમાંથી નીકળતો કચરો વગેરેનો અલગ નિકાલ કરવાની વ્યવસ્થા કરવી પડે પણ સરકાર જ બિલ્ડરોની બનેલી હોય તો? દિલ હી જબ દર્દ હો તો કયા કીજે? આજકાલ તો ખેતરોમાં માઇક્રોપ્લાસ્ટિક ઇરાદાપૂર્વક વાપરવામાં કે ફેલાવવામાં આવે છે. જમીનને વધુ છુટ્ટી, વધુ ભુરભુરી બનાવવા માટે જમીનમાં માઈક્રોપ્લાસ્ટિક ખાતરમાં મેળવીને છાંટે છે.

એ ઉપરાંત કૃત્રિમ ખાતરમાં રહેલા પૌષ્ટિક તત્ત્વો એકદમ જમીનમાં ભળીને તુરંત વપરાઇ કે ખલાસ ન થઇ જાય તે માટે ખાતરના દાણાઓ પર માઈક્રોપ્લાસ્ટિકના પડ અથવા થર ચડાવવામાં આવે. જે રીતે આજકાલની ઘણી દવાઓ ‘ડિલેય્‌ડ રિલિઝ’ અથવા મોડેથી ધીમે ધીમે એકસરખી અસર કરે તેવી બનાવવામાં આવે છે તે રીતે ખાતર પણ તૈયાર થાય. પણ એ પ્રક્રિયામાં જમીનમાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધે. પ્લાસ્ટિકના આ થર(સ્તર) પોલિયુરેથિન, પોલીસ્ટ્રીન, PVC, પોલ્યાક્રાઇડામાઇન અને અન્ય સ્વરૂપોની ફિલ્મના રૂપમાં હોય છે. એ બધા જોખમી ઘટકો છે અને તે માઇક્રોપ્લાસ્ટિકના રૂપમાં ફેરવાઇ જાય છે. પણ લોકોના જાનમાલની ચિંતા કર્યા વગર કંપનીઓ તે બનાવે છે અને ખેડૂતો વાપરે છે. વધુ પૈસા મળે એ જ એક ફાયદો. સબકા માલિક એક હૈ – પૈસો.

Most Popular

To Top